ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો:એક વિવાદાસ્પદ ટ્વિટના કારણે હવે સુરત કોર્ટમાં ફોજદારી કેસ ચાલશે, ધરપકડની લટકતી તલવાર
મુંબઈના વિવાદાસ્પદ અને જાણીતા બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર અને લેખક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી એક અત્યંત શરમજનક અને અપમાનજનક ટ્વિટના કારણે હવે તેમની સામે સુરતની મ્યુનિસિપલ કોર્ટમાં વિધિવત રીતે ફોજદારી કેસ દાખલ થવા જઈ રહ્યો છે. સિનિયર એડવોકેટ કમલેશ રાવલ દ્વારા કાયદાકીય લડત કરી અને હવે કશ્યપે સુરત કોર્ટના પગથિયાં ચઢવા જ પડશે. શું હતી એ વિવાદાસ્પદ ટ્વિટ અને ગાળાગાળી?
આ ચકચારી કેસની વિગતો મુજબ, 19 માર્ચ 2025ના રોજ ફિલ્મ જગતમાં મોટી પ્રસિદ્ધિ ધરાવતા અનુરાગ કશ્યપે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણોને નિશાન બનાવીને અત્યંત ઘૃણાસ્પદ ટ્વિટ જોતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ ટ્વિટના જવાબમાં આદિત્ય દત્તા નામના એક જાગૃત નાગરિકે અનુરાગ કશ્યપને આ પોસ્ટ તાત્કાલિક ડિલિટ કરવા અને મર્યાદા જાળવવા જણાવ્યું હતું. જોકે, પોતાની સેલિબ્રિટી હોવાના અહંકારમાં અંધ બનેલા કશ્યપે નમ્રતા દાખવવાને બદલે ભારે ગુસ્સો ઠાલવ્યો હતો અને ટ્વિટર પર જ જાહેરમાં ગાળ લખીને વળતો જવાબ આપ્યો હતો. અને આ જવાબે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. દેશવ્યાપી આક્રોશ અને સુરતના વકીલ કમલેશ રાવલની કાનૂની પહેલ
અનુરાગ કશ્યપના આ સભ્ય સમાજને કલંકિત કરતા જવાબના કારણે સમગ્ર ભારતમાં વસતા બ્રહ્મ સમાજની ધાર્મિક અને સામાજિક લાગણીઓ ગંભીર રીતે દુભાઈ હતી. દેશના ખૂણે-ખૂણે આ સેલિબ્રિટી વિરુદ્ધ દેખાવો થયા અને જુદી-જુદી જગ્યાઓ પર ફરિયાદો નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ કડીમાં સુરત ખાતે છેલ્લા 35 વર્ષથી વકીલાતની સફળ પ્રેક્ટિસ કરી રહેલા સિનિયર એડવોકેટ કમલેશ રાવલે એક બ્રાહ્મણ અને કાયદાના રક્ષક તરીકે આ મામલે કડક વલણ અપનાવ્યું. તેમણે સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજીને આ બાબતે કાનૂની પહેલ કરી અને સુરતની કોર્ટમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ કાયદેસરની ફોજદારી ફરિયાદ દાખલ કરીને કાનૂની સકંજો કસ્યો હતો. કોર્ટનું સમન્સ અને અનુરાગ કશ્યપનું મુંબઈથી બેંગ્લોર નાસી જવું
એડવોકેટ કમલેશ રાવલની ફરિયાદને ગ્રાહ્ય રાખીને સુરતની નામદાર કોર્ટે આરોપી અનુરાગ કશ્યપને કોર્ટ સમક્ષ હાજર થવા માટે કાયદેસરનું સમન્સ ઇસ્યુ કર્યું હતું. કશ્યપના મુંબઈ સ્થિત વકીલ દ્વારા પણ તેમને આ સમન્સ અંગે અને કોર્ટમાં હાજર રહેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોવા છતાં, કશ્યપ જાણીજોઈને કાયદાની પ્રક્રિયાથી ભાગતા રહ્યા અને કોર્ટમાં હાજર ન થયા. આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો પણ થયો કે કશ્યપે કાનૂની પકડમાંથી બચવા માટે મુંબઈના અંધેરી ચાર રસ્તા ખાતે આવેલું પોતાનું કાયમી રહેઠાણ પણ રાતોરાત બદલી નાખ્યું હતું અને તેઓ કાયદાથી મોં છુપાવીને બેંગ્લોર નાસી ગયા હતા, જેથી સમન્સની બજવણી અને સંભવિત ધરપકડથી લાંબો સમય બચી શકાય. HCના ચુકાદાને ટાંકી સુરત કોર્ટે આપ્યો ઐતિહાસિક આદેશ
આરોપીની આ પ્રકારની બેજવાબદાર અને ન્યાયતંત્રની અવગણના કરવાને સુરત કોર્ટે અત્યંત ગંભીરતાથી લીધી છે. નામદાર કોર્ટે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે આરોપીને પોતાનો પક્ષ રાખવા માટે 14 મહિના જેટલો લાંબો અને પૂરતો સમય આપ્યો હતો. તેમ છતાં અનુરાગ કશ્યપ તરફથી કોઈ જવાબ રજૂ કરાયો નહોતો. આથી કોર્ટે ગુજરાત હાઇકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાને ટાંકીને સ્પષ્ટપણે જણાવ્યું કે, 'આરોપીને પૂરતો સમય અને યોગ્ય તક આપવામાં આવી છે, તેમ છતાં તેણે નામદાર કોર્ટ રૂબરૂ હાજર થઈને પોતાનો કોઈ બચાવ રજૂ કર્યો નથી.' આથી કોર્ટે આરોપીની ગેરહાજરીને ધ્યાને રાખીને, તેમની વિરુદ્ધ વિધિવત રીતે ગુનો દાખલ કરવાનો આકરો હુકમ કર્યો છે. BNSની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, પાંચ વર્ષની સજાની જોગવાઈ
સુરત કોર્ટના આદેશ અનુસાર અનુરાગ કશ્યપ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196, 352 તથા 353(2) હેઠળ ગુનો નોંધી દેવામાં આવ્યો છે. આ કલમો ખાસ કરીને જુદા-જુદા ધર્મ, જાતિ અને સમુદાયો વચ્ચે વૈમનસ્ય તેમજ ભેદભાવ વધારવા, જાતિગત સંઘર્ષોને ઉશ્કેરવા તેમજ સોશિયલ મીડિયા પર અફવા કે દ્વેષપૂર્ણ નિવેદનો ફેલાવવા બદલ લાગુ કરવામાં આવે છે. આ ગંભીર ગુનાઓ હેઠળ આરોપીને વધુમાં વધુ 5 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. એટલું જ નહીં, પરંતુ કાયદામાં એવી પણ વિશેષ જોગવાઈ છે કે નામદાર કોર્ટ ગુનાની ગંભીરતા જોઈને આ સજાના ગાળામાં વધારો પણ કરી શકે છે, જે કશ્યપ માટે ભારે પડવાનું નક્કી છે. સોમવાર સુધીમાં કોઈપણ ભોગે હાજર થવું જ પડશે
ફરિયાદી પક્ષના વકીલ કમલેશ રાવલે આ અંગે જણાવ્યું હતું કે, નામદાર કોર્ટે જે કડક આદેશ કર્યા છે, તેના આધારે આગામી સોમવાર સુધીમાં આ કેસ વિરુદ્ધ સત્તાવાર ક્રિમિનલ કેસ નંબર એલોટ થઈ જશે. કેસ નંબર પડતાં જ આ મામલો સંપૂર્ણપણે ફોજદારી ટ્રાયલમાં ફેરવાઈ જશે. આ સ્થિતિમાં હવે અનુરાગ કશ્યપ ગમે તેટલા બહાના બનાવે કે ગમે ત્યાં છુપાય, તેમણે કોઈપણ સંજોગોમાં સુરત કોર્ટની લીગલ કાર્યવાહીનો સામનો કરવા માટે રૂબરૂ હાજર થવું જ પડશે. જો તેઓ આગામી મુદતોમાં હાજર નહીં થાય તો કોર્ટ તેમની સામે નોન-બેલેબલ વોરંટઇસ્યુ કરીને ધરપકડ કરવાનો આદેશ આપી શકે છે. મહત્તમ સજા કરાવવા વકીલ કટિબદ્ધ
વકીલ કમલેશ રાવલે કહ્યું કે, 'હું એક વકીલ અને સમાજનો જવાબદાર નાગરિક હોવાના નાતે મારી પૂરતી કોશિશ કરીશ અને કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરીને અનુરાગ કશ્યપને કાયદા હેઠળ મળતી વધુમાં વધુસજા કરાવવા માટે મારા તમામ પ્રયત્નો કરીશ.' તેમણે ઉમેર્યું કે સમાજમાં આવી સેલિબ્રિટીઝ કે જેને લાખો લોકો ફોલો કરતા હોય અને રોલ મોડેલ માનતા હોય, તેઓ જ્યારે આવી અશોભનીય અને દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ કરે છે ત્યારે સમાજનું માળખું જોખમાય છે. આ કેસ ભવિષ્યમાં આવી તમામ પ્રસિદ્ધ વ્યક્તિઓ માટે એક કડક દાખલારૂપ બનશે, જેથી કોઈ પણ વ્યક્તિ ભવિષ્યમાં સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી હોવાના નશામાં આવી અશોભનીય ટિપ્પણી કરતા સો વાર વિચાર કરે.
Read Original Article →