સુરતમાં કોંગ્રેસના 'મોઘવારીના ગરબા':પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસમાં ભાવ વધારો થતા કલેકટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન
દેશમાં અને રાજ્યમાં દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોની કમર તોડી નાખી છે. દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવો સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જ જનઆક્રોશને વાચા આપવા માટે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત કોંગ્રેસના શિર્ષ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આજે સૂત્રોચ્ચાર સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીની બહાર જ ભાજપ સરકાર વિરૂદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો. આ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે, વિરોધને વધુ ધારદાર અને અનોખો બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીની બહાર ‘મોંઘવારીના ગરબા’ રમીને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેઓએ મોંઘવારી પર હલ્લાબોલ, ભાજપ સરકાર પર હલ્લાબોલ, મેલોડી પર હલ્લાબોલના સૂત્રોચાર સાથે ગરબા કર્યા હતા. 'મોંઘવારી ઘટાડવાના દાવા પોકળ સાબિત થયા'
સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, જેણે 12 વર્ષ પહેલાં ભારતની જનતાને અને સુરતની જનતાને અહીંયા આવીને ભાષણ કરી ગયા હતા. ભાષણ એ મારું શાસન! એણે 12 વર્ષમાં કીધું તું કે 'મારી સરકાર આવતા હું મોંઘવારી ઘટાડીશ.' પણ આજે ભારતની જનતા મોંઘવારીનું ઝેર પી રહી છે. લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કામધંધો નથી. ગેસ ભરાવી શકતા નથી, તેલ ભરાવી શકતા નથી, ફી ભરી નથી શકતા આ ભારતની જનતાની પરિસ્થિતિ છે. ત્યારે ભાઈ, વિદેશમાં જઈને ચોકલેટો વેચે છે, દાંત બતાવે છે, શરમ નથી આવતી એને! એને શરમ આવવી જોઈએ. 'ઈંધણમાં થયેલા ભાવવધારાના કારણે અર્થતંત્ર પડી ભાંગશે'
કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાના નેજા હેઠળ સુરત કલેક્ટર કચેરી ખાતે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યા.
મુખ્ય મુદ્દો એ છે કે છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ પર સતત ભાવ વધારો થયો છે અને આજની તારીખે 8 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. આવનારા દિવસોમાં પણ ભાવ વધારવાની શક્યતા છે. જેના કારણે સમગ્ર દેશનું અર્થતંત્ર પડી ભાંગશે. સામાન્ય પ્રજાજનોને એનું જે રોજિંદું ખર્ચ છે, એ ઉપાડવામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડશે. મહિલાઓને ઘર ચલાવવામાં તકલીફ પડશે અને અતિશય મોંઘવારી વધવાને કારણે જે વ્યક્તિની કમાણી છે, એ કમાણીનો કેટલો હિસ્સો એમાં જતો રહેશે એની કોઈ કલ્પના નથી. ડો. પ્રીતિ સરધારા પ્રજાપતિ, કોંગ્રેસ કાર્યકરે જણાવ્યું હતું કે, ભારત દેશમાં દિનપ્રતિદિન જે કુદકે ને ભૂસકે બેફામ અત્યારે ફુગાવો મોંઘવારીમાં થઈ રહ્યો છે, એના માટે વિરોધ પ્રદર્શન અહીંયા કોંગ્રેસ પાર્ટી તરફથી બધા કાર્યકરો કરી રહ્યા છે.
Read Original Article →