સુરત કોંગ્રેસનું 'મિશન અજ્ઞાત':કુંભાણી જેવો ખેલ ન પડે તે માટે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડાયા, બાકીના ઉમેદવાર સાથે બે ગુપ્ત 'શેડો' કાર્યકરો તૈનાત

Gujarat4/13/2026, 2:35:15 PM
સુરત કોંગ્રેસનું 'મિશન અજ્ઞાત':કુંભાણી જેવો ખેલ ન પડે તે માટે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડાયા, બાકીના ઉમેદવાર સાથે બે ગુપ્ત 'શેડો' કાર્યકરો તૈનાત
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભામાં નિલેશ કુંભાણી પ્રકરણમાં જે રીતે કોંગ્રેસનો ગઢ ધરાશાયી થયો હતો, તેમાંથી બોધપાઠ લઈને પાર્ટીએ આ વખતે પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળો પર ખસેડી દીધા છે. હાઈકમાન્ડના આદેશથી આ ઉમેદવારોને શહેરથી દૂર 11 જેટલા સિક્રેટ લોકેશન પર રાખવામાં આવ્યા છે, જેથી વિરોધી પક્ષો તેમના સુધી પહોંચી ન શકે. અજ્ઞાત ગુપ્ત લોકેશન પર કોંગ્રેસની ‘કિલ્લેબંધી’ કોંગ્રેસે જે બેઠકો પર જીત નિશ્ચિત માની છે, ત્યાંના ઉમેદવારો માટે ખાસ 'સેફ હાઉસ' તૈયાર કરવામાં આવ્યા છે. શહેરની બહાર આવેલા અજ્ઞાત અલગ-અલગ અજ્ઞાત સ્થળોએ આ ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. આ સ્થળોની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રદેશ નેતાઓને જ છે. ઉમેદવારોને બહારની દુનિયાથી સંપર્ક કાપી નાખવા માટે મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવામાં આવ્યા છે. સંપર્ક તોડવા ફોન સ્વીચ ઓફ કરવાની સૂચના જે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, તેમને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત નહીં કરે. નિલેશ કુંભાણી પ્રકરણમાં જે રીતે 'રમત' થઈ હતી, તેવું ફરી ન થાય તે માટે ઉમેદવારોના ફોન બંધ કરાવી દેવાયા છે. કોઈ પણ નેતા કે કાર્યકરને પણ આ અજ્ઞાત સ્થળોની મુલાકાત લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સોશિયલ મીડિયા અને ઘર પર પણ ‘બાજ નજર’ ઉમેદવારો ભલે અજ્ઞાત સ્થળે હોય, પરંતુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને તેમના રહેઠાણ પર પણ પાર્ટીએ વોચ ગોઠવી છે. અજ્ઞાત સ્થળેથી કોઈ મેસેજ લીક ન થાય અને ઉમેદવારના ઘરે ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરે તે માટે ખાનગીમાં બે કાર્યકરોને દરેક ઉમેદવારના ઘરની દેખરેખ માટે પણ તૈનાત કરી દેવાયા છે. દરેક ઉમેદવાર સાથે બે ગુપ્ત 'શેડો' કાર્યકરો તૈનાત અજ્ઞાત સ્થળે રહેલા દરેક ઉમેદવાર સાથે કોંગ્રેસે બે વિશ્વાસુ અને ગુપ્ત કાર્યકરોને 'શેડો' તરીકે મૂક્યા છે. આ કાર્યકરો ઉમેદવારની તમામ જરૂરિયાતો પૂરી કરવાની સાથે તેમની હિલચાલ પર પણ નજર રાખશે. જો કોઈ ઉમેદવાર અજ્ઞાત સ્થળેથી બહાર નીકળવાનો પ્રયાસ કરે અથવા કોઈની સાથે સંપર્ક કરવાની કોશિશ કરે તો તાત્કાલિક હાઈકમાન્ડને રિપોર્ટ કરવાની સૂચના અપાઈ છે. હારના ડર અને 'કુંભાણી ફોબિયા'એ રણનીતિ બદલાવી સુરત કોંગ્રેસમાં અત્યારે સૌથી મોટો ડર નિલેશ કુંભાણી પ્રકરણના પુનરાવર્તનનો છે. જે રીતે લોકસભામાં ઉમેદવાર ગાયબ થઈ ગયા હતા અને ફોર્મ રદ થયા હતા એવું મનપામાં ન થાય તે માટે આ 'અજ્ઞાત લોકેશન' વાળી રણનીતિ અપનાવવામાં આવી છે. જીત પાકી હોય તેવા ઉમેદવારોને ચૂંટણીના દિવસ સુધી સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસે અત્યાર સુધીની સૌથી મોટી કવાયત હાથ ધરી છે.
Read Original Article →