સુરત કોંગ્રેસમાં આંતરિક કલહ:પ્રદેશના હોદ્દેદારને સસ્પેન્ડ કરતા વિવાદ વકર્યો, 'કઈ સત્તા હેઠળ મને સસ્પેન્ડ કર્યો?' રાજુ ભલાલાનો શહેર પ્રમુખને સવાલ

Gujarat5/13/2026, 4:22:38 PM
સુરત કોંગ્રેસમાં આંતરિક કલહ:પ્રદેશના હોદ્દેદારને સસ્પેન્ડ કરતા વિવાદ વકર્યો, 'કઈ સત્તા હેઠળ મને સસ્પેન્ડ કર્યો?' રાજુ ભલાલાનો શહેર પ્રમુખને સવાલ
સુરત શહેર કોંગ્રેસમાં હાલ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેર સંગઠન અને પ્રદેશના હોદ્દેદારો વચ્ચેના આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગના મહામંત્રી રાજુભાઈ ભલાલાએ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાળા સામે મોરચો માંડ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે. સસ્પેન્શન સામે કાયદેસરનો વાંધો રાજુભાઈ ભલાલાને ગત 7 મે 2026ના રોજ પક્ષના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીને તેમણે ગેરબંધારણીય ગણાવી છે. ભલાલાના મતે, તેઓ હજુ પણ પ્રદેશ કક્ષાએ કાર્યરત હોવાથી શહેર પ્રમુખ પાસે તેમને સસ્પેન્ડ કરવાની સત્તા છે કે નહીં, તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. સત્તાની મર્યાદા પર ઉઠ્યા સવાલ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાળાને લખેલા પત્રમાં રાજુભાઈએ સ્પષ્ટપણે પૂછ્યું છે કે, કયા નિયમ અને કઈ સત્તાના આધારે તેમની સામે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે? સામાન્ય રીતે પ્રદેશના હોદ્દેદારો સામેની કાર્યવાહી પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે શહેર પ્રમુખના આ નિર્ણયને 'ઉલટી ગંગા' સમાન ગણાવવામાં આવી રહ્યો છે. પુરાવા અને આક્ષેપોની માંગણી માત્ર સસ્પેન્શન જ નહીં, પણ રાજુભાઈ ભલાલાએ પોતાની વિરુદ્ધ થયેલી તમામ ફરિયાદો અને આક્ષેપોની વિગતો પણ માંગી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે તેમને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહી અન્યાયી છે અને પક્ષના શિસ્તના નામે કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે, તેથી તેની લેખિત વિગતો પૂરી પાડવી જોઈએ. આગામી રણનીતિ અને ચીમકી આ વિવાદ હવે વધુ વકરે તેવી શક્યતા છે, કારણ કે રાજુભાઈએ શહેર પ્રમુખને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો નિયત સમયમાં સંતોષકારક જવાબ કે ખુલાસો નહીં મળે, તો કોંગ્રેસના પક્ષીય બંધારણ મુજબ તેઓ ઉપલી કક્ષાએ રજૂઆત કરશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટનાક્રમથી સુરત કોંગ્રેસમાં જૂથવાદ વધુ ઘેરો બન્યો છે.
Read Original Article →