મનપા ચૂંટણી ફોર્મ ચકાસણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા:કોંગ્રેસના પીઢ ઉમેદવાર પોતાનું ફોર્મમાં પક્ષનું નામ લખવાનું જ ભૂલ્યા, ભાજપના 'ગઢ' માં ગાબડું પાડવા નીકળેલા નરેન્દ્ર આઉટ
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, કલેક્ટર કચેરી ખાતે આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રહેવાને બદલે હાઈવોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગઈ હતી. સૌથી ચોંકાવનારી ઘટના વોર્ડ નંબર 12માં બની હતી, જ્યાં કોંગ્રેસના પીઢ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ પોતાનું ફોર્મ ભરતી વખતે પક્ષનું નામ જ લખવાનું ભૂલી જતાં તેમનું ફોર્મ રદ થયું હતું. બીજી તરફ, ભાજપના બળવાખોર નેતા નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ પણ ટેક્નિકલ ખામીના નામે રદ થતા હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કલેક્ટર કચેરીના કેમ્પસમાં ભાજપ, આપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં પરિસર જંગના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. છગન પટેલને મળ્યું ‘બીજા નિલેશ કુંભાણી’નું ટેગ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ વખત વિજેતા બની ચૂકેલા અને અનુભવી નેતા ગણાતા ભૂપેન્દ્ર પટેલની ઉમેદવારી રદ થતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર છગન પટેલે પોતાના ફોર્મમાં ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ’ પક્ષનું નામ જ લખ્યું નહોતું. જે પક્ષના ચિહ્ન પર તે દાયકાઓથી રાજકારણ કરે છે, તેનું નામ લખવાનું જ ભૂલી જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ ગંભીર બેદરકારીને કારણે રાજકીય ગલિયારાઓમાં તેમને ‘બીજા નિલેશ કુંભાણી’ તરીકે સરખાવવામાં આવી રહ્યા છે. કાર્યકરોમાં ચર્ચા છે કે શું આ ખરેખર ભૂલ છે કે પછી કોઈ આંતરિક ગોઠવણ? ખેસ ખેંચાખેંચી અને પક્ષના પ્રતીકોનું અપમાન
કલેક્ટર કચેરીની બહાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે અજીબોગરીબ દૃશ્યો જોવા મળ્યા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ એટલી હદે આવેશમાં આવી ગયા હતા કે, એકબીજાને પરાણે પોતાના પક્ષના ખેસ પહેરાવવાની હોડમાં ઉતરી પડ્યા હતા. ભાજપના કાર્યકરે ‘AAP’ના કાર્યકરને ભગવો પહેરાવ્યો તો સામે ‘AAP’ના કાર્યકરે ભાજપના કાર્યકરને ટોપી અને ખેસ પહેરાવી દીધા હતા. વિવાદ વધતા ઉશ્કેરાયેલા કાર્યકરોએ પક્ષના સન્માન ગણાતા ખેસને જમીન પર ફેંકી પગ નીચે કચડ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનો વિસ્ફોટ
ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ ટેકેદારોના નામમાં ક્ષતિ હોવાનું જણાવી રદ કરવામાં આવ્યું છે. ફોર્મ રિજેક્ટ થતા જ નરેન્દ્ર ચૌધરી લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, "જ્યારથી મેં ફોર્મ ભર્યું છે ત્યારથી ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ મારા વિસ્તારમાં દોડતા થઈ ગયા હતા. આ એક સુનિયોજિત ષડયંત્ર છે. સત્તાના જોરે મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે જેથી ભાજપની જીત આસાન બની શકે. SOG પોલીસની દખલગીરી સામે ડો. તુષાર ચૌધરીના ગંભીર આક્ષેપો
ચૂંટણી પ્રક્રિયામાં પોલીસની કથિત સંડોવણીનો મુદ્દો પણ ગાજ્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ગંભીર રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સુરત શહેર SOG પોલીસ દ્વારા વોર્ડ નં. 19માં ભાજપના મુસ્લિમ ઉમેદવારોને ફાયદો કરાવવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ડૉ. ચૌધરીએ માગ કરી છે કે જે પોલીસ અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે જેથી ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઈ રહે. વોર્ડ-13માં મોહિનીબેન રાઠોડનું ફોર્મ માન્ય
વોર્ડ નંબર 13માં પણ રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ હતો. ભાજપના મહિલા ઉમેદવાર મોહિનીબેન રાઠોડ સામે આમ આદમી પાર્ટીના વકીલ શાહીના મલેકે વાંધા અરજી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઉમેદવારના પ્રમાણપત્રોમાં મોટી વિસંગતતા છે. જોકે, ભાજપ લીગલ સેલના વકીલ દીપક આફ્રિકાવાળાએ ધારદાર દલીલો કરી આક્ષેપોને ફગાવી દીધા હતા. અંતે, નોડલ ઓફિસરે ટેકનિકલ ગ્રાઉન્ડ પર ‘આપ’ની અરજી ફગાવી દેતા મોહિનીબેનનું ફોર્મ માન્ય રહ્યું હતું, જેનાથી ભાજપ છાવણીમાં રાહત જોવા મળી હતી. ટિકિટના કકળાટમાં કલેક્ટર કચેરી માથે લીધી
કોંગ્રેસ પક્ષમાં જૂથબંધી અને ટિકિટના વિતરણને લઈને ચાલતો વિવાદ આજે જાહેરમાં આવ્યો હતો. વોર્ડ-10માં પક્ષના અગાઉના જાહેર કરાયેલા ઉમેદવાર દુર્ગાબેન નિશાદે કલેક્ટર કચેરીએ ભારે હોબાળો કર્યો હતો. તેમણે શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર સીધો આક્ષેપ કર્યો હતો કે, તેમનું મેન્ડેટ જાણીજોઈને જમા કરાવવામાં આવ્યું નથી. બીજી તરફ પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, પક્ષના આદેશ મુજબ ઉમેદવાર બદલીને મમતાબેન પરમારને ટિકિટ અપાઈ છે. આ આંતરિક લડાઈએ કોંગ્રેસની ફજેતી કરી હતી.
Read Original Article →