EV ચાર્જર પોઇન્ટ પર ફરી ગંદકીનું સામ્રાજ્ય:ડિંડોલી ચિલ્ડ્રન પાર્ક પણ સુવિધાઓ વિના રામભરોસે, સ્વચ્છ સિટી સુરતના કમિશનર સૂચનાની ઉલાળ્યો
સુરતને દેશભરમાં સ્વચ્છ સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત મનપા અવારનવાર અનેક એવોર્ડો મેળવીને પોતાની પીઠ થાબડતી રહે છે. પરંતુ, શું આ સ્માર્ટનેસ માત્ર કાગળ પર અને VIP વિસ્તારો પૂરતી જ સીમિત છે? આ એક એવો સવાલ છે જે અત્યારે સુરતના ડિંડોલી વિસ્તારના નાગરિકો પૂછી રહ્યા છે. ડિંડોલી વિસ્તારમાંથી સામે આવેલા દૃશ્યો મનપાના કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ પર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરી રહ્યા છે. સાથે જ કમિશનરની એક વિઝિટમા EV ચાર્જર પોઇન્ટ પર ગંદકી નજરે આવતા તેમણે તાત્કાલિક સાફ-સફાઈના આદેશ આપ્યા હતાં. પરંતુ તે થોડા દિવસો પૂરતું સીમિત રહ્યું અને હવે ફરી પાછું ચાર્જર પોઇન્ટ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. તૂટેલા હિંચકા, સુકાઈ ગયેલા વૃક્ષો અને બંધ પડેલી પાણીની પરબો
સુરતના ડિંડોલી TP-1 વિસ્તારમાં આવેલો શાંતિ કુંજ અને ચિલ્ડ્રન પાર્ક આજે તંત્રની ઘોર બેદરકારી, આયોજનના અભાવ અને મેન્ટેનન્સના નામે થતી લાપરવાહીનો જીવતો જાગતો પુરાવો બની ગયો છે. એક સમયે જે બગીચો બાળકોની કિલકિલાટ અને ખુશીઓથી ગૂંજતો હતો, તે આજે તૂટેલા હિંચકા, સુકાઈ ગયેલા વૃક્ષો અને બંધ પડેલી પાણીની પરબો સાથે પોતાની દયનીય હાલત પર આંસુ સારી રહ્યો છે. વડીલો માટે સવાર-સાંજ ફરવા માટે શાંતિ કુંજ આશીર્વાદ સમાન
વર્ષ 2017માં જ્યારે આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ હતો. ડિંડોલી અને તેની આસપાસના મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે આ એકમાત્ર મોટું મનોરંજનનું કેન્દ્ર હતું. વડીલો માટે સવાર-સાંજ ફરવા માટે શાંતિ કુંજ એક આશીર્વાદ સમાન હતું. પરંતુ સમય જતાં મનપાના અધિકારીઓએ આ પ્રોજેક્ટને જાણે વિસારે પાડી દીધો હોય તેમ તેની જાળવણી કરવાનું બંધ કરી દીધું. બગીચામાં ધૂળ અને કચરાનું સામ્રાજ્ય
આજે આ પાર્કની મુલાકાત લેતા જ હૃદય દ્રવી ઊઠે તેવા દૃશ્યો સામે આવે છે. બાળકો માટેના હિંચકાઓ કાટ ખાઈને તૂટી ગયા છે. લપસણીઓ વચ્ચેથી ફાટી ગઈ છે, જે રમી રહેલા માસૂમ બાળકો માટે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. બગીચાની હરિયાળી ગાયબ થઈ ચૂકી છે અને યોગ્ય માવજતના અભાવે વર્ષો જૂના વૃક્ષો સુકાઈ રહ્યા છે. જે પાર્ક લોકોને શુદ્ધ હવા આપવા માટે બનાવાયો હતો, તે આજે ધૂળ અને કચરાનું સામ્રાજ્ય બની ગયો છે. અધિકારીઓના કાન સુધી આ વાત પહોંચતી જ નથી-સ્થાનિક
ઉનાળાની આકરી ગરમી વચ્ચે જ્યારે લોકો ગાર્ડનમાં થોડી રાહત મેળવવા આવે છે, ત્યારે તેમને પીવાનું શુદ્ધ પાણી પણ નસીબ થતું નથી. પાર્કમાં બનાવવામાં આવેલી પાણીની પરબ લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, પાણીની પરબ રિપેર કરવા માટે અનેકવાર મનપાની ઝોન ઓફિસમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓના કાન સુધી આ વાત પહોંચતી જ નથી. અમારે નાના બાળકોને સાથે લઈને આવવું હોય તો ઘરેથી જ પાણીની બોટલોની વ્યવસ્થા કરવી પડે છે. સ્વચ્છ સિટી સુરતના કમિશનર સૂચનાની ઉલાળ્યો
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજની એક વિઝિટ દરમિયાન તેમના ધ્યાને આવ્યું હતું કે ઈલેક્ટ્રીક વાહનો માટે જે ચાર્જર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે ત્યાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતાં. ત્યારે કમિશનરે તાત્કાલિક સાફ-સફાઈના આદેશ આપ્યા હતા પરંતુ જે થોડા સમય માટે તેમની સૂચનાનું પાલન થયું હતું. પરંતુ હવે કતારગામમાં આવેલ એક જ ચાર્જર પોઇન્ટ પર કચરાના ઢગલા જેમને તેમ પડેલા જોવા મળી રહ્યા છે જે કમિશનરની સૂચનાનું સીધું ઉલ્લંઘન થતું હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે.
Read Original Article →