ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું:સુરત કલેક્ટર કચેરી ‘રણમેદાન’ બની; ઇટાલિયા સામે ભાજપ કાર્યકરોના મોદી-મોદી નારા; પોલીસે મામલે થાળે પાડ્યો
સુરત શહેરના રાજકારણમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ) ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પક્ષોના ઉમેદવારો જ્યારે ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક ફિનાઈલ ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ અંગે તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ટેકનિકલ સમસ્યા અને નિયમોના ગૂંચવાડાને ગણાવ્યું કારણ
આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જણાવતા ગૌશાલીબેને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ચૂંટણી પંચના કડક નિયમો અને ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટીએ મને મેન્ડેડ આપ્યું છે અને કોઈ કચાસ રાખી નથી, પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ ડેટામાં સુધારા કરી શકાય છે, જેના કારણે મારી ઉમેદવારી અટવાઈ પડી છે. ફોર્મમાં થયેલી ભૂલ અને ટેકનિકલ અવરોધથી હતાશ થઈને તેમણે આ અંતિમ ડગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપની નારેબાજી, માહોલ ગરમાયો
ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા કલેક્ટર કચેરી જાણે રાજકીય જંગનું મેદાન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયા પોતાનું નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમની સાથે આપના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા. જોકે, આ જ સમયે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારો સાથે ત્યાં ઉપસ્થિત હતા. ગોપાલ ઈટાલિયાને જોતા જ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને જોરશોરથી 'મોદી-મોદી' ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ભાજપના કાર્યકરોએ 'કેજરીવાલ ચોર છે' અને 'દેશ કે ગદ્દારો કો ગોલી મારો' જેવા વિવાદિત સૂત્રોચ્ચાર કરતા વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ દોડતી થઈ, ઘર્ષણ ટળ્યું
ભાજપના નારા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ મોરચો સંભાળ્યો હતો. 'આપ' ના કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈ 'ઝાડુ-ઝાડુ' અને 'પરિવર્તન' ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. બંને પક્ષના કાર્યકરો એકબીજાની એટલા નજીક આવી ગયા હતા કે ગમે ત્યારે શારીરિક સંઘર્ષ થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. સ્થળ પર હાજર પોલીસ કાફલો તરત જ હરકતમાં આવ્યો હતો અને બંને જૂથો વચ્ચે માનવ સાંકળ બનાવી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને તરફથી ચાલતા શાબ્દિક પ્રહારોને કારણે અફરાતફરીનો માહોલ લાંબો સમય ચાલ્યો હતો. નેતાઓએ કાર્યકરોને સંભાળ્યા, શાંતિપૂર્ણ ફોર્મ વિધિ સંપન્ન
જ્યારે મામોલ વધુ બિચકાયો ત્યારે બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દરમિયાનગીરી કરી હતી. મોટી દુર્ઘટના ન ઘટે તે માટે નેતાઓએ પોતપોતાના કાર્યકરોને શાંત પાડ્યા હતા અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં શિસ્ત જાળવવા અપીલ કરી હતી. પોલીસની કડક સુરક્ષા વચ્ચે અંતે મનોજ સોરઠીયા સહિતના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. સુરતની આ ચૂંટણીમાં આ વખતે ભાજપ અને 'આપ' વચ્ચે સીધો જંગ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેની ઝલક આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેક્ટર કચેરીમાં જોવા મળી હતી.
Read Original Article →