મેથેમેટિક્સમાં Ph.D ઠગબાજ શિક્ષિકાએ 120 લોકોને નવડાવ્યા:સુરતમાં મુખ્યમંત્રી આવાસના નામે 21 લાખ પડાવ્યા, વેશ પલટો કરી 9 વર્ષથી પોલીસને થાપ આપતી હતી; અંતે ઝડપાઈ
સુરત પોલીસના સકંજામાં આવેલી આ 52 વર્ષીય મહિલાની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. ગણિત જેવા જટિલ વિષયમાં Ph.Dની પદવી મેળવનારી અને અગાઉ સન્માનજનક શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હેમલતા કાળીદાસ ચૌધરીએ વધુ પડતા પૈસાની અંધાધૂંધ લાલચમાં ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો. આ સાતિર મહિલાએ કાયદાના સકંજાથી બચવા પોતાનો સંપૂર્ણ વેશપલટો કરી નાખ્યો હતો. તેણે પોતાના લાંબા વાળ કપાવીને પુરૂષોની જેમ બોય-કટ વાળ કરાવી લીધા અને 9 વર્ષ સુધી પોલીસને થાપ આપતી રહી હતી. જોકે, અંતે રાંદેર પોલીસે તેણીની ધરપકડ કરી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે કરોડોની છેતરપિંડી
આરોપી હેમલતા ચૌધરીએ ભણેલા-ગણેલા હોવાનો અયોગ્ય લાભ ઉઠાવી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવ્યા હતા. વર્ષ 2018 માં તેણીએ સુરત શહેરમાં ગરીબ આવાસ યોજના એટલે કે 'મુખ્યમંત્રી આવાસ યોજના' હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અપાવવાનું મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. આ યોજનાના બહાને તેણીએ આશરે 120થી પણ વધુ નિર્દોષ લોકોને સસ્તા ઘરની લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા અને તેમની મહેનતની કમાણી હડપ કરી લીધી હતી. ખોટી રસીદો અને બોગસ પઝેશન લેટરનું મોટું કૌભાંડ
પોલીસના સત્તાવાર રેકોર્ડ અને તપાસ મુજબ, વર્ષ 2018 માં હેમલતાએ એક ફરિયાદી પાસેથી મુખ્યમંત્રી આવાસના ફ્લેટના બહાને રૂપિયા 4.45 લાખ પડાવી લીધા હતા. આટલેથી જ ન અટકતા, ગુનાહિત માનસ ધરાવતી આ મહિલાએ 'જય સોમનાથ એન્ટરપ્રાઈઝ'ના નામે તદ્દન ખોટી અને બોગસ સરકારી રસીદો બનાવી આપી હતી. ભોગ બનનારને શંકા ન જાય તે માટે ફ્લેટનો કબ્જો સોંપ્યા અંગેનો નકલી 'પઝેશન લેટર' (કબ્જા પત્ર) પણ તૈયાર કરી આપ્યો હતો. આ જ મોડસ ઓપરેન્ડીથી તેણીએ અન્ય સાહેદો પાસેથી પણ રૂપિયા 17.24 લાખ મેળવીને કુલ રૂપિયા 21.69 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરી રાતોરાત ફરાર થઈ ગઈ હતી. 9 વર્ષ લાંબી નાસભાગ અને તાપી કનેક્શન
આ ગુનાહિત કૃત્ય આચર્યા બાદ હેમલતા સતત પોતાના આશ્રયસ્થાનો બદલતી રહી હતી. મૂળ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના રાનવેરી ગામની વતની એવી હેમલતા ચૌધરી હાલ વ્યારાના તાડકુવા વિસ્તારમાં આવેલી 'શીવાય રેસીડેન્સી'ના ઘર નંબર-95 માં છુપાઈને રહેતી હતી અને ત્યાં તે માત્ર ઘરકામ કરતી હોવાનો ઢોંગ કરતી હતી. છેલ્લા 9 વર્ષથી (સને 2018 થી) તે અલગ-અલગ પોલીસ મથકોની આંખમાં ધૂળ નાખીને નાસતી ફરતી હતી. તેની ધરપકડ ટાળવા માટે કોર્ટ દ્વારા સી.આર.પી.સી કલમ-70 મુજબનું પકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાંદેર પોલીસનું સચોટ ટેકનિકલ ઓપરેશન
લાંબા સમયથી નાસતા ફરતા ગુનેગારોને પકડવાની સુરત પોલીસ કમિશનરની ખાસ ઝુંબેશ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના એ.એસ.આઈ કિરીટસિંહ રામસંગભાઈ (બકલ નંબર-179) ને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. તેઓએ વર્ષો જૂના કેસ પેપર્સનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. ખાનગી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવાની સાથે અત્યાધુનિક ટેકનિકલ એનાલિસીસ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મોઢું છુપાવતી આ મહિલા સુરતના પોશ વિસ્તાર ગણાતા સિટીલાઈટ ખાતે આવી છે. સિટીલાઈટના આશીર્વાદ બંગ્લોઝથી નાટ્યાત્મક ધરપકડ
ચોક્કસ ટેકનિકલ લોકેશન મળતા જ રાંદેર પોલીસની એક ખાસ ટીમે તાત્કાલિક સિટીલાઈટ રોડ પર આવેલા 'આશીર્વાદ બંગ્લોઝ' ખાતે વોચ ગોઠવી દીધી હતી. પોલીસે આયોજનબદ્ધ રીતે આ જગ્યાએ દરોડો પાડીને વેશપલટો કરીને ફરેલી 52 વર્ષીય હેમલતા કાળીદાસ ચૌધરીને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. નવ વર્ષથી જે આરોપીને શોધવા માટે પોલીસ ફાંફા મારી રહી હતી, તે આખરે રાંદેર પોલીસની સતર્કતા અને સચોટ આયોજનના કારણે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે. સુરતના અન્ય પોલીસ મથકોમાં પણ મોટો ગુનાહિત ઈતિહાસ
ડીસીપી લખધીર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો ગુનો, જેમાં હેમલતાબેન ચૌધરી નામની મહિલા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા 21 થી 22 લાખ જેટલી રકમની ઠગાઈ થયેલી અને ત્યારબાદ આ મહિલા જે છે એ ભાગતી ફરતી હતી. તેની બાતમી મળતા, વિવિધ ટેકનિકલ ઇન્ટેલિજન્સની અને એનાલિસીસના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહિલાની ધરપકડ કરી પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી ચાલુ છે. આ મહિલા ભૂતકાળમાં પુણા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ 2017 ના વર્ષમાં આ અલગ અલગ બાબતોમાં ઠગાઈના ગુનામાં ભાગરૂપે રહી ચૂકેલી છે. તે ઉપરાંત રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ આ જ પ્રકારના ઠગાઈના ગુનાને ભૂતકાળમાં આ આરોપીએ અંજામ આપેલો છે અને તે મહિલા આ ગુનામાં પણ વોન્ટેડ હતી, જેની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →