મેલેરિયા સામે લડવા સુરત વૈશ્વિક રોલ મોડેલ બનશે:મ્યુ. કમિશનરની અમેરિકાની સંસ્થા સાથે આબોહવા પરિવર્તન અને AI આધારિત મોડેલિંગ પર સમીક્ષા બેઠક
વૈશ્વિક સ્તરે થઈ રહેલા આબોહવા પરિવર્તન અને ઝડપી શહેરીકરણના કારણે માનવ સ્વાસ્થ્ય સામે નવા 5 પડકારો ઉભા થયા છે, ત્યારે સુરત અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક સંશોધનોના સમન્વય સાથે રોગચાળા સામે લડવા માટે દેશનું અગ્રેસર શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરત શહેરમાં બદલાતા તાપમાન અને ખાસ કરીને હવામાં રહેલા ભેજના કારણે મચ્છરજન્ય રોગો, ખાસ કરીને શહેરી મેલેરિયાના ફેલાવા પર શું અસર થાય છે, તેનો સચોટ અભ્યાસ કરવા માટે અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ' દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક
આ વૈશ્વિક પ્રોજેક્ટ સુરત શહેરના હવામાનમાં રહેલ ભેજના સંદર્ભમાં શહેરી મેલેરિયા ટ્રાન્સમિશન માટે થર્મલ સ્યુટેબિલિટી રિડીફાઇનીંગની કાર્યપ્રગતિની સમીક્ષા કરવા માટે આજે મંગળવારે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય વાર્ષિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકા અને ભારતના નામાંકિત વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો અને વહીવટી વડાઓએ ભાગ લઈ અત્યાર સુધીના સંશોધન અને આગામી રોડમેપ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. મેલેરિયા મુક્ત સુરત માટે AIનો ઉપયોગ થશે
બેઠકને સંબોધિત કરતા સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા આ પ્રોજેક્ટની ઉપયોગિતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માત્ર પરંપરાગત પદ્ધતિઓથી રોગચાળો નિયંત્રિત કરવો શક્ય નથી. કોઈપણ આધુનિક શહેરના આયોજન અને નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધનો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. કમિશનરે વધુમાં ઉમેર્યું કે, સુરત મહાનગરપાલિકા હવે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી ડેટા એનાલિસિસ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હાઇપર લોકલ ક્લાઇમેટ રિસ્ક એસેસમેન્ટ પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. આ ટેકનોલોજીની મદદથી શહેરના કયા વિસ્તારમાં, કઈ સોસાયટીમાં કે કયા ઝોનમાં વાતાવરણમાં ભેજ અને તાપમાનનું પ્રમાણ મચ્છરોના ઉત્ત્પાદન માટે સાનુકૂળ છે, તેનું લાઈવ ટ્રેકિંગ કરી શકાશે. આ હાઇપર-લોકલ મોડેલિંગના કારણે જે-તે વિસ્તારમાં મેલેરિયાનો ફેલાવો થાય તે પહેલાં જ મહાનગરપાલિકાની ફોગિંગ અને એન્ટી-લાર્વા ટીમો ત્યાં તૈનાત કરી શકાશે, જેથી રોગને ફેલાતો જ અટકાવી શકાય. અમેરિકા અને ભારતની ટોચની યુનિવર્સિટીઓ એક મંચ પર
સુરત સ્માર્ટ સિટીના નામે વધુ એક વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે, કારણ કે આ પ્રોજેક્ટ માત્ર સ્થાનિક સ્તરનો નથી પરંતુ તેમાં વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓ ભાગીદાર છે. આ પ્રોજેક્ટના સફળ સંચાલન માટે વૈશ્વિક કક્ષાનું નેટવર્ક કામ કરી રહ્યું છે, જેમાં નીચે મુજબની સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વૈજ્ઞાનિકો આજે સુરત ખાતે પ્રત્યક્ષ તેમજ ઓનલાઇન માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ સંસ્થાઓના સહયોગથી તૈયાર થઈ રહેલો આ ડેટાબેઝ માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર ભારતના અને વિશ્વના અન્ય વિકાસશીલ દેશોના શહેરો માટે ગાઈડલાઈન સમાન સાબિત થશે. મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા ફેલાય છે
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને મેલેરિયા ફેલાય છે. પરંતુ આ સંશોધન પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય તેનાથી પણ વધુ ઊંડો છે. આ સંશોધન મુખ્યત્વે આબોહવાના બે પરિબળો (તાપમાન અને ભેજ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભેજનું મિશ્રણ એનોફિલિસ મચ્છરોના જીવનચક્રને ઝડપી બનાવે છે
વૈજ્ઞાનિકોના મતે, ગ્લોબલ વોર્મિંગના કારણે શહેરોમાં ઉનાળા દરમિયાન પણ રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો છે, તેમજ સુરત જેવા દરિયાકાંઠાના શહેરોમાં હવામાં ભેજનું પ્રમાણ હંમેશા ઊંચું રહે છે. આ ચોક્કસ તાપમાન અને ભેજનું મિશ્રણ એનોફિલિસ મચ્છરોના જીવનચક્રને ઝડપી બનાવે છે અને તેમના કરડવાથી થતા પ્લાઝમોડિયમ પરોપજીવીના વિકાસને ઉત્તેજન આપે છે. આ પ્રોજેક્ટનો હેતુ આ જ જટિલ સંબંધને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવાનો છે કે, ચોક્કસ કેટલા ડિગ્રી તાપમાન અને કેટલા ટકા ભેજ ભેગા થાય ત્યારે મેલેરિયા ફેલાવવાની ક્ષમતા સર્વોચ્ચ સ્તરે પહોંચે છે. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો માટે રોલ મોડેલ બનશે
આજની બેઠકના અંતે ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ સુરત મહાનગરપાલિકાના હેલ્થ નેટવર્ક અને કમિશનરના વિઝનની પ્રશંસા કરી હતી. સુરત જે રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને ડિજિટલ હેલ્થ અને ક્લાઇમેટ ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે, તે આગામી સમયમાં દેશના અન્ય શહેરો જેવા કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવા કોસ્ટલ શહેરો માટે રોલ મોડેલ બનશે. આ પ્રોજેક્ટ દ્વારા સાબિત થાય છે કે આધુનિક સમયના સ્વાસ્થ્ય પડકારો સામે લડવા માટે વિજ્ઞાન, વહીવટી તંત્ર અને આધુનિક ટેકનોલોજી (AI) નો સમન્વય જ એકમાત્ર રામબાણ ઈલાજ છે.
Read Original Article →