સુરત સિવિલમાં ભાસ્કરના અહેવાલની અસર:PM રૂમમાં હાઈટેક મોર્ટ્યુરી કેબિન ઈન્સ્ટોલ, 6 મહિના સુધી મૃતદેહ સુરક્ષિત રહેશે, 30 દિવસથી કોલ્ડ સ્ટોરેજ કેબિનની સુવિધા ખોરવાઈ હતી

Gujarat5/13/2026, 2:06:16 PM
સુરત સિવિલમાં ભાસ્કરના અહેવાલની અસર:PM રૂમમાં હાઈટેક મોર્ટ્યુરી કેબિન ઈન્સ્ટોલ, 6 મહિના સુધી મૃતદેહ સુરક્ષિત રહેશે, 30 દિવસથી કોલ્ડ સ્ટોરેજ કેબિનની સુવિધા ખોરવાઈ હતી
સુરત નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોટમ રૂમમાં છેલ્લા 30 દિવસથી કોલ્ડ સ્ટોરેજ કેબિનની સુવિધા ખોરવાઈ હોવાના કારણે મૃતદેહોની જાળવણીમાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આ ગંભીર મુદ્દે દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા આખરે તંત્ર જાગ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાકીદની મુલાકાત બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હવે સિવિલના PM રૂમમાં અત્યંત આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મોર્ટ્યુરી કેબિન કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ નવી કેબિન માત્ર ટેકનોલોજીની દૃષ્ટિએ જ નહીં, પરંતુ તેની કેબિન ક્વોલિટી અને બાંધણીમાં પણ બેજોડ છે, જે લાંબા સમય સુધી મૃતદેહોને સાચવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. અદ્યતન ટેકનોલોજી અને હાઈ-ક્વોલિટી કેબિન નવી સિવિલ હોસ્પિટલમાં જે નવા બોડી સ્ટોરેજ મશીનો લાવવામાં આવ્યા છે, તેની સૌથી મોટી વિશેષતા તેની કેબિન ક્વોલિટી છે. આ મશીનો સંપૂર્ણપણે એસ.એસ. ગ્રેડ એટલે કે જિંદાલ સ્ટીલના મટીરીયલમાંથી બનાવવામાં આવ્યા છે. આ ખાસ પ્રકારનું સ્ટીલ રસ્ટ-પ્રૂફ હોવાથી તેમાં કાટ લાગવાની શક્યતા નહિવત્ છે. હોસ્પિટલના ભેજવાળા વાતાવરણમાં પણ આ કેબિન લાંબા સમય સુધી ટકી રહેશે. આ હાઈટેક ચેમ્બરના કારણે હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષામાં મોટો વધારો થશે, જે અગાઉ જૂની સિસ્ટમમાં એક પડકાર હતો. -6 ડિગ્રી તાપમાનમાં 6 મહિના સુધી બોડી રહેશે સુરક્ષિત નવી સિસ્ટમના ટેકનિકલ પાસાઓ અંગે માહિતી આપતા સર્વિસ એન્જિનિયર રઝીક અહમદે જણાવ્યું હતું કે, આ મશીન -6 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. જો કોઈ મૃતદેહને ટૂંકા ગાળા માટે એટલે કે 2થી 4 દિવસ માટે રાખવાનો હોય, તો તેને 4 ડિગ્રી તાપમાન પર સેટ કરવામાં આવે છે. પરંતુ જો લાંબા સમય સુધી સંગ્રહ કરવાની જરૂર પડે, તો -6 ડિગ્રી પર રાખીને તેને 3થી 6 મહિના સુધી કોહવાયા વગર સુરક્ષિત રાખી શકાય છે. આ સુવિધા ખાસ કરીને બિનવારસી લાશો કે ફોરેન્સિક તપાસમાં સમય માંગતા કેસો માટે વરદાનરૂપ સાબિત થશે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી થોડા સમય પહેલા જ દિવ્ય ભાસ્કરે અહેવાલ રજૂ કર્યો હતો કે સિવિલમાં કોલ્ડ સ્ટોરેજ કેબિન બંધ હોવાથી મૃતદેહો રાખવામાં તકલીફ થઈ રહી છે. આ અહેવાલની ગંભીરતા સમજીને રાજ્યના આરોગ્ય મંત્રીએ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી. પરિણામે, ગુજરાત સરકાર દ્વારા ખાસ ઓર્ડર આપીને માત્ર 10 દિવસના રેકોર્ડ સમયમાં આ અદ્યતન મોર્ટ્યુરી ચેમ્બર તૈયાર કરાવીને સુરત મોકલવામાં આવી છે. આ ઝડપી પ્રતિસાદથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર અને પોસ્ટમોટમ વિભાગને મોટી રાહત મળી છે. સંપૂર્ણ ઓટોમેટિક અને મલ્ટીપર્પઝ ઓપરેશન આ નવી મોર્ટ્યુરી સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે, જે ઓપરેટ કરવામાં અત્યંત સરળ અને કાર્યક્ષમ છે. આ મશીન વર્ષના 365 દિવસ 24 કલાક કાર્યરત રહી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની કાર્યક્ષમતાને કારણે વીજ વપરાશમાં પણ ચોકસાઈ જળવાય છે. વધુમાં, આ એક મલ્ટીપર્પઝ ફ્રીઝર હોવાથી જરૂરિયાત મુજબ અલગ-અલગ તાપમાન સેટ કરી શકાય છે. મેન્ટેનન્સ માટે પણ કંપની દ્વારા 24 કલાકમાં સર્વિસ આપવાની ખાતરી આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કામગીરી અટકે નહીં. અંદાજે ₹4 લાખની કિંમતમાં સુરતને મળી આધુનિક સુવિધા સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા આ યુનિટ્સની અંદાજિત કિંમત 3થી 4 લાખ રૂપિયાની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આઇટ્રોનિક ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મશીનો રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ સુરત લાવવામાં આવ્યા છે. અગાઉ સાધનોના અભાવે જે મુશ્કેલીઓ પડતી હતી, તે હવે આટલા મોટા રોકાણ અને આધુનિક ટેકનોલોજીના આગમન સાથે દૂર થઈ છે. સુરતની જનતા માટે આ એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પાયાની સુવિધામાં થયેલો સુધારો છે. સ્વચ્છતા અને સંગ્રહ ક્ષમતામાં મોટો વધારો નવા કોલ્ડ સ્ટોરેજ કેબિન આવવાથી હવે પોસ્ટમોટમ રૂમની આસપાસ જે દુર્ગંધ કે મૃતદેહ બગડવાની સમસ્યા હતી તે સંપૂર્ણપણે નાબૂદ થશે. મશીનની કેબિન એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં બોડી ઇન-આઉટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બને. સુરત સિવિલમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પોસ્ટમોટમ માટે કેસ આવતા હોય છે, ત્યારે આ હાઈટેક સુવિધા આગામી સમયમાં તપાસ પ્રક્રિયા અને માનવીય સંવેદનાઓ જાળવવામાં ખૂબ જ મદદરૂપ થશે.
Read Original Article →