સુરત સિવિલના નવા સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પારુલ વડગામાએ ચાર્જ સંભાળ્યો:હોસ્પિટલના પીએમ રૂમમાં ગંદકી, બંધ AC અને તૂટેલી ટાઈલ્સ જોઈ અધિકારીઓને ખખડાવ્યા, પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં વિલંબ ન કરવા સૂચના
સુરત નવી સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડો. પારુલ વડગામાએ સત્તાવાર રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. હોસ્પિટલના વડા તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ચાર્જ લીધાની ગણતરીની મિનિટો પહેલાં જ તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સમગ્ર વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. તેમના આ કડક વલણને પગલે હોસ્પિટલના સ્ટાફ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બેદરકારી બદલ અધિકારીઓને ખખડાવ્યા
પોતાના રાઉન્ડ દરમિયાન ડો. પારુલ વડગામા જ્યારે અત્યંત સંવેદનશીલ એવા પીએમ (પોસ્ટમોર્ટમ) રૂમની મુલાકાતે પહોંચ્યા, ત્યારે ત્યાં સુવિધાઓનો સદંતર અભાવ અને ભયંકર ગંદકી જોઈને ભારે નારાજ થયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટે આ ગંભીર બેદરકારી બદલ તંત્રને આડે હાથ લીધું હતું અને ત્યાં તાત્કાલિક અસરથી સફાઈ કામગીરી શરૂ કરવાના કડક આદેશ આપ્યા હતા. આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન તેમની સાથે આરએમઓ (RMO) ડો. કેતન નાયક, નર્સિંગમાંથી ઈકબાલ કડીવાલા, PIU વિભાગના વડા, પોસ્ટમોર્ટમ વિભાગના HOD તેમજ સફાઈ કામદારોની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.નિરીક્ષણ દરમિયાન પીએમ રૂમ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ભૌતિક ખામીઓ સામે આવી હતી, જેના આધારે ડો. વડગામાએ વ્યાપક સુધારાની યાદી તૈયાર કરાવી હતી. તમામ કામ 10 દિવસમાં પૂર્ણ કરવા સૂચના
ડો. પારુલ વડગામાએ આ તમામ કામો આગામી 7 થી 10 દિવસમાં પૂર્ણ કરવાના સૂચનો આપ્યા છે અને તેની દેખરેખ માટે એક ખાસ ફોલોઅપ ટીમ પણ બનાવી દીધી છે. આ સાથે જ તેમણે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે કે પોલીસ ઈન્ક્વેસ્ટ (કાગળો) આવ્યા બાદ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થવો જોઈએ અને પીએમ જલ્દીથી જલ્દી પૂરું થવું જોઈએ. સપ્તાહમાં 2-3 દિવસ સરપ્રાઈઝ વિઝિટ લેશે
હોસ્પિટલની વ્યવસ્થા અંગે વધુ માહિતી આપતા સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના હેલ્થ મિનિસ્ટર પ્રફુલ પાનસેરીયા દ્વારા 3 કરોડના ખર્ચે એક નવું આધુનિક પોસ્ટમોર્ટમ રૂમ મંજૂર કરવામાં આવ્યું છે, જેને બનતા અંદાજે છ થી આઠ મહિના જેવો સમય લાગી શકે છે. જો કે, ત્યાં સુધી જૂના પીએમ રૂમમાં જ જનતાને શ્રેષ્ઠ સુવિધા મળે તે માટે આ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમણે વરિષ્ઠ ડોક્ટરો અને વહીવટી અધિકારીઓને ચીમકી આપી છે કે દર્દીઓ અને સામાન્ય જનતાની સુવિધામાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં દરેક ક્ષેત્રમાં ઈમ્પ્રુવમેન્ટ લાવવા માટે તેઓ અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આ જ રીતે દરેક ડિપાર્ટમેન્ટની સરપ્રાઈઝ વિઝિટ લેશે.
Read Original Article →