પાંડેસરામાં ચાલતી સિટી બસનું ટાયર નીકળ્યું:તેરે નામ ચોકડી પાસે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

Gujarat5/13/2026, 1:04:49 PM
પાંડેસરામાં ચાલતી સિટી બસનું ટાયર નીકળ્યું:તેરે નામ ચોકડી પાસે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
સુરત શહેરમાં ટ્રાફિક અને જાહેર પરિવહન સેવા સમાન સિટી બસની બેદરકારી કે દુર્ઘટનાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. આજે પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત તેરે નામ ચોકડી પાસે એક ચાલતી સિટી બસનું ટાયર અચાનક નીકળી જવાની ઘટના સામે આવી છે. બસમાં સવાર મુસાફરો કંઈ સમજે એ પહેલા જ જોરદાર ધડાકા સાથે બસ નમી પડી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલકની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી ઘટનાની વિગત મુજબ, બસ જ્યારે તેરે નામ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પાછળનું વ્હીલ બસથી અલગ થઈ ગયું હતું. બસ સહેજ નમી પડતા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બસ ચાલકે ગભરાયા વગર સમયસૂચકતા વાપરી તુરંત બ્રેક મારી બસને કાબૂમાં લઈ લીધી હતી. ચાલકની આ સૂઝબૂઝને કારણે બસ પલટી ખાતા બચી ગઈ હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી. મુસાફરોને હેમખેમ બહાર કઢાયા, લોકોના ટોળા ઉમટ્યા સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બસ ઉભી રહી જતાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે તેરે નામ ચોકડી આસપાસનો ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. તંત્રની જાળવણી સામે સવાલ ઘટનાસ્થળે હાજર લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ચાલતી બસનું ટાયર નીકળી જવું એ મેન્ટેનન્સમાં ગંભીર બેદરકારી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો બસની સ્પીડ વધારે હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા તેવો સૂર પણ વ્યક્ત થયો હતો. હાલમાં બસને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Read Original Article →