દોઢ વર્ષનું બાળક રૂમમાં લોક થતા પરિવારનો શ્વાસ અધ્ધર:રમત-રમતમાં બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો, ફાયર બ્રિગેડે માસૂમને સહી-સલામત બહાર કાઢ્યો

Gujarat5/26/2026, 10:31:28 AM
દોઢ વર્ષનું બાળક રૂમમાં લોક થતા પરિવારનો શ્વાસ અધ્ધર:રમત-રમતમાં બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો, ફાયર બ્રિગેડે માસૂમને સહી-સલામત બહાર કાઢ્યો
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રમત-રમતમાં દોઢ વર્ષનું માસૂમ બાળક બેડરૂમમાં લોક થઈ જવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બંધ દરવાજાની પાછળ બાળક સતત રડતું હોવાને કારણે પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ ગણતરીની મિનિટોમાં દોડી આવેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ દરવાજો ખોલી બાળકને સહી-સલામત બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. રમત-રમતમાં માસૂમ વિવાન બેડરૂમમાં પુરાયો મળતી માહિતી મુજબ, મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભક્તિ નંદન સેક્ટર સોસાયટીના ઘર નંબર 93માં જયેશભાઈ બુહાનો પરિવાર રહે છે. આજે તેમનો આશરે દોઢ વર્ષનો માસૂમ પુત્ર વિવાન ઘરમાં રમી રહ્યો હતો. રમતાં-રમતાં તે અચાનક બેડરૂમમાં ગયો હતો અને અજાણતામાં જ બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળી પરિવાર ચિંતામાં મુકાયો દરવાજો બંધ થઈ જતાં દોઢ વર્ષનો વિવાન રૂમની અંદર એકલો અટવાઈ ગયો હતો. અંદર ડરથી માસૂમ વિવાને જોરજોરથી રડવાનું શરૂ કરી દીધું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળી બહાર ઉભેલા પરિવારજનો ગભરાઈ ગયા હતા. માતા-પિતા સહિતના સભ્યોએ તાત્કાલિક દરવાજો ખોલવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ લોક બરાબર ફસાઈ ગયું હોવાથી દરવાજો ખૂલ્યો ન હતો. બાળક સતત રડી રહ્યું હોવાથી પરિવાર ભારે ચિંતામાં મુકાયો હતો અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું દરવાજો ન ખૂલતાં આખરે પરિવારે સમય સૂચકતા વાપરી તાત્કાલિક આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને સબ ફાયર ઓફિસર સિધ્ધાંત ગઢવી સહિત ફાયર વિભાગનો કાફલો ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ આધુનિક સાધનોની મદદથી દરવાજો તોડવા અથવા લોક ખોલવાની કામગીરી હાથ ધરી હતી. ગણતરીની મિનિટોમાં જ દરવાજો ખોલી નાખવામાં આવ્યો હતો અને માસૂમ વિવાનને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢી માતાના ખોળામાં સોંપાયો હતો. બાળકને સુરક્ષિત જોઈને પરિવારે ફાયરના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
Read Original Article →