9 બાળકને ટેમ્પોમાં કેદ કરી લઈ જવાયા, એક્સક્લુસિવ CCTV:સુરતના કાપડ ઉદ્યોગમાં ભૂલકાઓ પાસે 17 કલાક કામ કરાવાતું; 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ FIR
ટેકસટાઇલ સિટી સુરતના કાપડ ઉદ્યોગની કાળી બાજુની રાજસ્થાન પોલીસે પોલ ખોલી નાંખી હતી. કાપડ ઉદ્યોગની જાહોજલાલી પાછળ નાના ભૂલકાંઓના બાળપણનો ભોગ લેવાઈ રહ્યો હોય તેમ 27 કારખાનામાંથી 7થી 14 વર્ષની વયના 86 બાળમજૂરો મળી આવ્યા હતા. આ માત્ર બે કે ત્રણ સોસાયટીમાંથી મળી આવેલા બાળ મજૂરો છે. હજુ પણ ઘણા બાળકોને આ રીતે જ બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની આશંકા છે. પોલીસની ભીંસ વધતા એજન્ટો સક્રિય થયા છે અને સુરતની સીતારામ સોસાયટીમાંથી જ 9 જેટલા બાળકોને એક નાના ટેમ્પોમાં કેદ કરીને લઈ જવાયા હોવાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ તો પોલીસ દ્વારા રાજસ્થાનના 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. સવારે 5 વાગ્યે કામે લગાવી દેવાતા, દૈનિક ક્રિયા માટે માત્ર 7 કલાક આપતા
પોલીસે જ્યારે આ ભૂલકાંઓનાં નિવેદનો લીધા હતા, ત્યારે ભયાનક વાસ્તવિકતા સામે આવી હતી. બાળકો પાસે 24 કલાકમાંથી 17 કલાક કામ કરાવાતું હતું. માત્ર સાત કલાક તેમને સૂવા અને દૈનિક ક્રિયાઓ માટે આપવામાં આવતાં હતા. મોટા ભાગના બાળકોને કારખાનામાં જ રાખવામાં આવતા અને સવારે પાંચ વાગ્યે જ તેમને ઉઠાડીને કામે લગાવી દેવામાં આવતા હતા. જે છેક રાત્રે દસ વાગ્યા સુધી ચાલતું. વચ્ચે માત્ર એક કલાક તેમને જમવાની રિસેસ માટે આપવામાં આવતી હતી. પોલીસના હાથે એકપણ માલિક ન લાગ્યો
સીતારામ, મુક્તિધામ અને વિજયનગર સોસાયટીના જે 27 કારખાનામાંથી બાળ શ્રમિકો મળ્યા હતા, તે પૈકી એક પણ સંચાલક કે માલિક મળ્યા ન હતાં. પોલીસે ચાર કારખાનેદારોનાં નામ મળી આવ્યા હતા, જેને આધારે 22 અજાણ્યા તથા મહેન્દ્ર સોહનસિંહ કુમાવત, ધર્મેશ બેરા સોલંકી, ગોપાલસિંહ ધીરુસિંહ રાજપૂત, પ્રકાશચંદ્ર સોહનલાલ જોષી, રામનિવાસ બાબુલાલ કુમાવત અને દાડમ લાલુ ડુંગરી વિરુદ્ધ બાળમજૂરી પ્રતિબંધ અધિનિયમની કલમ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો. ભીસ વધતા બાળમજૂરોને અન્ય જગ્યા પર ખસેડવા એજન્ટો સક્રિય
પોલીસ દ્વારા જે સીતારામ સોસાયટીમાં રેડ કરીને 80થી વધુ બાળમજૂરોને અલગ-અલગ કારખાનાઓમાંથી શોધવામાં આવ્યા હતા. જોકે કેટલાક કારખાનાઓમાં બાળમજૂરોને છુપાવી દેવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ આ બાળમજૂરોને અન્ય જગ્યા પર ખસેડવા એજન્ટો સક્રિય થઈ ગયા હતા. ગત 13 મેના રોજ પોલીસે રેડ કરીને બાળકોને મુક્ત કરાવ્યા હતા, તે જ દિવસે સાંજે સીતારામ સોસાયટીમાં જ ઘર નંબર 116માં 9 જેટલા બાળમજૂરોને છુપાવી રાખવામાં આવ્યા હતા. 13 મેના રોજ નવ બાળકોને ટેમ્પોમાં લઈ જવાયા
પોલીસની કાર્યવાહી બાદ મામલો થોડો શાંત થતા જ એજન્ટો સક્રિય થયા હતા અને છોટા હાથી ટેમ્પોને સીતારામ સોસાયટીના ગેટ પર લાવવામાં આવ્યો હતો. આ ટેમ્પોના પાછળનો ભાગ ગ્રીલથી પેક કરી દીધો હતો. અંદર કોઈ હોય તો દેખાય નહીં તે રીતે કવર કરવામાં આવેલો હતો. સીતારામ સોસાયટી અર્ચના સ્કૂલથી 3 નંબર ગલીમાં આવેલા ઘર નંબર 116માંથી નવ બાળકોને એક બાદ એક લાવવામાં આવ્યા હતા અને ટેમ્પોની અંદર છુપાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ બાળકોને અન્ય જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. મોટા ભાગના કારખાનેદારો રાજેસ્થાનના
નાના ભૂલકાઓ પાસે 17 કલાક માટે કારખાનાઓમાં કામ કરાવી માત્ર 200થી 250 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવતું હતું. આ રૂપિયા પણ તેમને આપવાને બદલે તેમને માતા-પિતાને અથવા વાલીઓને ઓનલાઇ ન ચૂકવવામાં આવતા હતા. મોટે ભાગનાં કારખાનેદારો પણ રાજસ્થાનના જ હોય તેઓ આ બાળકોના માતા-પિતા કે વાલીનો સંપર્ક કરી મજૂરી માટે લઇ આવતાં હતા. કેટલાંક વાલીઓને ત્યાં ઓફલાઇન ચૂકવણું કરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યા છે. 86માંથી 81 બાળકો રાજસ્થાનનાં
86 બાળ શ્રમિકોમાં 81 બાળકો રાજસ્થાનનાં હતાં, જેમાંથી મોટે ભાગનાં ઉદેપુર જિલ્લાનાં હતાં. ઉદેપુરનાં ઓગણા, ગોગુંદા, રાજસમંદ અને કાડા તાલુકાનાં પછાત વિસ્તારમાંથી નાના ભૂલકાઓને મજૂરી માટે લાવવામાં આવ્યા હતા. મોટાભાગના બાળકો સ્કૂલ ડ્રોપઆઉટ, આખો દિવસ ઘરમાં રખાતાઃ CP
એડિશનલ સીપી બલરામ મીણાએ જણાવ્યું કે, મોટાભાગના જે બાળકો છે એ 14 વર્ષથી નીચેના છે. સાથે-સાથે જે બાળકો છે, એમને ત્યાં સાડીની ફોલ્ડિંગ અને પેકિંગ આ પ્રકારના કામમાં એમ્પલોય કરેલા હતા. બાળકો મોટાભાગના સ્કૂલ ડ્રોપઆઉટ બાળકો છે, ગરીબ પરિવારોથી છે અને ઉદયપુરની આજુબાજુ રહેતા હોય એમને ત્યાંથી લાવવામાં આવતા હતા. અહીંયા આ લોકોને એક જ મકાનમાં રાખી મૂકવામાં આવ્યા હતા. એકદમ સાંકડી જગ્યામાં એ લોકોને રાખવામાં આવ્યા હતા. ત્યાંથી એ લોકોને ક્યાંય આવવા-જવા માટેની કોઈ સ્કોપ હતી નહીં. આખા દિવસ ઘરમાં જ રહેવાનું, સવારથી સાંજ સુધી સાડીની ફોલ્ડિંગ અને આ કામ કરવાનું. તો આ અમાનવીય પરિસ્થિતિઓની અંદર આ બાળકો કામ કરતા હતા. સ્થાનિકો તુરંત પોલીસને જાણ કરવા અપીલ
ચાર આરોપીના હજુ સુધી નામ ડિસ્ક્લોઝ થયા છે અને અમને આશા છે કે હજુ એમાં બીજા નામો પણ નીકળશે. કારણકે બાળકોની સંખ્યા મોટી છે. રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું? અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ? વાલીઓને કઈ પ્રકારની લાલચ આપવામાં આવતી હતી? આ બધી બાબતોની હવે ઊંડાણપૂર્વક તપાસ થશે. નાના ફાયદા માટે બાળકોના ભવિષ્ય સાથે ક્યારેય ખિલવાડ ન કરવો જોઈએ. બાળકોની સાચી જગ્યા શાળા છે. બાળ મજૂરી એ માત્ર નિંદનીય જ નહીં પણ ગેરકાનૂની અપરાધ પણ છે. જો તમારી આસપાસ આવી કોઈ ઘટના બને તો તુરંત પોલીસનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.
Read Original Article →