7 વર્ષના બાળક સહિત 86 બાળકને ગોંધી રાખી મજૂરી કરાવતા:ખોટાં વચનો અને ફરવાના બહાને ચાર રાજ્યોમાંથી બાળકો લવાયાં હતાં, સુરતમાં બાળમજૂરી રેકેટમાં નવો ખુલાસો

Gujarat5/14/2026, 8:50:45 AM
7 વર્ષના બાળક સહિત 86 બાળકને ગોંધી રાખી મજૂરી કરાવતા:ખોટાં વચનો અને ફરવાના બહાને ચાર રાજ્યોમાંથી બાળકો લવાયાં હતાં, સુરતમાં બાળમજૂરી રેકેટમાં નવો ખુલાસો
સુરત શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા ટેક્સટાઇલ યુનિટો પર સુરત પોલીસ અને બાળ સુરક્ષા એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઈક કરી બાળમજૂરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પુણાની સીતારામ અને મુક્તિધામ સોસાયટીમાં પાડેલા દરોડામાં 86 બાળકોને મજૂરીની બેડીઓમાંથી મુક્ત કરાવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, બચાવાયેલા બાળકોમાં સૌથી નાની ઉંમરનું બાળક માત્ર 7 વર્ષનું છે, જેની પાસેથી કપરાં કામ કરાવવામાં આવતા હતા. જ્યારે ખોટાં વચનો અને ફરવાના બહાને 4 રાજ્યોમાંથી તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. 100 મકાનોની તપાસ, 27 સ્થળેથી મળ્યા બાળમજૂર ગાયત્રી સેવા સંસ્થાની બાતમીના આધારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ (NCPCR), રાજસ્થાન પોલીસના 22 અધિકારીઓ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ પુણા પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી. ગત બુધવારે પોલીસે સીતારામ સોસાયટીના 100 જેટલા મકાનોમાં આકસ્મિક ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાંથી 27 મકાનોમાં ટેક્સટાઇલ યુનિટો ચાલતા હતા, જ્યાં બાળકોને ગોંધી રાખીને મજૂરી કરાવાતી હતી. ખોટાં વચનો અને ફરવાના બહાને 4 રાજ્યોમાંથી તસ્કરી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બાળકોને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી લવાયા હતા. કેટલાક બાળકો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ યુનિટોમાં કામ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક-બાળકોને તાજેતરમાં જ તેમના ગામડાઓમાંથી અહીં લાવવામાં આવ્યા હતા. એજન્ટો આ ગરીબ બાળકોના પરિવારજનોને આર્થિક મદદ કરી, બાળકોને ભણાવવાની કે સુરત ફેરવવાના બહાને અહીં લઈ આવતા હતા. બચાવાયેલા 86 બાળકોમાં સૌથી વધુ રાજસ્થાનના ઉદયપુર વિસ્તારના આદિવાસી બાળકો છે. જેમાં 8 અને 10 વર્ષના બે સગા ભાઈઓ પણ કામ કરતા મળી આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ત્રણ, બિહારનો એક અને ઝારખંડનો એક બાળક પણ મળી આવ્યો હતો. દૈનિક 12 કલાક કામ કરાવતા, 7 વર્ષનું બાળક ધ્રુજતું હતું આ બાળકોને સાંકડી ઓરડીઓમાં ધુમાડા અને અવાજ વચ્ચે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓના દોરા કાપતા હતા, તો કેટલાક પાસે જોખમી મશીનો ચલાવવામાં આવતા હતા. દરોડા સમયે દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે, 7 વર્ષનું એક માસૂમ બાળક શર્ટ વગર ધ્રૂજતું ઊભું હતું અને પોલીસને જોઈને અન્ય બાળકો પાછળ છુપાઈ ગયું હતું. આ બાળકો પાસે રોજના 12-12 કલાક સુધી વૈતરું કરાવવામાં આવતું હતું. માલિકોનો બચાવ કે ‘માતા-પિતાની સંમતિથી લાવ્યા છીએ’ જ્યારે પોલીસ અને બાળ આયોગે ફેક્ટરી સંચાલકોની કડક પૂછપરછ કરી, ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે તેઓ આ બાળકોને તેમના માતા-પિતાની મંજૂરીથી જ લાવ્યા છે. જોકે, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે આવું જોખમી કામ કરાવવું એ ગંભીર ગુનો છે. પોલીસે તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્કૂલ ડ્રોપઆઉટ બાળકો એજન્ટોનો સોફ્ટ ટાર્ગેટ રેસ્ક્યુ કરાયેલા મોટાભાગના બાળકો એવા છે જેમણે ગરીબીને કારણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. એજન્ટો આવા 'સ્કૂલ ડ્રોપઆઉટ' બાળકોને ટાર્ગેટ કરી તેમના વાલીઓને થોડાક રૂપિયાની લાલચ આપી સુરતના શ્રમબજારમાં ધકેલી દેતા હતા. હાલ તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના પુનઃવસન માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. શું છે મામલો? ગત 13 મે, 2026ના રોજ સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) અને રાજ્ય બાળ આયોગની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને અલગ-અલગ ફેક્ટરીમાંથી 86 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું હતું. જેમની પાસે મહિનાના 5થી 8 હજારમાં આખો મહિનો શોષણ કરાતું હતું. પુણા અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકોને બાળ મજૂરીની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વાંચો બાળ તસ્કરીના જૂના કેસ 2019માં પણ આ જ રીતે બાળકોને છોડાવાયા હતા બાળકોને લાવી સુરતમાં મજૂરી કરાવવાનું પ્રમાણ ચિંતાજનક છે. અગાઉ 2019માં પણ બાળ આયોગે સુરતમાં રેડ પાડીને ઉદયપુરના અનેક બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલમાં ટીમ દ્વારા ફેક્ટરી સંચાલકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાળકોના વાલીઓનો રાજસ્થાન પોલીસ દ્વારા પણ સંપર્ક કરવામાં આવશે. તમામ બાળકોને બસ મારફતે રાજસ્થાન રવાના કરવામાં આવ્યા છે. બે બાળક ભાગીને પોલીસ મથકે પહોંચ્યાં ને રેકેટનો પર્દાફાશ:સુરતમાં 17 કલાકના કામના માત્ર રૂ. 200 આપી માસૂમોનું શોષણ; પોલીસે બાળકો સાથે 5 કિમી ચાલી અન્ય 3ને મુક્ત કરાવ્યાં સુરત શહેરમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે. પોલીસે કુલ 3 બાળક અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે. ( વાંચો સંપૂર્ણ સમાચાર ) ‘માતા-પિતા જ મજૂરી માટે બાળકોને મોકલતાં’ સુરત શહેરમાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ 3 બાળક અને 2 સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી કારખાનેદાર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં નવો ઘટસ્ફોટ થયો છે કે આ બાળમજૂરોને કારખાનાનો માલિક તેમનાં માતા-પિતાની પરમિશન લઈને જ બાળમજૂરી કરાવવા માટે લાવતો હતો. (વાંચો સૂંપૂર્ણ સમાચાર)
Read Original Article →