રાજસ્થાનથી 95 બાળકોને મજૂરી માટે સુરત લાવનારા એજન્ટોની શોધખોળ શરૂ:CCTVના આધારે કારખાનેદાર સહિત 3 સામે FIR, ટેમ્પામાં 9 સગીરોને પશુની જેમ ભરીને ભગાડવાનો ખેલ
સુરતમાં બાળમજૂરી કરાવતા માફિયાઓ સામે પોલીસ અને શ્રમ વિભાગે લાલ આંખ કરી છે. પુણા વિસ્તારમાં 13મેના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ઉદયપુર, સ્થાનિક એનજીઓ અને પુણા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મુક્તિધામ, સીતારામ અને વિજયનગર સોસાયટીના સાડીના ખાતાઓમાંથી 86 બાળશ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા હતાં. આ રેસ્ક્યૂ ઓપરેશનના પગલે અન્ય કારખાનેદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસની પકડમાંથી બચવા માટે સીતારામ સોસાયટીના એક સાડીના ખાતાના માલિકોએ પોતાના ત્યાં કામ કરતા 9 જેટલા માસૂમ બાળકોને ટેમ્પામાં પૂરીને અન્ય સ્થળે ભગાડી દેવાનું હીન કૃત્ય આચર્યું હતું. જો કે, દિવ્યભાસ્કર દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. જેના આધારે પોલીસે આ આખા ખેલને નિષ્ફળ બનાવી ત્રણેય સાગરીતો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. બાળકોને પશુઓની જેમ એક માલવાહક ટેમ્પામાં બેસાડવાના CCTV
બાળમજૂરોને ભગાડવાના આ સનસનાટીપૂર્ણ કિસ્સામાં દિવ્યભાસ્કર દ્વારા એક્સક્લુઝીવ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા. આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતું હતું કે કઈ રીતે માસૂમ બાળકોને પશુઓની જેમ એક માલવાહક ટેમ્પામાં બેસાડવામાં આવી રહ્યા હતા. આ ફૂટેજ વાયરલ થતાં જ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પુણા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ એક્ટિવ કરીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર પુષ્ટિ થયેલા વાહનના નંબર GJ-05-CU-7115ના આધારે પોલીસે કડોદરા અને પુણા વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ) ટેમ્પો ચાલકની ધરપકડ થતાં જ આખી કાળી કરતૂતનો પર્દાફાશ થયો
પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરીને સીતારામ સોસાયટી નજીકથી માલવાહક ટેમ્પા સાથે ડ્રાઈવર ભવરસિંહ લક્ષ્મણસિંહ દેવડા (ઉં.વ. 33, મૂળ રહે. ઉદયપુર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. પોલીસ સ્ટેશન લાવીને જ્યારે પંચોની હાજરીમાં તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોપટની જેમ આખો ગુનો કબૂલી લીધો હતો. ભવરસિંહે જણાવ્યું કે, સીતારામ સોસાયટીમાં સાડી ફોલ્ડિંગનું ખાતું ચલાવતા સુમેરસિંહ નાથુસિંહ રાઠોડ અને ભૈરૂસિંહ માધુસિંહે તેને બોલાવ્યો હતો. પોલીસની રેડથી ડરી ગયેલા આ બંને કારખાનેદારોએ 9 સગીર બાળકોને છુપાવવા માટે ભવરસિંહના ટેમ્પામાં બેસાડી કડોદરા ચાર રસ્તા મોકલી આપ્યા હતા, જ્યાં ભૈરૂસિંહ પોતે હાજર રહી બાળકોનો કબજો લીધો હતો. આ પણ વાંચો: ખોટાં વચનો અને ફરવાના બહાને ચાર રાજ્યોમાંથી બાળકોને સુરત લવાયાં હતાં ટેમ્પા ચાલક સહિત સાડીના ખાતાના 3 માલિકો સામે ગુનો દાખલ
પુણા પોલીસના હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઇન્દ્રવિજયસિંહની ફરિયાદના આધારે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીઓ ભવરસિંહ લક્ષ્મણસિંહ દેવડા (ટેમ્પો ચાલક), સુમેરસિંહ નાથુસિંહ રાઠોડ (કારખાનેદાર), ભૈરૂસિંહ માધુસિંહ (કારખાનેદાર)વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. આ ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંદા તાલુકાના વતની છે અને હાલ સુરતના પુણાગામ વિસ્તારમાં રહીને આ કાળો કારોબાર ચલાવતા હતા. નવા કાયદા (BNSS) અને ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ કડક કલમો લાગુ
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરનારા આ શખ્સો સામે પોલીસે અત્યંત કડક કલમો હેઠળ ગુનો રજીસ્ટર કર્યો છે. આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 146, બાળમજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમની કલમ 3 અને 14, જુવેનાઇલ જસ્ટિસ (J.J. Act) ની કલમ 75 અને 79 તેમજ માલવાહક વાહનમાં જોખમી રીતે બાળકોની હેરફેર કરવા બદલ મોટર વાહન અધિનિયમની કલમ 192(એ) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળકોને બાળમજૂરી માટે સુરત લાવનારા એજન્ટોની શોધખોળ
આ સમગ્ર મામલાની આગળની તપાસ પુણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તુષાર રાજારામ પાટીલને સોંપવામાં આવી છે. પોલીસ હવે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સો અને રાજસ્થાનથી બાળકોને સુરત લાવનારા એજન્ટો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. શું છે મામલો?
ગત 13 મે, 2026ના રોજ સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) અને રાજ્ય બાળ આયોગની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને અલગ-અલગ ફેક્ટરીમાંથી 86 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું હતું. જેમની પાસે મહિનાના 5થી 8 હજારમાં આખો મહિનો શોષણ કરાતું હતું. પુણા અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકોને બાળ મજૂરીની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →