ક્રેટોસ ક્લબ વિવાદમાં, 1100 સભ્ય સાથે છેતરપિંડી:બાગબાન ડેવલપર્સે આજીવન સભ્યપદ-દસ્તાવેજના નામે લોલીપોપ આપ્યાનો આક્ષેપ, ક્લબની હિસ્સેદારી અન્યને વેચી મારતા CPને રજૂઆત
સુરત શહેરના પોશ ગણાતા પાલ ગૌરવપથ પર આવેલી ક્રેટોસ કલબના સંચાલકોએ 1100થી વધુ સભ્યો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરતા ચકચાર મચી ગઇ છે. બાગબાન ડેવલપર્સ દ્વારા વર્ષ 2019માં શરૂ કરાયેલી આ ફેમિલી ક્લબના મેનેજમેન્ટે સભ્યો પાસેથી નાણાં ઉઘરાવી લીધા બાદ પણ વચન મુજબ જમીનના દસ્તાવેજના નામે ઠેંગો બતાવ્યો હોવાનો સભ્યોએ આક્ષેપ કર્યો છે. જમીનનો દસ્તાવેજ આપવાની બાંહેધરી આપ્યાની CPને રજૂઆત
પોલીસ કમિશ્નરને કરવામાં આવેલી લેખિત અરજી અનુસાર, વર્ષ 2019માં બાગબાન ડેવલપર્સ દ્વારા પાલ ગૌરવપથ પર ક્રેટોસ ક્લબની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકોને આજીવન માલિકી આધારિત સભ્યપદ આપવાની અને ક્લબના કુલ ક્ષેત્રફળમાંથી દરેક સભ્યને એક સરખા ભાગે 1.44 વાર જમીનનો દસ્તાવેજ કરી આપવાની લોભામણી બાંહેધરી આપવામાં આવી હતી. ક્લબ મેનેજમેન્ટે સભ્યોને એવું પણ વચન આપ્યું હતું કે, ક્લબમાં કુલ 5000 સભ્ય પૂરા થશે ત્યારે અથવા તો વર્ષ 2024 સુધીમાં તમામ સભ્યોને તેમના ભાગની જમીનનો કાયદેસરનો દસ્તાવેજ કરી આપવામાં આવશે. 'બાગબાન ડેવલપર્સે ક્લબની હિસ્સેદારી અન્યને વેચી દીધી'
અરજકર્તા સભ્યોના જણાવ્યા મુજબ, વર્ષ 2024 તો ઠીક આજે 2026ના મધ્યે પણ દસ્તાવેજ કરી અપાયો નથી. મેનેજમેન્ટ પાસે કાયદેસરના કાગળોની માંગણી કરી હતી. જોકે, બાગબાન ડેવલપર્સના સંચાલકો કોઈને કોઈ બહાના બતાવીને સમય પસાર કરતા હતા. થોડા સમય બાદ સભ્યોની જાણ બહાર જ બાગબાન ડેવલપર્સે ક્રેટોસ ક્લબની આખેઆખી હિસ્સેદારી અન્ય પાર્ટીને વેચી મારી હતી. 'કરાર પ્રમાણે ખર્ચ ઘટાડવાને બદલે 80 ટકા વધારી દીધો'
મુળ કરાર મુજબ, સભ્યો પાસેથી વાર્ષિક રૂા.4500 જાળવણી ખર્ચ (મેઇન્ટેનન્સ) નક્કી કરાયો હતો. સાથે જ એવી બાંહેધરી અપાઈ હતી કે ક્લબની રૂમ, બેન્કવેટ હોલ, રેસ્ટોરન્ટ અને સિનેમાની ભાડાની આવક શરૂ થતાં આ ખર્ચ ઘટાડી દેવાશે. તેના બદલે ક્લબના નવા હિસ્સેદારોએ આવતાની સાથે જ મુળ રકમમાં સીધો 80 ટકા તોતિંગ વધારો ઝીંકી દીધો હતો. જેનો પણ સભ્યો વિરોધ કરી રહ્યા છે. કૌભાંડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની માગ
ક્લબના આજીવન સભ્યોએ ભેગા મળીને જમીનના દસ્તાવેજનો પ્રશ્ન ઉકેલવા અને મેઇન્ટેનન્સના નામે થઈ રહેલી ઉઘાડી લૂંટ અંગે ક્રેટોસ ક્લબ મેનેજમેન્ટને કાયદેસરની કાનૂની નોટિસ મોકલી હતી. જેમાં 7 દિવસની અંદર લેખિતમાં પ્રત્યુત્તર માંગવામાં આવ્યો હતો. પરંતુ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અંતે ક્રેટોસ ક્લબના પીડિત સભ્યોએ સુરત પોલીસ કમિશનરને લેખિત અરજી આપીને આ કૌભાંડ આચરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
Read Original Article →