મોટા વરાછામાં કેન્સર પીડિતની કેબિનના તાળાં તોડી ચોરી:3 દીકરી અને પત્ની સહિત 5 સભ્યોના પરિવાર પર આભ તૂટ્યું; CCTVના આધારે તપાસ શરૂ

Gujarat6/4/2026, 7:06:59 AM
મોટા વરાછામાં કેન્સર પીડિતની કેબિનના તાળાં તોડી ચોરી:3 દીકરી અને પત્ની સહિત 5 સભ્યોના પરિવાર પર આભ તૂટ્યું; CCTVના આધારે તપાસ શરૂ
સુરત શહેરમાં તસ્કરો હવે માત્ર બંધ મકાનો કે મોંઘા શો-રૂમને જ નહીં, પરંતુ ગરીબ અને લાચાર શ્રમિકોની આજીવિકાને પણ નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક માનવતાને શર્મસાર કરતી ચોરીની ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. અહીં રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી એક તસ્કર ગરીબ અને કેન્સર પીડિત વ્યક્તિની કેબિનના તાળાં તોડી અંદર રાખેલી રોકડ રકમ અને માલસામાન સહિત આશરે ₹19,200 ની મતા ચોરીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફ્રિજ ખરીદવા માટે એકઠી કરેલી મૂડી ચોરો લઈ ગયા: આખો ઘટનાક્રમ મળતી માહિતી મુજબ, મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસના ગેટ પાસે જયંતીભાઈ બારૈયા નામના એક મધ્યમવર્ગીય વ્યક્તિ પોતાની નાનકડી કેબિન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે. તેઓ આંતરડાના કેન્સરથી પીડિત છે અને છેલ્લા 3 વર્ષથી તેમનું ઓપરેશન કરાવેલું હોવાથી આજીવન બીમારીનો સામનો કરી રહ્યા છે. રોજની જેમ જયંતીભાઈ રાત્રે પોતાની કેબિન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે અંધારાનો લાભ લઈને તસ્કર ત્રાટક્યો હતો અને કેબિનના તાળાં તોડી અંદર પ્રવેશ કરીને ગણતરીની મિનિટોમાં હાથફેરો કરી રફુચક્કર થઈ ગયો હતો. સવારે આશરે 6:00 વાગ્યે જ્યારે જયંતીભાઈના પત્ની અને તેઓ કેબિન ખોલવા પહોંચ્યા ત્યારે તાળાં તૂટેલા જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, કેબિનમાં વેપાર વધારવા માટે ફ્રિજ ખરીદવાના આશયથી જયંતીભાઈએ ગલ્લામાં ભેગા કરીને રાખેલા ₹14,200ની રોકડ (ચિલ્લર સહિત) અને અંદાજે ₹5,000નો કિંમતી માલસામાન (વિમલ, તાનસેન વગેરે) ચોરો ચોરી ગયા હતા. પરિવાર પર તૂટી પડ્યું આભ: ઉત્રાણ પોલીસ એક્શનમાં આ ચોરી માત્ર એક આર્થિક ગુનો નથી, પરંતુ એક ગરીબ અને ગંભીર બીમારીથી ઝઝૂમતા પરિવારના મોંમાંથી કોળિયો છીનવી લેનારો કિસ્સો છે. જયંતીભાઈના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 3 દીકરીઓ છે. આ 5 જણાના પરિવારના શિક્ષણ, ઉછેર અને ઘરના રોજના જીવન નિર્વાહનો સંપૂર્ણ આધાર આ નાનકડી કેબિનની આવક પર જ નિર્ભર છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉત્રાણ પોલીસે તાત્કાલિક જયંતીભાઈ બારૈયાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સુમન નિવાસ તેમજ આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →