બિલ્ડરના બંગલે 48 લાખની ફિલ્મી સ્ટાઈલ ચોરી:ખંડેર બિલ્ડિંગના ટેરેસ પર રૂપિયા છુપાવી મુંબઈ ભાગ્યો, નાનપુરાના શાતિર ગુનેગાર દેવરાજને પોલીસે સહારા દરવાજા પાસેથી દબોચ્યો
સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં જાણીતા બિલ્ડરના બંગલામાંથી 48 લાખની ચોરીએ સમગ્ર હીરાનગરીમાં ભારે ચકચાર જગાવી હતી, ત્યારે આ હાઈપ્રોફાઈલ ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ સુરતના જ નાનપુરા વિસ્તારમાં રહેતો 27 વર્ષનો શાતિર અને રીઢો ગુનેગાર દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલ છે. કાલુ નાનપુરામાં જે.પી. ખમણ હાઉસની બાજુમાં કૈલાશનગર સોસાયટીમાં રહે છે અને બહારથી વેપારનો ધંધો કરતો હોવાનો ડોળ કરે છે. પરંતુ રાત્રિના અંધકારમાં ધનિકોના ઘર ફંફોસવાનો રીઢો કારસો ધરાવે છે. ચોરીની રકમ એટલી મોટી હતી કે તેને અંજામ આપવા માટે આરોપીએ પ્રોફેશનલ ગુનેગારની જેમ પૂર્વ આયોજિત પ્લાનિંગ કર્યું હતું અને પોલીસને થાપ આપવા માટે તમામ હથકંડા અપનાવ્યા હતા. બિલ્ડર વતનમાં ગયા અને બંગલામાં તસ્કર ત્રાટક્યો
પોલીસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, અડાજણ પરશુરામ ગાર્ડન પાસે આવેલા હાઈપ્રોફાઈલ ‘સેતુ વિલા’ બંગલામાં હિંમત હીરાભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ વ્યવસાયે જાણીતા બિલ્ડર છે. હાલમાં વતનમાં કોઈ સામાજિક પ્રસંગ હોવાના કારણે હિંમતભાઈ ભાવનગર જિલ્લાના ધોળા ગામે ગયા હતા. બંગલામાં માત્ર તેમની પત્ની, પુત્ર કૌશિક, પુત્રવધૂ ભૂમિ અને વેકેશન હોવાથી પિયરમાં રહેવા આવેલી દીકરી નિધિ બાળકો સાથે હાજર હતા. ગત 18 મેની રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પટેલ પરિવાર રોજિંદા ક્રમ મુજબ પોતાના રૂમમાં સૂવા માટે ગયો હતો. તે દરમિયાન મધ્યરાત્રિએ તકનો લાભ લઈને આ શાતિર ચોર બંગલાની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો હતો. મધ્યરાત્રિએ બંગલામાં ખખડાટ, બારીમાંથી ચોર ભાગતો દેખાયો
મધ્યરાત્રિએ આશરે 3 વાગ્યાની આસપાસ માસ્ક પહેરીને આવેલા તસ્કર દેવરાજ ઉર્ફે કાલુએ બંગલાના પાર્કિંગના ભાગેથી અંદર પ્રવેશ કર્યો હતો. તેને બંગલાના આંતરિક લોકેશનની કદાચ અગાઉથી જ ટીપ હોય તેમ તે સીધો બિલ્ડર હિંમતભાઈના મુખ્ય બેડરૂમમાં ઘૂસી ગયો હતો. ત્યાં મૂકેલા લાકડાના કબાટનું તાળું તોડી તેમાં રાખેલી રૂ. 48 લાખની રોકડ ભરેલી બેગ લઈને તે ભાગવાની ફિરાકમાં હતો. આ દરમિયાન બંગલામાં કંઈક તૂટવાનો અવાજ આવતાં જ હિંમતભાઈની દીકરી નિધિ અચાનક જાગી ગઈ હતી. તેણે તુરંત જ ઉપરના રૂમમાં સૂતેલા ભાઈ કૌશિકને ફોન કરીને નીચે કંઈક અજુગતો અવાજ આવતો હોવાની જાણ કરી હતી. બહેનનો ફોન આવતાં જ કૌશિક તાબડતોબ નીચે દોડી આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ચોર કબાટ સાફ કરી ચૂક્યો હતો. કૌશિકે બારીમાંથી બહાર જોતાં એક અજાણ્યો શખ્સ અંધારામાં ભાગતો નજરે પડ્યો હતો. હાઈપ્રોફાઈલ ઘરફોડ ચોરીમાં 100થી વધુ CCTV તપાસ્યા
બંગલામાં 48 લાખ જેવી માતબર રકમની ચોરી થઈ હોવાની જાણ થતાં જ બિલ્ડર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ઝોન-5 લખધીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડીસીપી લખધીરસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ અડાજણ પીઆઈ એન.એ. ચાવડા અને પીએસઆઈ એન.ડી. પટેલની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે બંગલા અને આસપાસના સમગ્ર રોડ-રસ્તાના 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસવાનું શરૂ કર્યું હતું, જેમાં આરોપીના મોપેડ વાહનની કડી મળી આવી હતી. ચોરીની રકમ છુપાવી પોલીસને ભટકાવવા આરોપી મુંબઈ ભાગ્યો
ડીસીપી લખધીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું હતું કે ગુનો આચર્યા બાદ આરોપી પોલીસને ચકમો આપવા માટે મુંબઈ તરફ ભાગી ગયો હતો. આ માહિતી મળતાં જ અડાજણ પોલીસની એક સ્પેશિયલ ટીમ તાત્કાલિક મુંબઈ જવા રવાના થઈ હતી. જોકે, શાતિર ચોર દેવરાજ પાટીલે એક ચાલાકી કરી હતી, તે 48 લાખની ભારેખમ બેગ પોતાની સાથે મુંબઈ લઈ ગયો ન હતો. તેને ડર હતો કે રસ્તામાં ક્યાંય ચેકિંગમાં પકડાઈ જવાય, તેથી તેણે ચોરીની તમામ રકમ સુરતમાં જ એક ગુપ્ત જગ્યાએ છુપાવી દીધી હતી અને પોતે ખાલી હાથે મુંબઈ નાસી ગયો હતો. પૂણેના સહારા દરવાજા પાસે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો
મુંબઈ ગયેલી પોલીસ ટીમને બાતમી મળી હતી કે આરોપી દેવરાજ પાટીલ મુંબઈ લાંબો સમય રોકાયો નથી. તે સુરતમાં છુપાવેલા રૂપિયા લેવા માટે પરત આવી રહ્યો છે. આ હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમીના આધારે અડાજણ પોલીસે સુરતના પૂણા વિસ્તારમાં આવેલા સહારા દરવાજા ગરનાળા પાસે વહેલી સવારથી જ લોખંડી વોચ ગોઠવી દીધી હતી. જેવો આરોપી દેવરાજ ત્યાંથી પસાર થયો કે તરત જ સજાગ પોલીસ ટીમે તેના પર ત્રાટકીને તેને કોર્ડન કરી લીધો હતો અને ગણતરીના કલાકોમાં જ તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો હતો. ખંડેર બિલ્ડિંગના ટેરેસ પરથી 48 લાખની રોકડ અને દાગીના રિકવર
પોલીસ સ્ટેશન લાવીને આરોપી દેવરાજ ઉર્ફે કાલુની કડક પૂછપરછ અને યુક્તિ-પ્રયુક્તિથી તપાસ કરવામાં આવતા તેણે પોપટની જેમ બધું જ ઓકી દીધું હતું. તેની અંગઝડતી લેતા પ્રાથમિક તબક્કે તેની પાસેથી રૂ. 4 લાખ રોકડા મળી આવ્યા હતા. ત્યારબાદ તેની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે બાકીના 44 લાખ રૂપિયા તેણે રાંદેર તાડવાડી પાસે આવેલા ‘મજદા ટાવર’ નામના એક ખંડેર અને અવાવરૂ બિલ્ડિંગના ટેરેસના ભાગે છુપાવી રાખ્યા છે. પોલીસે આરોપીને સાથે રાખીને તે ખંડેર મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી ચોરીની બેગ, પૂરેપૂરી રોકડ રકમ રૂ. 48,00,000 તેમજ અન્ય કેટલાક સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી બ્લુ કલરની એક્સેસ મોપેડ (કિંમત રૂ. 55,000) અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 48,85,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. અગાઉ 7 જેટલા ગુના આચરી ચૂક્યો છે રીઢો તસ્કર
અડાજણ પોલીસે આરોપી દેવરાજ પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 305(એ) અને 331(૪) મુજબ ગુનો નોંધી જેલભેગો કર્યો છે. પોલીસ રેકોર્ડની ચકાસણી કરતા સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી દેવરાજ અગાઉ પણ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 7 જેટલા ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યો છે, જેમાં અડાજણમાં 1, રાંદેરમાં 3, લિંબાયતમાં 2 અને ડિંડોલીમાં 1 ગુનાનો સમાવેશ થાય છે.
Read Original Article →