ડૉ. આંબેડકર જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ટ્રાફિક ડાયવર્ઝન:માન દરવાજા ખાતે રેલી અને સભાના આયોજનને પગલે BRTS-સિટી બસના અનેક રૂટો બંધ
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ શહેરમાં નીકળનારી વિશાળ રેલીઓ અને જાહેર સભાઓને ધ્યાનમાં રાખીને સુરત સિટિ લિંક દ્વારા સંચાલિત BRTS અને સિટી બસ સેવાના અનેક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રૂટો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે ભારે વાહનો માટે જાહેરનામુ બહાર પાડ્યું
14મી એપ્રિલના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે નીકળીને માન દરવાજા ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થશે, જે ત્યારબાદ જાહેર સભામાં પરિવર્તિત થશે. હાલમાં માન દરવાજા રિંગરોડ પર મેટ્રો ટ્રેનનું કામ ગતિમાં હોવાથી રસ્તાઓ સાંકડા થયા છે અને ટ્રાફિકનું ભારણ પહેલેથી જ વધારે રહે છે. આવી સ્થિતિમાં રેલીઓના આગમન સમયે જો ભારે વાહનોની અવરજવર ચાલુ રહે તો મોટી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. આ બાબતને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ માનદરવાજા તરફ આવતા ભારે વાહનો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ ફેરફારોની ખાસ નોંધ લે અને મુસાફરી દરમિયાન પડનારી અગવડતા ટાળવા માટે અગાઉથી આયોજન કરે. તમામ રૂટો સવારે 06:00 વાગ્યાથી ડાયવર્ટ કરવામાં આવશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસની સૂચના મળતા જ તમામ બસ સેવાઓ ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવશે.
Read Original Article →