અડાજણમાં પ્રેમ સંબંધની અદાવતમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો:વાતચીત કરવા બોલાવી યુવક અને તેના ભાઈના પેટમાં ચપ્પુ હુલાવ્યું, સહ-આરોપીની ધરપકડ; વિનયની શોધખોળ શરૂ

Gujarat6/4/2026, 2:27:57 PM
અડાજણમાં પ્રેમ સંબંધની અદાવતમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો:વાતચીત કરવા બોલાવી યુવક અને તેના ભાઈના પેટમાં ચપ્પુ હુલાવ્યું, સહ-આરોપીની ધરપકડ; વિનયની શોધખોળ શરૂ
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ સંબંધની અદાવતમાં બે સગા ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પાછળ યુવકની પરિચિત યુવતી સાથેના પ્રેમ સંબંધની વાતચીત મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, મુખ્ય આરોપી વિનય ઉર્ફે વિની પોતાની સાથે અન્ય એક સહયોગી નરેશને લઈને આવ્યો હતો અને વાતચીત દરમિયાન મામલો બિચકતાં હિંસક હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને સહ-આરોપી નરેશની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી વિનય હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. અડાજણની સમર્પણ સોસાયટી પાસે રાત્રે બની ઘટના પોલીસ ચોપડે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, આ ઘટના ગત તારીખ 3 જૂન 2026ના રોજ રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અમીધારાની વાડીની સામે, સમર્પણ સોસાયટીના ગેટ બહાર જાહેર રોડ પર બની હતી. ભોગ બનનાર યુવક તુષાંગ હિરેનભાઈ જરીવાલા (ઉંમર 24 વર્ષ, રહે. પાલ, સુરત) અને તેનો ભાઈ અભિષેક બંને ત્યાં હાજર હતા. મુખ્ય આરોપી વિનયે તુષાંગને તેની એક મહિલા સંબંધી સાથેના પ્રેમ સંબંધ બાબતે ખુલાસો કરવા અને વાતચીત કરવા માટે ત્યાં બોલાવ્યો હતો. રાત્રિના અંધકારમાં આ વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી અને જોતજોતામાં આરોપીઓએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તીક્ષ્ણ હથિયારથી બંને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચાડી વાતચીત દરમિયાન ઉશ્કેરાયેલા મુખ્ય આરોપી વિનય ઉર્ફે વિનીએ પોતાની પાસે રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને ફરિયાદી તુષાંગ પર હુમલો કરી દીધો હતો. વિનયે તુષાંગના ડાબા પગના સાથળના પાછળના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. આ સમયે તેનો ભાઈ અભિષેક જ્યારે તેને બચાવવા વચ્ચે પડ્યો. બંને આરોપીઓએ પરસ્પર મનસુબો ઘડીને અભિષેકને જાનથી મારી નાખવાના ઈરાદે તેના પેટના ડાબી બાજુના ભાગે ચપ્પુનો જીવલેણ ઘા મારી દીધો હતો. પેટના ભાગે ગંભીર ઈજા થવાના કારણે અભિષેક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. બંને ભાઈઓને ગંભીર હાલતમાં મૂકીને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ, એક આરોપી જેલ ભેગો ઘટના બાદ તરત જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. ફરિયાદી તુષાંગ જરીવાલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હુમલામાં મદદગારી કરનાર આરોપી નરેશની અટકાયત કરી તેની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી નરેશની પૂછપરછમાં મુખ્ય આરોપી વિનયના સંભવિત આશ્રયસ્થાનો અંગે મહત્વની કડીઓ મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
Read Original Article →