40 ફૂટ ઉંચાઈ પર સેફ્ટી સાધનો વગર કામ કરતા મજૂરો:સુરતમાં નિર્માણાધીન બ્રિજ પર જીવના જોખમે કામ કરતા શ્રમિકો, દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?

Gujarat5/23/2026, 9:38:51 AM
40 ફૂટ ઉંચાઈ પર સેફ્ટી સાધનો વગર કામ કરતા મજૂરો:સુરતમાં નિર્માણાધીન બ્રિજ પર જીવના જોખમે કામ કરતા શ્રમિકો, દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર અને બ્રિજના પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અવારનવાર દેશભરમાં પોતાના વિકાસ કાર્યો માટે વાહવાહ મેળવે છે, પરંતુ વિકાસ વાસ્તવમાં પાયામાં કામ કરતા શ્રમિકોના જીવના ભોગે થઈ રહ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વીડિયોને કારણે વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. સેફ્ટી બેલ્ટ વગર 40 ફૂટ ઉંચાઈ પર કામ કરતા મજૂરો કતારગામના ગજેરા સ્કૂલ નજીક ચાલી રહેલા નિર્માણાધીન બ્રિજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક કામદાર જોખમી સ્થિતિમાં કામ કરતો નજરે પડે છે. જમીનથી અંદાજે 30 થી 40 ફૂટ જેટલી ઉંચાઈ પર લોખંડના સળિયા ગોઠવવાનું અને સેન્ટરિંગનું જોખમી કામ ચાલી રહ્યું હોવા છતાં કામદારે માથે હેલમેટ પહેર્યું નથી કે પગમાં સેફ્ટી શૂઝ પણ નથી. ગંભીર વાતએ છે કે ઉંચાઈ પર કામ કરતી વખતે જરૂરી ગણાતો સેફ્ટી બેલ્ટ કે નીચે કોઈ સુરક્ષા જાળી (સેફ્ટી નેટ) જેવી પ્રાથમિક સુવિધા પણ રાખવામાં આવી નથી. આ મજૂર કોઈ પણ જાતના સપોર્ટ વિના બ્રિજની પાતળી ધાર પર ઊભો રહીને કામ કરી રહ્યો છે, જ્યાં સહેજ પણ પગ લપસે તો મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે છે. કામદારોની સુરક્ષા માટે નિયમો અને ગાઈડલાઈન્સ ફક્ત કાગળ પર! ગુજરાત સરકારના શ્રમ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામદારોની સુરક્ષા માટે કડક નિયમો અને ગાઈડલાઈન્સ બનાવવામાં આવી છે. નિયમ મુજબ બાંધકામ સાઇટ પર સેફ્ટી ઓફિસર રાખવો અને મજૂરોને સુરક્ષાના સાધનો આપવા ફરજિયાત છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નિયમો માત્ર કાગળો પૂરતા જ સીમિત રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પોતાના નફા ગાળા માટે અથવા તો સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે મજૂરોના જીવને દાવ પર લગાવી દે છે. આ સાઇટની બિલકુલ નીચેથી દિવસ-રાત હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે, જેથી જો ઉપરથી કોઈ લોખંડનો સળિયો કે ભારે ઓજાર નીચે પડે તો કોઈ નિર્દોષ નાગરિકનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સામાન્ય રીતે જ્યારે આવી કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બને છે ત્યારે વહીવટીતંત્ર, મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં વ્યસ્ત થઈ જાય છે અને વળતર આપીને મામલો દબાવી દેવાય છે. પરંતુ સવાલ એ છે કે અકસ્માત થયા પછી જાગવા કરતાં, અગાઉથી સુરક્ષાના પગલાં કેમ લેવામાં આવતા નથી? મોટા મોટા પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને વિકાસની વાતો વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું કામદારોનો જીવ એટલો સસ્તો બની ગયો છે? ‌‌ હવે જોવાનું એ રહ્યું કે સુરત મનપાના અધિકારીઓ આ મામલે લાલ આંખ કરીને કોન્ટ્રાક્ટર સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી દર વખતની જેમ આ ગંભીર બેદરકારી પણ ફાઈલોમાં દટાઈ જશે.
Read Original Article →