મોટા નેતાની વાટે 16 કરોડના બ્રિજનું લોકાર્પણ અટવાયું:સ્થાનિકોએ બ્રિજ ખૂલ્લો મૂકવા ચીમકી આપી તો SMCનો ઈગો ઘવાયો, પબ્લિકને પડકાર ફેંકતા હજારો ટનના બ્લોકથી રસ્તો બંધ કર્યો

Gujarat5/27/2026, 6:35:00 PM
મોટા નેતાની વાટે 16 કરોડના બ્રિજનું લોકાર્પણ અટવાયું:સ્થાનિકોએ બ્રિજ ખૂલ્લો મૂકવા ચીમકી આપી તો SMCનો ઈગો ઘવાયો, પબ્લિકને પડકાર ફેંકતા હજારો ટનના બ્લોકથી રસ્તો બંધ કર્યો
સુરત મહાનગરપાલિકાની અનોખી અને પરંપરાગત ‘ટ્રેડમાર્ક સ્ટાઈલ’ ફરી એકવાર સામે આવી છે. વરાછા હીરાબાગ જંક્શન પાસે ટ્રાફિકનો કાયમી તોડ કાઢવા માટે 16.43 કરોડના ખર્ચે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો કનેક્ટિંગ બ્રિજ બનીને ઝાકઝમાળ તૈયાર છે. છેલ્લા 15 દિવસથી બ્રિજ ચમકી રહ્યો છે, પણ શાસકોના મન હજુ પીગળ્યા નથી. કારણ? કોઈ ‘મોટા નેતા’ની ડાયરીમાંથી તારીખ મળતી નથી! જનતા ટ્રાફિકમાં કલાકના હિસાબે લોહી ઉકાળે તો ભલે ઉકાળે, પણ સાહેબના હસ્તે શ્રીફળ ન વધે ત્યાં સુધી બ્રિજ પર ટાયર ન ફરવું જોઈએ, એવો વણલખ્યો નિયમ પાલિકા પાળી રહી છે. જ્યારે જનતાએ બેરિકેડ હટાવ્યા તો પાલિકાએ ઇગો પર લીધું અને ‘લોકો ધારે તોય ન નીકળે’ એવા હજારો ટનના બ્લોક ગોઠવી દીધા! પાલિકાના સત્તાધીશોનું ‘અહમ’ ઘવાયું પાલિકાના આ ‘તારીખ તંત્ર’થી કંટાળીને સ્થાનિકોએ ચીમકી આપી હતી કે, જો ત્રણ દિવસમાં બ્રિજ ખુલ્લો નહીં થાય તો જનતા જાતે જ લોકાર્પણ કરી દેશે. આ પહેલા પણ લોકોએ એકવાર બેરિકેડ હટાવી વાહનો દોડાવતા સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો હતો. જનતાની આ હિંમત જોઈને પાલિકાના સત્તાધીશોનું ‘અહમ’ ઘવાયું હોય તેમ, ટ્રાફિકની સમસ્યા ઉકેલવામાં જે સ્પીડ નથી દેખાતી તે સ્પીડ બ્રિજ બંધ કરવામાં દેખાડી! ટેક્સ લેવામાં ઉતાવળ, સુવિધા આપવામાં આળસ પાલિકાએ તાત્કાલિત હજારો ટનના સિમેન્ટના મસમોટા બ્લોક બ્રિજના નાકે ગોઠવી દીધા. જાણે કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ પર દુશ્મનોને રોકવાના હોય તેવી કિલ્લાબંધી કરી દેવાઈ, જેથી જનતા ધારે તો પણ બ્રિજ પર ચઢી ન શકે. પાલિકાની આ દાનત જોઈને લોકો કહી રહ્યા છે કે, વાહ SMC વાહ! ટેક્સ લેવામાં જેટલી ઉતાવળ, સુવિધા આપવામાં એટલી જ આળસ! આ સાથે જ બ્લોક મુકવા માટે જે ક્રેન બોલાવવામાં આવી હતી તે પણ રોંગ સાઈડમાં રિવર્સમાં ચાલીને વાહન ચાલકોને પણ જોખમ ઊભું કરતી હતી. 7 વર્ષનો વનવાસ પૂરો, પણ નેતાજીના પ્રોટોકોલનો ફેરો બાકી વર્ષ 2019માં ઉત્કલનગરથી અશ્વિનીકુમાર રોડનો બ્રિજ બન્યો ત્યારથી એટલે કે છેલ્લા 7 વર્ષથી વેડ, કતારગામ અને વરાછાની જનતા હીરાબાગ જંક્શન પર રોજ સવાર-સાંજ ટ્રાફિકના નરક સમાન ચક્કાજામનો સામનો કરે છે. ખાસ કરીને સુરતની આર્થિક કરોડરજ્જુ સમાન રત્નકલાકારો અને નાના વેપારીઓ રોજ કલાકો સુધી અહી ઈંધણ અને સમય બંને બગાડે છે. આ નવો રેમ્પ શરૂ થાય તો નીચેનો ટ્રાફિક સીધો 70% ઘટી જાય તેમ છે અને અંદાજે 5 લાખથી વધુ વાહનચાલકોને સીધો ફાયદો થાય તેમ છે. પરંતુ, જનતાની સુવિધા કરતાં નેતાજીનો કેમેરા ફેસ અને પ્રોટોકોલ વધારે કિંમતી હોય તેમ લાગી રહ્યું છે. ટ્રાફિકની પીડામાંથી ઉઠતા આક્રોશને કેવી રીતે રોકશો? હવે ગણગણાટ શરૂ થયો છે કે આગામી થોડા દિવસોમાં કદાચ ‘નવા મેયર’ના વરદહસ્તે આ બ્રિજનું પાપ ધોવાશે, એટલે કે લોકાર્પણ થશે. સ્થાનિક રત્નકલાકારો અને નોકરિયાતોનો એક જ સૂર છે કે વહેલામાં વહેલી તકે બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવે. પાલિકાના સત્તાધીશોએ એ સમજવાની જરૂર છે કે સિમેન્ટના બ્લોક મારીને જનતાને રોકી શકાશે, પણ ટ્રાફિકની પીડામાંથી ઉઠતા આક્રોશને કેવી રીતે રોકશો? વહેલી તકે બ્રિજ ખુલ્લો મૂકો, નહિતર જનતાના રોષનો બ્લોક હટાવવો અઘરો પડશે!
Read Original Article →