પરીક્ષા આપવા જઈ રહેલા 9 વર્ષીય માસૂમ પર ડોગનો હુમલો:લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો, પરીક્ષા પણ ન આપી શક્યો

Gujarat4/10/2026, 11:13:44 AM
પરીક્ષા આપવા જઈ રહેલા 9 વર્ષીય માસૂમ પર ડોગનો હુમલો:લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો, પરીક્ષા પણ ન આપી શક્યો
ઉન તિરુપતિ નગરમાં રહેતો 9 વર્ષીય વિદ્યાર્થી અયાન અંસારી સવારે ઘરેથી ઉત્સાહ સાથે પોતાની વાર્ષિક પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ એક રખડતા શ્વાને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને અયાનના પગના ભાગે ગંભીર રીતે બચકું ભરી લેતા તે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. આ કમનસીબ ઘટનાને કારણે માસૂમ અયાન હોસ્પિટલના બિછાને પહોંચ્યો અને પોતે જેના માટે તૈયારી કરી હતી તે પરીક્ષા આપી શક્યો નહોતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં અયાનને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના હુમલાને કારણે બાળકના પગમાં ઊંડા જખમ થયા હોવાથી તબીબો દ્વારા તેને તાત્કાલિક ઇન્જેક્શન આપી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી અયાનના પિતા મહમદ મુબલી અંસારીએ જણાવ્યું હતું કે, તેમને શાળાના શિક્ષક દ્વારા ફોન કરીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. દીકરાને ઇજા પહોંચતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તિરુપતિ નગરમાં રખડતા શ્વાનોનો ભારે આતંક સચિનના ઓમ પાટિયા અને તિરુપતિ નગર વિસ્તારમાં રહેતા સ્થાનિકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અહીં રખડતા શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે નાના બાળકોને એકલા બહાર મોકલતા પણ વાલીઓ ડરી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે અગાઉ પણ અનેકવાર શ્વાનોએ રાહદારીઓ પર હુમલા કર્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અયાન પર થયેલા હુમલા બાદ વિસ્તારના લોકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પિતાની હૈયા વરાળ: 'તંત્ર થોડું ધ્યાન આપે' અયાનના પિતા મહમદ અંસારીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, "મારો પુત્ર માત્ર 9 વર્ષનો છે. આજે તેની પરીક્ષા હતી અને તે મહેનત કરીને ઘરેથી નીકળ્યો હતો, પણ આ રખડતા કૂતરાને કારણે તે આજે પેપર આપી શક્યો નથી. હું તંત્રને એટલી જ વિનંતી કરવા માંગુ છું કે અમારા વિસ્તારમાં થોડું ધ્યાન આપે અને આ શ્વાનોના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવવા માટે જરૂરી પગલાં ભરે, જેથી અન્ય કોઈ બાળકનો અભ્યાસ કે જીવ જોખમમાં ન મુકાય.
Read Original Article →