Live Updates
વેપારીની નજર ચૂકવી લાખોની લૂંટ ચલાવનારી ગેંગ ઝડપાઈ:વાદળી ટી-શર્ટવાળા તસ્કરની લાઈવ કરતૂત CCTVમાં કેદ, બે બાળ કિશોરોની પણ સંડોવણી, રેમ્બો ચપ્પુ પણ જપ્ત
સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એક ચીલ-ઝડપની ઘટના સામે આવી હતી, જેમાં મોડી રાત્રે અંધારાનો લાભ લઈ જાહેર ગલીમાં એક મોપેડ સવાર વેપારીની નજર ચૂકવીને લાખો રૂપિયાની રોકડ ભરેલી બેગ આંચકી લેવામાં આવી હતી. લિંબાયત પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે જlઆખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે લૂંટની રકમની સંપૂર્ણ રિકવરી સાથે ચાર રીઢા આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક તેમજ બે મોટા અને અત્યંત ઘાતક રેમ્બો ચપ્પુ મળી આવ્યા છે. સીસીટીવીમાં કેદ થઈ લાઈવ લૂંટ
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, રાત્રિના સમયે ફરિયાદી પોતાની મોપેડ પર બેઠા હતા અને તેમની પાછળ પૈસા ભરેલી બેગ મૂકેલી હતી. આ દરમિયાન ફરિયાદી ગલીમાં જ ઉભા રહીને તેમના એક મિત્ર સાથે વાતચીત કરી રહ્યા હતા અને આસપાસ સામાન્ય લોકોની અવરજવર ચાલુ હતી. તે જ સમયે અન્ય ગલીમાંથી એક શાતિર તસ્કર વાદળી રંગનું ટી-શર્ટ પહેરીને, કાન પર મોબાઈલ રાખી વાત કરવાનો ઢોંગ કરતો ત્યાં આવી પહોંચ્યો હતો. રાત્રિના અંધારા વચ્ચે ફરિયાદી અને તેનો મિત્ર કશું સમજે તે પહેલાં જ આ તસ્કરે મોપેડ પર મૂકેલી લાખો રૂપિયાની બેગ ઝાપટ મારીને આંચકી લીધી હતી અને પળવારમાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ફરિયાદીના મિત્રએ તસ્કરની પાછળ દોડીને તેને પકડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી આગળ ઉભેલી બાઇક પર પોતાના સાગરીતો સાથે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ વર્ક-આઉટથી કડીઓ મેળવી
ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા વાદળી રંગના ટી-શર્ટવાળા શખ્સના ભાગવાના રૂટને અંધારામાં પણ અલગ-અલગ કેમેરાની મદદથી ટ્રેક કર્યો હતો. આ સાથે જ આસપાસના વિસ્તારના હ્યુમન સોર્સિસને સક્રિય કરવામાં આવ્યા હતા. પોલીસના ટેકનિકલ સેલ દ્વારા જે વિસ્તારમાં લૂંટ થઈ હતી ત્યાંના મોબાઈલ ડમ્પ ડેટા અને શંકાસ્પદ હિલચાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ સઘન ટેકનિકલ વર્ક-આઉટ અને લોકલ ઇન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનના પરિણામે પોલીસને ચીલ-ઝડપ કરનારી આખી ટુકડીનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું અને પોલીસે રાઉન્ડ ધી ક્લોક વોચ ગોઠવી તમામની ધરપકડ કરી લીધી હતી. ઘાતક રેમ્બો ચપ્પુ સાથે શાતિર ગુનેગારો ઝડપાયા
પોલીસે જ્યારે આ ટોળકીને કોર્ડન કરીને ઝડપી લીધી ત્યારે તેમની તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ પાસેથી ચીલ-ઝડપ કરાયેલી તમામ રોકડ રકમ તો રિકવર થઈ જ હતી, પરંતુ તેની સાથે તેમની પાસેથી બે મોટા અને અત્યંત ઘાતક રેમ્બો ચપ્પુ પણ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ચપ્પુ આરોપીઓ કોઈ મોટી લૂંટ દરમિયાન પ્રતિકાર કરનાર પર જીવલેણ હુમલો કરવાના અથવા તો વિસ્તારમાં દહેશત ફેલાવવાના ઈરાદે સાથે રાખતા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે. હથિયારોની હાજરીએ સાબિત કર્યું છે કે આ માત્ર નાની-મોટી ચોરી કરનારી ટોળકી નથી પરંતુ હિચકારો હુમલો કરી શકે તેવી રીઢા ગુનેગારોની ખતરનાક ગેંગ છે. ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું
પકડાયેલા આરોપીઓની ઓળખ અને પ્રોફાઇલ જોતાં આ ટોળકી આંતરરાજ્ય કનેક્શન ધરાવતી હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા મુખ્ય આરોપીઓમાં સાબીરબેગ ઉર્ફે માનસિક (ઉં.વ. 18, રહે. કમરૂનગર નવી ટેનામેન્ટ, લિંબાયત; મૂળ રહેવાસી. બરાહનપુર, ઉત્તરપ્રદેશ) જે મજૂરી કામની આડમાં ગુના આચરતો હતો.આજમ ઉર્ફે રેહાન ઉર્ફે રાનીયા (ઉં.વ. 20, રહે. કમરૂનગર, લિંબાયત; મૂળ રહેવાસી. મલકાપુર, જી. બુલઢાણા, મહારાષ્ટ્ર). જમીલ ઉર્ફે માયા (ઉં.વ. 20, રહે. કમરૂનગર, લિંબાયત; મૂળ રહેવાસી. ભોપાલ, મધ્યપ્રદેશ).મુજ્જમીલ ઉર્ફે મુજ્જુ (ઉં.વ. 23, રહે. મહાપ્રભુનગર, લિંબાયત; મૂળ રહેવાસી. જી. જલગાંવ, મહારાષ્ટ્ર) શામેલ છે. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા અન્ય બે બાળ કિશોરો (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર)ની પણ અટકાયત કરવામાં આવી છે, જેઓનો ઉપયોગ આ ગેંગ રેકી કરવા અને નજર રાખવા માટે કરતી હતી. પોલીસે આ ઓપરેશન દરમિયાન કુલ રૂપિયા 5,55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી સાબીરબેગનો ભયાનક ગુનાહિત ઇતિહાસ
આ ગેંગનો મુખ્ય સાગરીત સાબીરબેગ ઉર્ફે માનસિક અત્યંત ક્રિમિનલ માઇન્ડસેટ ધરાવે છે અને તેનો પૂર્વ ઇતિહાસ ગુનાઓથી ખરડાયેલો છે. તેની સામે અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ઘાતક હથિયારથી મહાવ્યથા પહોંચાડવી,રાયોટિંગ અને ગેરકાયદે મંડળી, અશ્લીલ કૃત્યો/ગાળો આપવી, જાહેરનામાનો ભંગ મુજબ ગુના નોંધાઈ ચૂક્યા છે.
Read Original Article →