7 વર્ષ લિવ-ઈન બાદ પ્રજ્ઞાચક્ષુ મહિલાની પ્રેમી વિરુદ્ધ યૌનશોષણની ફરિયાદ:મેડિકલ તપાસનો ઈનકાર કર્યો, દીકરીને સો.મીડિયા પર બદનામ કરાતા મામલો બિચક્યો, રાજસ્થાનથી ઝીરો નંબરથી કેસ સુરત ટ્રાન્સફર

Gujarat5/20/2026, 10:04:52 AM
7 વર્ષ લિવ-ઈન બાદ પ્રજ્ઞાચક્ષુ મહિલાની પ્રેમી વિરુદ્ધ યૌનશોષણની ફરિયાદ:મેડિકલ તપાસનો ઈનકાર કર્યો, દીકરીને સો.મીડિયા પર બદનામ કરાતા મામલો બિચક્યો, રાજસ્થાનથી ઝીરો નંબરથી કેસ સુરત ટ્રાન્સફર
સુરતના લસકાણા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં છેલ્લા સાત વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી એક 47 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ મહિલાએ પોતાના જ પ્રેમી વિરુદ્ધ યૌનશોષણ અને પોતાની દીકરીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મૂળ રાજસ્થાનની વતની અને હાલ લસકાણામાં રહેતી આ મહિલા શારીરિક રીતે અક્ષમ છે, જેને એક આંખે બિલકુલ દેખાતું નથી અને બીજી આંખે પણ અત્યંત ઓછું દેખાય છે. મહિલાનો દિવ્યાંગ પતિ અમદાવાદ રહેતો હોવાથી, રાજસ્થાનના ધોલપુરના વતની વિજય શર્મા નામના રિક્ષાચાલક યુવક સાથે લિવ-ઈનમાં રહેતી હતી. મહિલા વતન જતા સંબંધોમાં બગડ્યા આ મહિલા પોતાની ચાર પુત્રીઓ સાથે લસકાણામાં રહેતી હતી અને રિક્ષા ચલાવતો પ્રેમી વિજય શર્મા આ આખા પરિવારનું ભરણપોષણ કરતો હતો. છેલ્લા સાત વર્ષથી બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ગત માર્ચ મહિનામાં જ્યારે મહિલા પોતાની પુત્રીઓ સાથે વતન રાજસ્થાન ગઈ ત્યારે સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન વિજય શર્માને મહિલાની ચાર પુત્રીઓ પૈકી એક પુત્રીની ચાલ-ચલગત અને વર્તણૂક સામે ગંભીર વાંધો પડ્યો હતો. આ બાબતને લઈને વિજયે રાજસ્થાન રહેતી તેની પ્રેમિકાને તાત્કાલિક ફોન કરીને સુરત પરત આવી જવા જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીનો મારો દીકરીની ચાલ-ચલનના મુદ્દે ફોન પર જ બંને પ્રેમી-પ્રેમિકા વચ્ચે ભારે બોલાચાલી અને ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે વિજય શર્માએ મહિલાની દીકરી વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યંત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. આટલું ઓછું હોય તેમ, વિજય શર્માના આ કૃત્યમાં તેના પાંચ ભાઈઓ અને તેના પિતા પણ જોડાયા હતા. આ તમામ લોકોએ સોશિયલ મીડિયા પર સગીરા વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ્સનો મારો ચલાવી તેને ડિજિટલ પ્લેટફોર્મ પર બદનામ કરી મૂકી હતી. રાજસ્થાન પોલીસ મથકે પહોંચ્યો મામલો પોતાની દીકરીની આ પ્રકારે જાહેરમાં થતી બદનામી અને પ્રેમીના આવા વર્તનથી આઘાતમાં સરી પડેલી અંધ મહિલા ચૂપ ન બેઠી. તેણે તાત્કાલિક ધોલપુર (રાજસ્થાન) સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. મહિલાએ વિજય શર્મા વિરુદ્ધ લગ્નની લાલચ આપી સાત વર્ષ સુધી શારીરિક શોષણ અને યૌનશોષણ કરવાની તેમજ દીકરીને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવાની લેખિતમાં ફરિયાદ નોંધાવી દીધી. ઘટનાસ્થળ અને ગુનાની મુખ્ય ભૂમિ સુરતનું લસકાણા હોવાના કારણે, રાજસ્થાન પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધીને આ સમગ્ર કેસ ડાયરી આગળની તપાસ માટે સુરતના લસકાણા પોલીસ મથકે ટ્રાન્સફર કરી દીધી હતી. મેડિકલ તપાસનો ઇનકાર અને નવો વળાંક રાજસ્થાનથી કેસ સુરત ટ્રાન્સફર થતાં જ લસકાણા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. નિયમ મુજબ યૌનશોષણ કે દુષ્કર્મના કેસમાં ભોગ બનનાર મહિલાની તબીબી તપાસ કરાવવી ફરજિયાત હોય છે. જોકે, સુરત પોલીસ મથકે આવ્યા બાદ આ પ્રજ્ઞાચક્ષુ મહિલાએ અચાનક જ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. મહિલાના આ આકસ્મિક અને ચોંકાવનારા નિર્ણયને કારણે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે અને આખો મામલો ભારે ગૂંચવાયો છે. પોલીસ તપાસનો ધમધમાટ તેજ લસકાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલા આ સંવેદનશીલ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સાત વર્ષ સુધી સાથે રહ્યા બાદ અચાનક આવો વિવાદ કેમ થયો, અને સોશિયલ મીડિયા પર કરાયેલી કોમેન્ટ્સ પાછળનું સાચું કારણ શું છે. મહિલાએ મેડિકલ કરાવવાની ના કેમ પાડી તે પાછળ કોઈ દબાણ છે કે અન્ય કોઈ આંતરિક વિવાદ, તે દિશામાં પણ પોલીસ કડીઓ જોડી રહી છે. આગામી સમયમાં વિજય શર્મા અને તેના પરિવારની પૂછપરછ બાદ જ આ કેસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે.
Read Original Article →