ભાજપે પીપલોદથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા:સી.આર. પાટીલના નેતૃત્વમાં સુરત ભાજપના 120 સેવકોએ જનસેવાના સોગંધ લીધા
સુરત શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભાજપે આજે પીપલોદ સ્થિત કારગીલ ચોક ખાતેથી વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા જન સંકલ્પ કાર્યક્રમમાં ભાજપના તમામ 120 ઉમેદવારોએ એકસૂરે જનતાની સેવાની શપથ લીધી હતી. આ કાર્યક્રમે સુરતના રાજકારણમાં એક નવો વળાંક લાવી દીધો છે અને વિરોધી છાવણીઓમાં હલચલ મચાવી દીધી છે. ભારત માતા કી જય'ના નારા લાગ્યા
પીપલોદનો વીઆઈપી રોડ કારગીલ ચોક ખાતે સવારથી જ ભાજપના કાર્યકર્તાઓથી ઉભરાવા લાગ્યો હતો. હાથમાં પક્ષના ઝંડા, કેસરી ટોપી અને ગળામાં ખેસ ધારણ કરેલા હજારો કાર્યકર્તાઓના કારણે સમગ્ર વાતાવરણ 'ભાજપમય' બની ગયું હતું. 'ભારત માતા કી જય'ના નારાઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમનું સૌથી આકર્ષક પાસું સુરત મનપાની તમામ 120 બેઠકોના ઉમેદવારોની એકસાથે મંચ પર ઉપસ્થિતિ હતી. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારો વ્યક્તિગત રીતે પ્રચાર કરતા હોય છે, પરંતુ અહીં સામુહિક શક્તિનું દર્શન કરાવવામાં આવ્યું હતું. 'ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતા એ અમારો મંત્ર રહેશે'
સી.આર. પાટીલની હાજરીમાં તમામ ઉમેદવારોએ હાથ આગળ ધરીને શપથ લીધા હતા કે, અમે સત્તા માટે નહીં, પણ સુરતના નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતા એ અમારો મંત્ર રહેશે. '10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા'
પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે કહ્યું કે, ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે. એક લોક પ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે, ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર - જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા - એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને મારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા. ' 120માંથી 120 ઉમેદવારો જીતીને આવશે'
અમારા શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરાના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે, 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લેવડાવવામાં આવ્યા છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે, જનસેવા માટે કામ કરવાના છે. 'સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે'
તેને વધુમાં કહ્યું કે, ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સરકારની યોજના પહોંચાડી રહ્યા છે, ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે, એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે ત્યારે આવનારા પાંચ વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. 'વિકસિત સિટીમાં કઈ રીતે કામ કરે છે તેવા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું'
પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, આજે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના ગરિમામય ઉપસ્થિતિમાં અમે 120 ઉમેદવારોએ વિકાસની શપથ લીધી છે. સુરત મહાનગરપાલિકા દેશનું નંબર વન મહાનગરપાલિકા તો પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે આવનાર સમયમાં મારી આખી ટીમ, 120ની ટીમ આવનાર સમયમાં વિશ્વના જે વિકસિત સિટી છે તેમાં કઈ રીતે કામ કરે છે તેવા શ્રેષ્ઠ પ્રયાસો અમે અને અમારી ટીમ કરીશું. ‘આજુબાજુમાં જે લોકો ફરી રહ્યા છે પોતે જ તોડબાજ છે’
ગોપાલ ઇટાલિયાના નિવેદન બાબતે જવાબ આપતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, તેમની આજુબાજુમાં જે લોકો ફરી રહ્યા છે પોતે જ તોડબાજ છે. એન્ટી કરપ્શનના કેસો થયા છે, એમને ફરીથી ટીકીટ આપી રહ્યા છે એટલે એ જ મોટું પ્રમાણપત્ર છે કે કેવા લોકો સાથે આગળ વધે છે. અને પોતે જે પ્રકારની ભાષા 'તુકારા-હુંકારા' ની જે વાતો થઈ રહી છે એ ગુજરાતની રાજનીતિમાં ક્યારેય સ્વીકાર્ય હોઈ ન શકે. શાંતિ, સલામતી અને સંસ્કારિતા સાથેનું ગુજરાતની રાજનીતિનું એક પ્લેટફોર્મ રહ્યું છે, ત્યારે ભાષાકીય મર્યાદા જાળવી વિવેકતાને આધીન વાતો થવી જોઈએ એ ગુજરાતની રાજનીતિમાં સ્વીકાર્ય છે. ‘એમના સપના સ્વીકારવા ન સ્વીકારવા એ પ્રજા નક્કી કરશે’
આમ આદમી પાર્ટીના મેર બનવાનના દાવા કરી રહ્યું છે ત્યારે અલ્પેશ કથીરિયા એ જણાવ્યું હતું કે, જો સપના જોવું એ દરેકનો અધિકાર છે, સપના ઉપર કોઈ પણ માણસ સપનું જોઈ શકે છે. એમના સપના સ્વીકારવા ન સ્વીકારવા એ પ્રજા નક્કી કરશે. અવિરત શાસનની 25-30 વર્ષની વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની રહી છે એટલે મેયર તો દૂર પણ વિપક્ષ નેતાની વાતને પણ સપના તરીકે જુએ તો સારી વાત છે.
Read Original Article →