'ગુજરાત વિરોધી માનસિકતા નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ':ખડગેના નિવેદન મુદ્દે અડાજણમાં ભાજપનું મોઢે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

Gujarat4/7/2026, 3:21:38 PM
'ગુજરાત વિરોધી માનસિકતા નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ':ખડગેના નિવેદન મુદ્દે અડાજણમાં ભાજપનું મોઢે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન
ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે સુરતના અડાજણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અડાજણમાં કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ સુરતના પશ્ચિમ વિસ્તાર ગણાતા અડાજણમાં આજે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે તમામ કાર્યકરોએ પોતાના મોઢા પર કાળી પટ્ટી બાંધી હતી. આ મૌન પ્રદર્શન દ્વારા ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હવે શબ્દોથી પર છે અને તે અત્યંત નિંદનીય છે. ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા જેમાં "ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ" "કોંગ્રેસે કર્યું ગાંધી સરદારનું અપમાન માફી માંગે કોંગ્રેસ" "ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ" "અમે ગુજરાતીઓ અભણ નથી માફી માંગે કોંગ્રેસ" મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદનથી ગુજરાતીઓમાં રોષ તાજેતરમાં કેરળના ઈડુક્કીમાં એક જનસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "કેરળના લોકો સુશિક્ષિત અને સમજદાર છે, એટલે તેમને કોઈ ભ્રમિત કરી શકતું નથી. જ્યારે ગુજરાતમાં લોકો અભણ છે, તેથી વડાપ્રધાન મોદી તેમને સરળતાથી મૂર્ખ બનાવી શકે છે." આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ગુજરાતીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભાજપ આ નિવેદનને રાજ્યની સાડા છ કરોડ જનતાના અપમાન તરીકે જોઈ રહ્યું છે.
Read Original Article →