સુરતમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, પાટીદાર મહિલા બન્યા નવા મેયર:3 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ સૌરાષ્ટ્ર, મરાઠી, સુરતી, જૈન અને ઉત્તર ભારતીય પદાધિકારીઓની પસંદગી
સુરત મહાનગરપાલિકાના સર્વોચ્ચ પદો માટે કોના નામ જાહેર થશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો અને સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. મનપાની સામાન્ય સભામાં ત્રણ કલાકના લાંબા વિલંબ અને હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ સુરતના નવા પદાધિકારીઓના નામો પર સત્તાવાર મહોર મારી દેવામાં આવી છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ વખતે સુરત મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદ માટે સૌરાષ્ટ્રવાસી ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ જાહેરાત થતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાંત કોરાટના ફોનથી ખૂલ્યા નામ
નવા પદાધિકારીઓના નામોની જાહેરાત દરમિયાન તમામ કોર્પોરેટરોને સામાન્ય સભાના સભાખંડમાં જ મોકલી દેવામાં આવ્યા હતા અને બહાર આવવા પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. અગાઉ એવી ચર્ચા હતી કે નામો ઈ-મેલ અથવા વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. પરંતુ, અચાનક જ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંત કોરાટનો ફોન સીધો શહેર પ્રમુખ પરેશ પટેલ પર આવ્યો હતો. પ્રશાંત કોરાટે ફોન પર એક પછી એક તમામ પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરી હતી. ભાજપનો માસ્ટરસ્ટ્રોક, તમામ સમાજોને પ્રતિનિધિત્વ
આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાના માળખામાં અદ્ભુત સોશિયલ એન્જિનિયરિંગ (સામાજિક સંતુલન) ગોઠવ્યું છે. સુરતની મિશ્ર વસ્તી અને વિવિધ પ્રાંતના લોકોને રાજી રાખવા માટે પાંચેય સર્વોચ્ચ પદો પર અલગ-અલગ જ્ઞાતિ અને સમાજની પસંદગી કરવામાં આવી છે. જેમાં મેયર પદે સૌરાષ્ટ્રના પાટીદાર, ડેપ્યુટી મેયર પદે મરાઠી સમાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મૂળ સુરતી (અનાવિલ જ્ઞાતિ), શાસક પક્ષના નેતા તરીકે જૈન સમાજ અને દંડક તરીકે ઉત્તર ભારતીય સમાજના મહિલા કોર્પોરેટરને સ્થાન આપીને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા મોટો રાજકીય દાવ ખેલાયો છે. પાટીદાર માયાબેન માવાણી બન્યા નવા મેયર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સૌરાષ્ટ્રવાસી મહિલાને તક આપી છે. ગઈ ચૂંટણીઓમાં જે રીતે પાટીદાર બહુલ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો અને આમ આદમી પાર્ટીનો ઉદય થયો હતો, તેનાથી વિપરીત આ વખતે પાટીદાર સમાજે ભાજપ તરફી એકતરફી મતદાન કર્યું છે. પાટીદાર ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ અને મતોના વળતર રૂપે જ આ વખતે સૌરાષ્ટ્રવાસી મહિલા માયાબેન માવાણીને મેયર પદની કમાન સોંપવામાં આવી છે. સુરતના ઇતિહાસમાં અગાઉ સૌરાષ્ટ્રવાસી મહિલા અગ્રણી અસ્મિતા શિરોયા પણ મેયર રહી ચૂક્યા છે. કોણ છે માયાબેન માવાણી?
વોર્ડ નંબર 14 ના કોર્પોરેટર માયાબેન માવાણી સુરતના રાજકીય રીતે અતિ સંવેદનશીલ એવા પાટીદાર વિસ્તારોમાં ખૂબ જ મજબૂત પકડ અને પ્રભુત્વ ધરાવે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર માયાબેન છેલ્લા 3 દાયકા (30 વર્ષ) કરતાં પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક જોડાયેલા છે. વર્ષ 2007માં તેઓ મહિલા શહેર કારોબારીના સભ્ય તરીકે સક્રિય થયા હતા અને હાલમાં પણ તેઓ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમની સ્વચ્છ છબી, પક્ષ પ્રત્યેની વફાદારી અને સંગઠનલક્ષી લાંબા અનુભવના કારણે જ પક્ષે તેમના પર ભરોસો મૂક્યો છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ સાથે ગાઢ સંબંધો
માયાબેન માવાણી માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ સુરત શહેરમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. તેઓ પાટીદાર સમાજની અલગ-અલગ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે લાંબા સમયથી સક્રિયપણે સંકળાયેલા છે. ખાસ કરીને સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓની હૃદયસમી સંસ્થા 'સૌરાષ્ટ્ર પટેલ સમાજ' સાથે તેઓ વર્ષોથી ગાઢ રીતે જોડાયેલા છે અને અનેક સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ ઊભી થયેલી કડવાશને ઓગાળવામાં અને ભાજપ માટે સામાજિક સંતુલન જાળવવામાં તેમની આ પૃષ્ઠભૂમિ પક્ષ માટે આગામી સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વહીવટી કુશળતા પર ફરી ભરોસો, રાજન પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન
વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને મૂળ સુરતી ચહેરો એવા રાજન બકુલ પટેલ પર ભાજપે ફરી એકવાર સૌથી મહત્વની એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી ઉતારી છે. સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના બજેટ અને વિકાસકામોની મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીની ભૂમિકા મુખ્ય હોય છે. રાજન પટેલની ભૂતકાળની વહીવટી કુશળતા, ફાઈલોના નિકાલની ઝડપ અને ક્લીન ઈમેજને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા ફરી એકવાર તેમના ખભા પર આ મોટી જવાબદારી મૂકવામાં આવી છે. મૂળ સુરતી લોબીમાં પણ આ નિર્ણયથી સંતોષ જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકની નવી ટીમ
નવી ટીમમાં ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 27ના મરાઠી સમાજના અગ્રણી સુધાકર ચૌધરીની વરણી કરવામાં આવી છે, જે સુરતમાં વસતા વિશાળ મરાઠી સમુદાયને સાધવાનો પ્રયાસ છે. આ ઉપરાંત, સભા ગૃહમાં ભાજપનો પક્ષ મજબૂત રાખવા માટે શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 11 ના જૈન સમાજના મહિલા કોર્પોરેટર અલ્પાબેન મહેતાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સભ્યોમાં શિસ્ત જાળવવાની મુખ્ય જવાબદારી એટલે કે દંડક તરીકે વોર્ડ નંબર 23 ના ઉત્તર ભારતીય ચહેરા ઉર્મિલા ત્રિપાઠીની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવી ટીમ આગામી અઢી વર્ષ સુધી સુરતના વિકાસની ધૂરા સંભાળશે.
Read Original Article →