'ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા':'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતીઓ વિશ્વ સ્તરે ડંકો વગાડનારા છે', સુરત ભાજપ પ્રમુખનો પ્રહાર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને સુરતમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલે ખડગેના શબ્દોને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ માનસિકતા ગુજરાત વિરોધી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા તેમને જડબાતોડ જવાબ આપશે. ગુજરાતીઓને 'અભણ' કહેવા તે ખડગેની મૂર્ખતા:પરેશ પટેલ
સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેજીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે તેમની મૂર્ખતા દર્શાવે છે. સાડા છ કરોડ ગુજરાતીઓ જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કરોડો ગુજરાતીઓ આનો વિરોધ કરશે. તેમણે ઉમેર્યું કે, "જે ગુજરાતીઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ કરી રહ્યા છે, તેમને અભણ કે મૂર્ખ કહેવા તે અતિશયોક્તિ છે. ખડગેએ સમજવું જોઈએ કે ગુજરાતીઓની બુદ્ધિશક્તિનો લોખંડ આજે આખું વિશ્વ માની રહ્યું છે." 'ગાંધી, સરદાર અને મોદીની ભૂમિનું અપમાન સહન નહીં થાય'
પરેશ પટેલે ઈતિહાસ અને વર્તમાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે, જેમણે ભારતને આઝાદી અને એકતા અપાવી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ આ જ માટીમાંથી આવે છે. જ્યારે નરેન્દ્ર મોદીને આખું વિશ્વ 'વિશ્વગુરુ' તરીકે સ્વીકારી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા આવા હીન કક્ષાના શબ્દો વાપરવા તે અત્યંત નિંદનીય છે. ગુજરાતીઓ ક્યારેય પોતાના નેતાઓ અને પોતાની ઓળખનું અપમાન સહન કરતા નથી. 'કોંગ્રેસને ગુજરાતીઓ સાથે શું વાંધો છે?'
ભાજપ પ્રમુખે કોંગ્રેસની મનશા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મને એ સમજાતું નથી કે કોંગ્રેસને હંમેશા ગુજરાતીઓ સામે વાંધો શું છે? શા માટે તેઓ વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરે છે?. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. આજે એ જ પ્રતિમા તાજમહેલ કરતા પણ વધુ પ્રવાસીઓને આકર્ષી રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધારી રહી છે. કોંગ્રેસ હંમેશા ગુજરાતના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે. 'દેશની જીડીપીમાં 8% ફાળો આપનાર ગુજરાતની તાકાત'
ગુજરાતના આર્થિક યોગદાન વિશે વાત કરતા પરેશ પટેલે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાતનો 8 ટકા જેટલો જીડીપી ફાળો છે. પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર છે. જે રાજ્ય દેશને આર્થિક રીતે મજબૂત કરી રહ્યું હોય, તેના વિશે આવા નિવેદનો આપવા તે કોંગ્રેસની હતાશા દર્શાવે છે. ગુજરાતીઓ મહેનતુ છે અને પોતાની બુદ્ધિથી શૂન્યમાંથી સર્જન કરનારા છે, તેમને અભણ કહેવા તે વાસ્તવિકતાથી મોં ફેરવવા જેવું છે. ખડગે માફી માંગે તેવી ભાજપની માંગ
સુરત ભાજપ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. પરેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનશે. ભાજપ આ મુદ્દાને દરેક ઘર સુધી લઈ જશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાને ખુલ્લી પાડશે. ચૂંટણી ટાણે જ કોંગ્રેસે પગ પર કુહાડો માર્યો!
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખનું આ નિવેદન ભાજપ માટે મોટું હથિયાર બની ગયું છે. ભાજપ આને 'ગુજરાતી અસ્મિતા'નો મુદ્દો બનાવીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. પરેશ પટેલના નેતૃત્વમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હોય તેમ જણાય છે.
Read Original Article →