NRIની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી પોણા છ કરોડ પડાવ્યા:મહિલા સહિત ચાર બેંકકર્મીઓએ બોગસ ખાતા ખોલી આપ્યા, અજાણ વ્યકિતના નામે સીમકાર્ડ ઈસ્યૂ કર્યા

Gujarat5/19/2026, 12:07:03 PM
NRIની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી પોણા છ કરોડ પડાવ્યા:મહિલા સહિત ચાર બેંકકર્મીઓએ બોગસ ખાતા ખોલી આપ્યા, અજાણ વ્યકિતના નામે સીમકાર્ડ ઈસ્યૂ કર્યા
સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠોર ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા અને ખરીદનાર સાથે છેતરપિંડી આચરવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. કઠોર ગામના બ્લોક નંબર 479, 480 અને 481 વાળી જમીનના મૂળ ખેડૂત માલિકો સલીમભાઈ ઈબ્રાહીમ ઈસ્માઈલ અહમદ સીદાત, ફરીદાબીબી અને ખતીજાબેન હાલ કેનેડા સ્થિત છે. તેઓ ભારતમાં હાજર ન હોવા છતાં મોટા વરાછાના જમીન દલાલ રવિકુમાર મધુભાઇ કોલડીયાએ આ તમામ માલિકો ભારતમાં જ હોવાનું દર્શાવી, તેમની ખોટી સહીઓ કરી નોટરી કરારવાળી સોદાચિઠ્ઠી બનાવી લીધી હતી. આ સોદાચિઠ્ઠીના આધારે તેણે ફરિયાદી પિયુષકુમાર ધનજીભાઈ સાસપરાને જમીન વેચાણથી આપવાનો ભરોસો આપી કુલ રૂ. 5,75,51,321/- પડાવી લીધા હતા. કમિશનની લાલચે યસ બેંક અને IDBIના કર્મચારીઓ બન્યા સાથીદાર આ સમગ્ર છેતરપિંડીના ખેલમાં સૌથી ચોંકાવનારી ભૂમિકા ખાનગી બેંકોના કર્મચારીઓની રહી છે. જમીન દલાલ રવિ કોલડીયાએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે જમીન માલિકોના નામના જ બેંક ખાતા બતાવવા જરૂરી હતા. આ માટે તેણે યસ બેંકની અંકલેશ્વર શાખાના સેલ્સ ઓફિસર સંદીપકુમાર પીલુદરીયા, આઝાદખાન પઠાણ અને રિલેશનશિપ મેનેજર શિવાની સામંતભાઇ પટેલનો સંપર્ક કર્યો હતો. આ બેંક કર્મચારીઓએ જમીન માલિકો કેનેડામાં હોવાની અને તેમની હાજરી ન હોવાની પુરેપુરી જાણ હોવા છતાં, માત્ર પોતાના ટાર્ગેટ અને કમિશનની લાલચે બોગસ આઇડી અને દસ્તાવેજોના આધારે ત્રણેય માલિકોના નામે ફેક 'મ્યુલ એકાઉન્ટ' ખોલી આપ્યા હતા. કરોડો રૂપિયા ટુકડે ટુકડે ઉપાડી લેવાયા ફરિયાદી પિયુષકુમારે જમીન ખરીદવા માટે રૂ. 4,81 કરોડ બેંક મારફતે અને રૂ. 94 લાખ રોકડા મળીને કુલ 5.75 કરોડથી વધુની રકમ ચૂકવી હતી. આરોપી રવિ કોલડીયાએ ફરિયાદી પાસેથી મેળવેલા ચેકો યસ બેંકના આ બોગસ ખાતાઓમાં જમા કરાવ્યા હતા. તેમાંથી રૂ. 2,80 કરોડ જેટલી રકમ ટુકડે-ટુકડે ઉપાડી લેવામાં આવી હતી. ત્યારબાદ બાકીની રકમ રૂ. 2,95 કરોડ ટ્રાન્સફર કરવા માટે આઇ.ડી.બી.આઇ. બેંક (IDBI), ઘોડદોડ રોડ, સુરતના બ્રાંચ ડેવલોપમેન્ટ એક્ઝીક્યુટીવ ઓફિસર યાજ્ઞિક રમેશભાઇ વઘાસિયાની મદદ લેવાઈ હતી. યાજ્ઞિકે પણ બોગસ દસ્તાવેજોના આધારે બીજા બે ફેક એકાઉન્ટ ખોલી આપ્યા હતા, જેમાં યસ બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કરી આખરે તમામ રકમ હડપ કરી લેવામાં આવી હતી. ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ આપનાર વોડાફોન ડિસ્ટ્રિબ્યુટર પકડાયો કોઈપણ બેંક ખાતું ખોલાવવા માટે લિંક કરેલો મોબાઈલ નંબર અનિવાર્ય હોય છે. સુરત ઇકોસેલે જ્યારે આ બોગસ એકાઉન્ટ્સમાં નોંધાયેલા મોબાઈલ નંબરોની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ નંબરો અન્ય નિર્દોષ ગ્રાહકોના નામે ચાલી રહ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કામરેજ ખાતે વોડાફોન-આઇડિયા સીમકાર્ડની ડિસ્ટ્રિબ્યુટર એજન્સી ચલાવતા સંજયભાઇ છગનભાઇ ધંધુકીયા (પ્રજાપતી) એ મુખ્ય સૂત્રધાર રવિ કોલડીયા સાથે મળીને અન્ય ગ્રાહકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બોગસ સીમકાર્ડ ઇસ્યુ કર્યા હતા. આ સીમકાર્ડનો ઉપયોગ બેંક ખાતા ખોલાવવા અને તેના ઓટીપી (OTP) મેળવવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતની મિટિંગ બાદ મોટી સ્ટ્રાઇક સુરત શહેરમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને આર્થિક ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત દ્વારા તાજેતરમાં જ ટેલિકોમ કંપનીઓના પ્રતિનિધિઓ અને વિવિધ બેંકોના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુલ એકાઉન્ટ (બીજાના નામે ખોલાતા ડમી ખાતા) અને બોગસ સીમકાર્ડ વિરુદ્ધ કડક પગલાં લેવાની સૂચના અપાઈ હતી. આ મિટિંગ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ સુરત ઇકોસેલ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) એ ઓપરેશન હાથ ધરીને આ આંતર-જિલ્લા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા પાંચેય આરોપીઓની કુંડળી અને પ્રોફાઇલ સુરત ઇકોસેલ દ્વારા આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરીને નીચે મુજબના 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે: આ સમગ્ર કૌભાંડ અંગે સુરત શહેરના એડિશનલ પોલીસ કમિશનર કરણરાજસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સુરત ઇકોસેલ આર્થિક ગુનાઓ પર ઝીણવટભરી નજર રાખી રહી છે. જમીન છેતરપિંડીના આ કેસમાં આરોપી રવિ કોલડીયાએ કેનેડા રહેતા મૂળ માલિકોની ગેરહાજરીનો ફાયદો ઉઠાવ્યો હતો. ફરિયાદીને વિશ્વાસ અપાવવા બેંક કર્મચારીઓની મિલીભગતથી ફેક આઇડી અને સિમકાર્ડ દ્વારા ડમી એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા જ રૂ. 4.81 કરોડ ટ્રાન્સફર કરીને રકમ હડપ કરાઈ હતી. બેંકના 4 તત્કાલીન કર્મચારીઓ અને 1 સીમકાર્ડ ડિસ્ટ્રિબ્યુટર સહિત 5 ની ધરપકડ કરાઈ છે." સુરત ઇકોસેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ મુખ્યત્વે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ બેંક કર્મચારીઓએ ભૂતકાળમાં અન્ય કેટલા ગુનેગારોને આવા 'મ્યુલ એકાઉન્ટ' ખોલી આપ્યા છે? આ ઉપરાંત ટેલિકોમ ડિસ્ટ્રિબ્યુટર સંજય ધંધુકીયાએ ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને બીજા કેટલા બોગસ સીમકાર્ડ માર્કેટમાં વેચ્યા છે તેની પણ તપાસ કરાશે. આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક જમીન દલાલો સંડોવાયેલા છે કે કેમ તે અંગે રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની સંભાવના છે.
Read Original Article →