સુરતમાંથી 84 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા:ટ્રેન, ફ્લાઈટ તો કોઈ બાય રોડ સુરત આવ્યા, મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગમાં ફસાઈ હોવાની આશંકા; 1 અઠવાડિયામાં ડિપોર્ટ કરાશે
સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીય અને શંકાસ્પદ વિદેશી નાગરિકોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા વહેલી સવાર સુધી એક મોટું સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને સ્થાનિક પોલીસની ટીમોએ વિવિધ સંવેદનશીલ અને શ્રમિક વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કરીને 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કર્યા હતા, જેમાંથી પ્રાથમિક તપાસ અને ડેટા વેરિફિકેશનના અંતે 84 બાંગ્લાદેશી નાગરિકો હોવાનું કન્ફર્મ થયું છે. પશ્ચિમ બંગાળ સરહદના એજન્ટોના માધ્યમથી નકલી દસ્તાવેજો બનાવી, ફ્લાઇટ, ટ્રેન અને રોડ માર્ગે સુરત સુધી પહોંચાડવાના આ આંતરરાજ્ય નેટવર્ક, માનવ તસ્કરીની આશંકા અને નાણાકીય વ્યવહારોની પોલીસ અત્યારે ઊંડી તપાસ કરી રહી છે. સંયુક્ત સર્ચ ઓપરેશન અને સામૂહિક અટકાયત
સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ડીસીપીએસ (DCPs), જોઈન્ટ સેક્ટર અને એડિશનલ સેક્ટર્સ કક્ષાના અધિકારીઓની આગેવાનીમાં ભેસ્તાન, ઉધના, પાંડેસરા, પુણા, રાંદેર, અમરોલી, સચિન, અઠવા, કોસાડ અને ચોકબજાર જેવા વિસ્તારોમાં વહેલી સવાર સુધી સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં પણ આ વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ચૂક્યા હોવાથી આ વિસ્તારોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે આ ડ્રાઇવ દરમિયાન કુલ 261 શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા હતા. આકરી પૂછપરછ અને પ્રાથમિક તપાસ બાદ તેમાંથી 84 વ્યક્તિઓ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાબિત થયું છે. જેમાં 34 પુરૂષો, 29 મહિલાઓ અને 21 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીના 160 લોકોના દસ્તાવેજો અને નિવેદનોની ક્રોસ-વેરિફિકેશનની કામગીરી હજુ અલગ-અલગ ટીમો દ્વારા ચાલુ રાખવામાં આવી છે, જેથી તેમના ભારતમાં પ્રવેશવાના વાસ્તવિક હેતુ સુધી પહોંચી શકાય. ઘૂસણખોરીની મોડસ ઓપરેન્ડી અને આંતરરાષ્ટ્રીય કનેક્શન
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઘૂસણખોરીના આખા નેટવર્કની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. શંકાસ્પદ ઘૂસણખોરો ભારતમાં પ્રવેશવા માટે મુખ્યત્વે પશ્ચિમ બંગાળ સરહદનો ઉપયોગ કરતા હતા. સરહદ ઓળંગીને આવ્યા બાદ ત્યાં સક્રિય એજન્ટોની ટોળકી આ લોકો માટે નકલી (ફેક) ભારતીય દસ્તાવેજો તૈયાર કરી આપતી હતી. કોઈ મોટી સુરક્ષા એજન્સીની નજરમાં એકસાથે ન આવી શકાય તે માટે એજન્ટો આ ઘૂસણખોરોને નાની-નાની ટુકડીઓમાં વહેંચી દેતા હતા. ત્યારબાદ કેટલાક લોકોને બાય રોડ, ઘણા ખરાને બાય ટ્રેન અને આશ્ચર્યજનક રીતે આર્થિક રીતે સક્ષમ લોકોને સીધા વાયા વાયા ફ્લાઇટ (પ્લેન) મારફતે સુરત જેવા ઔદ્યોગિક શહેરોમાં મોકલવામાં આવતા હતા. ડમી દસ્તાવેજો, ટેકનોલોજી અને હ્યુમન ટ્રાફિકિંગની તપાસ
પોલીસ હાલ પકડાયેલા ઘૂસણખોરો પાસેથી મળેલા શંકાસ્પદ દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, રેશનકાર્ડ, અન્ય ઓળખ પત્રો તેમજ તેમના મોબાઈલ નંબર્સ અને કૉલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) ની ભારત સરકાર તથા રાજ્ય સરકારની સત્તાવાર ડિજિટલ સિસ્ટમ સાથે ક્રોસ ચેક કરીને બારીકાઈથી તપાસ કરી રહી છે. આ ડમી દસ્તાવેજો બનાવવામાં સ્થાનિક સ્તરે કોણે મદદ કરી છે તેની પણ તપાસ થઈ રહી છે. પકડાયેલી મહિલાઓમાંથી ઘણી મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી)ના નેટવર્કમાં સંડોવાયેલી હોવાની આશંકા સેવાય રહી છે. આ લોકો ખોટા નામ-સરનામા લખાવીને પોતાની સાચી ઓળખ છુપાવતા હોવાથી, તેઓ અગાઉ ભારતના કોઈ રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતા કે નહીં તે જાણવા માટે નેફીસ (NAFIS - નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) ટેકનોલોજીની મદદથી તેમના ફિંગર પ્રિન્ટ મેચ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન અને હવાલા નેટવર્કની તપાસ
આ સમગ્ર નેટવર્કના આર્થિક પાસાની પણ કડક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ આ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના બેંક એકાઉન્ટ્સ અને બેંકિંગ ડિટેલ્સ ચકાસી રહી છે કે તેઓ બેંકમાં પૈસા ક્યાંથી લાવતા હતા, કોના ખાતામાં ટ્રાન્સફર કરતા હતા અને બાંગ્લાદેશમાં નાણાં મોકલવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરતા હતા. આ મની ટ્રેલની તપાસથી ગેરકાયદેસર નાણાકીય હેરાફેરી (હવાલા નેટવર્ક)નો પર્દાફાશ થવાની પૂરેપૂરી સંભાવના છે. કેન્દ્રીય એજન્સીઓ સાથે જોઈન્ટ ઇન્ટ્રોગેશન અને ડિપોર્ટેશન
કાયદાકીય નિયમો અનુસાર આ પ્રકારના કિસ્સાઓમાં સંયુક્ત પૂછપરછ (જોઈન્ટ ઇન્ટ્રોગેશન) ફરજિયાત હોવાથી હાલ સ્પેશિયલ બ્રાન્ચ અને લોકલ પોલીસની સાથે સેન્ટ્રલ આઈબી (IB) સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પૂછપરછની વિધિ પૂર્ણ કરશે. આગામી 1 અઠવાડિયામાં આ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂરી કરીને કન્ફર્મ થયેલા બાંગ્લાદેશી નાગરિકોને નિયમાનુસાર દેશમાંથી ડિપોર્ટ (સ્વદેશ પરત) કરવાની કામગીરી હાથ ધરાશે. સુરતમાં કોઈ ગેરકાયદેસર તત્વ આશ્રય ન મેળવી શકે તે માટે આગામી દિવસોમાં પણ આ સ્પેશિયલ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે.
Read Original Article →