ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેગ માત્ર નામનું રહી ગયું:સુરત-બેંગકોક ફ્લાઈટ 1 જુલાઈથી બંધ, હવે માત્ર બે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, ત્રણ ફ્લાઇટ બંધ થતાં મુસાફરોમાં રોષ

Gujarat4/6/2026, 4:50:16 AM
ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટેગ માત્ર નામનું રહી ગયું:સુરત-બેંગકોક ફ્લાઈટ 1 જુલાઈથી બંધ, હવે માત્ર બે જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, ત્રણ ફ્લાઇટ બંધ થતાં મુસાફરોમાં રોષ
સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ એક ઝટકો લાગવાની તૈયારી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે 1 જુલાઈ, 2026થી સુરત-બેંગકોક સેક્ટર પર ફ્લાઇટ્સ માટે બુકિંગ બંધ કરી દીધું છે. રૂટ નફાકારક ન હોવાથી આ નિર્ણય લેવાયું હોવાની વાત છે. આ નિર્ણયને પગલે મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટથી કુલ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જે પૈકી ત્રણ બંધ કરી દેવામાં આવી છે. સુરત બેંગકોકની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સવારે 10.50 વાગ્યે સુરતથી ઉપડતી હતી અને સાંજે 5.10 વાગ્યે બેંગકોક પહોંચતી હતી. હવે, બુકિંગ બંધ થતાં આ રૂટ પર ફ્લાઇટ્સ જુલાઈથી સંપૂર્ણપણે બંધ થઈ જશે. શિયાળાના સમયપત્રક દરમિયાન, અહીંથી કુલ પાંચ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું, જેમાં બેંગકોક, દુબઈ અને શારજાહની ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો. સુરતથી બેંગકોકની ફ્લાઈટ બંધ હવે 29 માર્ચથી 24 ઓક્ટોબર દરમિયાન લાગુ થયેલા ઉનાળાના સમયપત્રકમાં ફ્લાઇટની સંખ્યા ઘટાડીને ત્રણ કરાઈ હતી, બે દુબઈ અને એક બેંગકોકની ફ્લાઈટ. જોકે, બેંગકોકની ફ્લાઈટ બંધ કરવાના નિર્ણયને પગલે હવે જુલાઈથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી માત્ર બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઓપરેટ થશે. અગાઉ, 29 માર્ચથી શારજાહ ફ્લાઇટ્સ પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, જ્યારે દુબઈની એક વધારાની લાઇટન ફ્લાઇટને પણ સમયપત્રકમાંથી દૂર કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ બગડી શકેઃ સંજય જૈન વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈનએ જણાવ્યું કે, ટાટા ગ્રુપના એરલાઈનની ઇન્ડિયાને દૂર કરવામાં આવી, પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ધીમે ધીમે ઘટાડવામાં આવી. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, ગોવા અને શારજાહના રૂટ બંધ કરવામાં આવ્યા અને બેંગલુરુ અને દુબઈની ફ્રીક્વન્સીઝ ઘટાડવામાં આવી છે. આ સતત ફેરફારનો ભોગ મુસાફરો બની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો સુરતની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધુ બગડી શકે છે. ‘આ સુરત સાથે સ્પષ્ટ અન્યાય’ દેશના નવમા સૌથી મોટા શહેર સુરત સાથે હવાઈ સેવાઓના મામલે જે વર્તન થઈ રહ્યું છે, તેને હવે “અવગણના” કહેવાથી પણ વાત પૂર્ણ થતી નથી, આ સ્પષ્ટ અન્યાય છે. તાજેતરમાં Air Indiaએ 15 મે, 2026થી દિલ્હી–લુધિયાણા વચ્ચે નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં એરબસ A320 વિમાનનો ઉપયોગ થશે. સવાલ સીધો છે દેશના ટોપ 10 શહેરમાં સ્થાન ધરાવતું સુરત હજુ પણ તેમની પ્રાથમિકતામાં કેમ નથી? શું સુરત ભારતનો ભાગ નથી? ‘આ નિર્ણયોમાં કોઈ લોજિક જ નથી’ ખાસ વાત એ છે કે, લુધિયાણા જેવી સિટી, જેના વસ્તી આંકડા માત્ર 20-25 લાખ આસપાસ છે, ત્યાં નવી ફ્લાઈટ શરૂ થાય છે, જ્યારે સુરત જેવી લગભગ 90 લાખ વસ્તી ધરાવતી મેગાસિટી આજે પણ અવગણાઈ રહી છે. તો શું Air Indiaને એવું ભ્રમ છે કે, 25 લાખની સિટી 90 લાખની સિટી કરતા વધુ નફાકારક છે? કે પછી આ નિર્ણયોમાં કોઈ લોજિક જ નથી? વાસ્તવિકતા એ છે કે, થોડા વર્ષો પહેલાં Air Indiaએ સુરતને સાવ સાઈડલાઇન કરી દીધું અને તેની તમામ ફ્લાઈટ્સ પોતાની સબસિડિયરી Air India Expressને સોંપી દીધી. આ પગલું એ સ્પષ્ટ સંકેત આપે છે કે સુરતને “બજેટ ક્લાસ શહેર” તરીકે ગણવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરતથી માત્ર દિલ્હી અને બેંગલુરુ માટે મર્યાદિત ફ્લાઈટ્સ ચલાવે છે, એ પણ શહેરની વાસ્તવિક જરૂરિયાતોની સામે નગણ્ય છે. ‘ઘણી ફ્લાઈટ્સ 90 ટકા ભરેલી ઉડી રહી છે’ બીજી તરફ, દેશની સૌથી મોટી એરલાઇન્સ IndiGo સુરતથી સૌથી વધુ ફ્લાઈટ્સ ચલાવી રહી છે અને તેની ઘણી ફ્લાઈટ્સ 90 ટકા લોડ સાથે ભરીને ઉડી રહી છે. સુરત એરપોર્ટ પર દર મહિને સરેરાશ 85 ટકા ઓક્કુપન્સી નોંધાય છે, આંકડા ચીસો પાડી ને કહી રહ્યા છે કે માગ છે, મુસાફરો છે, અને વિકાસની તકો છે. તો પછી પ્રશ્ન વધુ ગંભીર બને છે, આટલો મજબૂત અને સતત ટ્રાફિક આપતા સુરત પ્રત્યે Air India અથવા તેનું મેનેજમેન્ટ શું સૂગ ધરાવે છે? ‘હવાઈ જોડાણના મામલે શહેરને પાછળ ધકેલવામાં આવી રહ્યું છે’ જ્યારે દેશના અનેક શહેરોમાં Air India અને Air India Express બંનેની ફ્લાઈટ્સ સાથે-સાથે ઓપરેટ થાય છે, ત્યારે સુરત માટે આ મોડલ કેમ લાગુ પડતું નથી? સુરત કરતા નાના શહેરોમાં પણ એર ઇન્ડિયા નિયમિત સેવા આપે છે, તો પછી સુરતનું નામ આવતાં શું ઊપડે છે? શું આ ખુલ્લી ભેદભાવની નીતિ નથી? સુરત આજે દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાંથી એક છે. હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને આંતરરાષ્ટ્રીય વેપાર સુધી, સુરતનું મહત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે. છતાં હવાઈ જોડાણના મામલે શહેરને પાછળ ધકેલવામાં આવી રહ્યું છે, આ હવે સહન શક્તિની બહાર છે . એરલાઇન્સ સામે મજબૂત વલણ અપનાવવામાં નહીં આવે, તો સુરતને તેનું યોગ્ય સ્થાન ક્યારેય નહીં મળે. વિકાસના મોટા મોટા દાવા ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે શહેરને તેની જરૂરી સુવિધાઓ મળે, નહીંતર આ બધું માત્ર ખાલી શબ્દો જ રહેશે.
Read Original Article →