સુરત એરપોર્ટ પર આર્મીના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ:4 જવાનો સુરક્ષિત, આકાશમાં જ ટેકનિકલ ખામી સર્જાઈ; ઉતરાણ બાદ એન્જિનિયરોની ટીમે તપાસ શરૂ કરી
સુરત એરપોર્ટ પર ગુરુવારે બપોરના સમયે ભારે દોડધામ મચી ગઈ હતી. ભારતીય સેનાના એક હેલિકોપ્ટરને અચાનક ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સેનાનું IA-1165 હેલિકોપ્ટર વડોદરા એરફોર્સ સ્ટેશનથી નાસિક જવા માટે રવાના થયું હતું. આ હેલિકોપ્ટરમાં આર્મીના ચાર જવાનો સવાર હતા. ઉડાન દરમિયાન અચાનક કોઈ યાંત્રિક ખામી સામે આવતા પાયલટે અત્યંત સૂઝબૂઝ અને સમયસૂચકતા દાખવીને સુરત એરપોર્ટ પર સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બપોરે 3:21 વાગ્યે ઉડાન ભરી હતી
મળતી માહિતી મુજબ, આ હેલિકોપ્ટરે બપોરે આશરે 3:21 વાગ્યે ઉડાન ભરી હતી. જોકે, ટેકઓફ થયાના થોડા જ સમય બાદ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી હોવાના સંકેતો (સિગ્નલ) મળ્યા હતા. પાયલટે આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને તાત્કાલિક જાણ કરી હતી. મેસેજ મળતાની સાથે જ સુરત એરપોર્ટ પ્રશાસન, CISF અને અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી અને એરપોર્ટને હાઈ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરના સુરક્ષિત લેન્ડિંગ માટે રનવે પર તમામ જરૂરી આપત્તિજનક તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં સવાર ચારેય આર્મી જવાન સુરક્ષિત
સુરત એરપોર્ટના રનવે પર તમામ એજન્સીઓની આકરી સજ્જતા વચ્ચે થોડી જ વારમાં સેનાના આ હેલિકોપ્ટરનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું.આ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. હેલિકોપ્ટરમાં સવાર ચારેય આર્મી ઓફિસર્સ અને જવાનો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરના સેફ લેન્ડિંગ બાદ એરપોર્ટ તંત્ર અને સુરક્ષાકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ટેકનિકલ એન્જિનિયરોની ટીમે તપાસ શરૂ કરી
ઈમરજન્સી લેન્ડિંગની આ ઘટના બાદ તુરંત જ ટેકનિકલ નિષ્ણાતો અને એન્જિનિયરોની ટીમે હેલિકોપ્ટરનું બારીકાઈથી નિરીક્ષણ શરૂ કરી દીધું છે. પ્રાથમિક તપાસમાં માત્ર ટેકનિકલ ખામી જ ઇમરજન્સી લેન્ડિંગનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હેલિકોપ્ટરની અંદર કયા સ્પેરપાર્ટ કે સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, તેનો ચોક્કસ ખુલાસો આખી વિગતવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. અન્ય ફ્લાઇટોના શિડ્યુલ પર કોઈ અસર નહીં
એરપોર્ટના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સમગ્ર ઘટના દરમિયાન ભારતીય સેનાના અધિકારીઓ અને સુરત એરપોર્ટ પ્રશાસન વચ્ચે સતત અને યોગ્ય સંકલન જળવાઈ રહ્યું હતું, જેના કારણે આખી પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે પૂરી થઈ શકી હતી. આ ઈમરજન્સી લેન્ડિંગના કારણે થોડા સમય માટે સુરત એરપોર્ટ પર VIP હલચલ અને સુરક્ષા ગતિવિધિઓ ચોક્કસ વધી ગઈ હતી, પરંતુ એરપોર્ટ પરથી ઓપરેટ થતી અન્ય કોઈ પણ કોમર્શિયલ ફ્લાઈટના સંચાલન પર તેની કોઈ મોટી અસર પડી નથી.
Read Original Article →