સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી:રન-વે પર ઈન્ડિગોની ફ્લાઇટ સાથે શિયાળ અથડાયું, જોરદાર ઝાટકાથી 150 પેસેન્જરોના જીવ અધ્ધર થયા

Gujarat4/12/2026, 5:31:33 PM
સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી:રન-વે પર ઈન્ડિગોની ફ્લાઇટ સાથે શિયાળ અથડાયું, જોરદાર ઝાટકાથી 150 પેસેન્જરોના જીવ અધ્ધર થયા
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. હૈદરાબાદથી સુરત આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ જ્યારે રન-વે પર ઉતરાણ કરી રહી હતી ત્યારે અચાનક એક શિયાળ વિમાન સાથે અથડાયું હતું. લેન્ડિંગની ગતિ દરમિયાન થયેલી આ ટક્કરથી પ્લેનમાં જોરદાર ઝાટકો અનુભવાયો હતો, જેના કારણે ફ્લાઇટમાં સવાર 150થી વધુ પેસેન્જરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, પાયલોટની સમયસૂચકતા અને કુશળતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે એપ્રન સુધી લાવી શકાયું હતું. બુધવારની સવારે હૈદરાબાદથી સુરત પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઇટ તેના નિર્ધારિત સમયે લેન્ડિંગ કરી રહી હતી. ફ્લાઇટના ટાયર રન-વેને સ્પર્શ્યા, તે જ સમયે રન-વે પર દોડી આવેલા એક શિયાળ સાથે વિમાનની ટક્કર થઈ હતી. વિમાન તે સમયે હાઈ સ્પીડમાં હોવાથી મુસાફરોને એકાએક જોરદાર ધ્રુજારી અને અવાજ સંભળાયો હતો. પ્લેનમાં બેઠેલા લોકોમાં ક્ષણભર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ પાયલોટે પરિસ્થિતિ પર કાબૂ મેળવી પ્લેનને સ્થિર કર્યું અને તમામ મુસાફરોને હેમખેમ નીચે ઉતાર્યા હતા. એન્જિનિયર્સ દ્વારા સઘન ચેકિંગ અને રિપોર્ટ આ ઘટના બાદ તરત જ એરપોર્ટના ટેકનિકલ એન્જિનિયર્સની ટીમ એક્શનમાં આવી હતી. વિમાનના એન્જિન અને બોડીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં વિમાનના એન્જિન કે મુખ્ય બોડીને કોઈ ગંભીર નુકસાન થયું ન હોવાનું સામે આવ્યું છે, જે મોટી રાહતની વાત છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી. એરપોર્ટ ઓથોરિટીએ પુષ્ટિ કરી છે કે પ્લેન હવે ટેકનિકલ રીતે ઓપરેશન માટે સંપૂર્ણ સુરક્ષિત છે. સિક્યુરિટી વોલ હોવા છતાં વન્યજીવની એન્ટ્રીથી સવાલો સુરત એરપોર્ટ પર અત્યંત મજબૂત અને હાઈ-સિક્યુરિટી પેરીમીટર વોલ (કમ્પાઉન્ડ વોલ) હોવા છતાં શિયાળ જેવા વન્યજીવો રન-વે સુધી કેવી રીતે પહોંચ્યા, તે એક મોટો સુરક્ષા પ્રશ્ન બની ગયો છે. એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શું દીવાલમાં ક્યાંક ગાબડું છે કે નીચેથી ખોદાણ કરીને પ્રાણીઓ અંદર પ્રવેશ્યા છે, તે જાણવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા સમગ્ર પેરીમીટરનું ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા ઓપરેશન અને પીંજરાની ગોઠવણ રન-વે પર શિયાળ દેખાતા જ એરપોર્ટ ઓપરેશનલ એરિયામાં અન્ય વન્યજીવો હોવાની આશંકા પ્રબળ બની છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વન વિભાગ (Forest Department) ની મદદ લેવામાં આવી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એરપોર્ટ પરિસરમાં તાત્કાલિક ધોરણે અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે. વન વિભાગ અને એરપોર્ટ સિક્યુરિટી સ્ટાફ દ્વારા રાત્રિના સમયે પણ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને.
Read Original Article →