અડાજણ-ગોરાટમાં ગંદકીના સામ્રાજ્યથી રહીશો તોબા પોકારી ઊઠયા:આવાસના ગ્રાઉન્ડમાં દારૂની પોટલીઓનો ખડકલો; સ્થાનિકે કહ્યું, સુરતને સ્વચ્છતામાં ઝીરો નંબર આપવો જોઈએ
સુરત મહાનગરપાલિકા જ્યારે પણ રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતાના એવોર્ડ મેળવે છે, ત્યારે તેનો જશ શહેરના હજારો સફાઈ કામદારો અને વર્ગ-4ના કર્મચારીઓને જાય છે. મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે જ્યારે 'દિવ્ય ભાસ્કર'ની ટીમે વોર્ડ નંબર 11 (અડાજણ-ગોરાટ) ની મુલાકાત લીધી, ત્યારે સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી ગઈ હતી. પરંતુ આ 'સ્વચ્છતાના સૈનિકો' પોતે કેવા વાતાવરણમાં રહે છે, તેની વાસ્તવિકતા અત્યંત ભયાનક છે અડાજણ-ગોરાટ વિસ્તારમાં એસએમસીના વર્ગ-4 ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા આવાસની મુલાકાત લેતા જ ગંદકીના ગંજ નજરે પડે છે. આ એ જ કર્મચારીઓ છે જે સવારે ઉઠીને આખા સુરતને ચમકાવે છે, પરંતુ સાંજે જ્યારે તેઓ પોતાના ઘરે પરત ફરે છે, ત્યારે તેમને ગંદકી અને દુર્ગંધ વચ્ચે રાત વિતાવવી પડે છે. આવાસના ગ્રાઉન્ડ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળ્યા હતાં. સ્થાનિક પટેલ કીર્તિએ કહ્યું, સુરતને સ્વચ્છતામાં ઝીરો નંબર આપવો જોઈએ. ચારેકોર ગટરના પાણીમાં ખદબદતી જિંદગી
આવાસની સૌથી મોટી સમસ્યા ઉભરાતી ગટરોની છે. ગટરનું પાણી ચારેકોર ફેલાયેલું છે અને તેમાં મચ્છરો તેમજ જીવાત ખદબદતી જોવા મળી હતી. આ ગંદા પાણીને કારણે આખા વિસ્તારમાં એવી તીવ્ર દુર્ગંધ ફેલાયેલી છે કે ત્યાં થોડી મિનિટો ઉભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, અમે સફાઈ માટે રજૂઆત કરીએ છીએ, પણ અમારી વાત સાંભળનાર કોઈ નથી. ગટરના પાણીને કારણે નાના બાળકો વારંવાર બીમાર પડે છે. ઉંદરોના ત્રાસથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો
ગંદકી અને ગટરના પાણીને કારણે આ વિસ્તારમાં ઉંદરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે. અહીં ઉંદરો એટલી મોટી સંખ્યામાં અને કદમાં મોટા જોવા મળે છે કે આસપાસની સોસાયટીના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાના આ આવાસમાંથી ઉંદરો આસપાસની ખાનગી સોસાયટીઓમાં ઘૂસી રહ્યા છે અને ત્યાં નુકસાન પહોંચાડી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં મહામારીનો સામનો કરી ચૂકેલા લોકો માટે આ સ્થિતિ ફરી એકવાર ભયની ઘંટડી વગાડી રહી છે. આવાસના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી પોટલીઓનો ખડકલો
માત્ર ગંદકી જ નહીં, પણ આવાસના પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો જામ્યો હોય તેવું પ્રતીત થાય છે. આવાસના ગ્રાઉન્ડમાં દારૂની ખાલી પોટલીઓનો ખડકલો જોવા મળ્યો હતો. 'ગંદકીથી અમારે ઘર ખાલી કરવા પડે એવી હાલત'
સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા પટેલ કીર્તિએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સની એક્ઝેટ પાછળ મારી બારીમાંથી આ 10 વર્ષથી હું ગંદકી જોઉં છું. નથી એ લોકો SMC વાળા ગટર લાઈન રિપેર કરાવતા, નથી ત્યાં રહેનારા રિપેર કરાવતા અને આ ગંદકી અમે એટલી બધી સહન કરીએ છીએ કે અમને અમારે ઘર ખાલી કરવા પડે ને એવી હાલત થઈ જાય છે. 'પોતાનું બધું સેટિંગ થઈ ગયું હોય એટલે કોઈ આવતું નથી'
કીર્તિએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સમાં રહેનારા એમ્પ્લોઈ ઓછા છે, ભાડુઆત રહેનારા વધારે છે પણ કોઈ જ એનો ઉકેલ લાવતું નથી. હમણાં તો સુરતમાં મત ને નેતાઓની જરૂર જ ક્યાં છે? એમનેમ જ ઇલેક્શન જીતી લે છે એટલે જરૂર જ નથી ને એમને આમ પબ્લિકની પડી જ નથી. પોતાનું બધું સેટિંગ થઈ ગયેલું હોય છે એટલે અહીંયા કોઈ જોવા નથી આવતું કે નથી કોઈ રિપેર કરાવતું. ઉનાળો આવ્યો, ગંદકી, મચ્છર પડે, ગંધ આવે અને જે એની બદબૂ અને અહીંયા જે ગંદકી ફેલાય છે એનું શું? અને અહીંયા બધા પી પી ને રહે છે. 'ગટરો બધી ઉભરાઈ ગઈ, પાણીની પણ બહુ સમસ્યા છે'
સ્થાનિક જ્યોત્સનાબેન અરવિંદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમને જ્યારથી આ ક્વાર્ટર્સ મળ્યા છે, ક્વાર્ટર્સનું રિપેરિંગ થતું નથી અને અમને નોટિસ પર નોટિસ આપે છે. આ ગંદકી પણ એટલી થઈ ગઈ છે, ગટરો બધી ઉભરાઈ ગઈ છે. અમે કેટલી કમ્પ્લેન કરીએ છીએ છતાં પણ એ લોકો ગટરનો કોઈ નિકાલ લાવતા નથી અને પાણીની પણ બહુ સમસ્યા છે. 'બધા બારી બારણા તૂટ્યા છે, બાથરૂમના બધી પાઈપો તૂટી'
જ્યોત્સનાબેને વધુમાં કહ્યું કે, અમને નોટિસ આપીને મકાન ખાલી કરાવવાનું કહે છે, તો અમે માગ્યું છે કે અમારા 3500 રૂપિયા ભાડા કપાય છે તો અમને એ પ્રમાણે બીજે ટ્રાન્સફરમાં અમને ક્વાર્ટર્સ આપો. અમે ક્યાં જઈએ? અમે હાથના ખાલી, પગના ખાલી અમે ક્યાં જઈએ? કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી, બધા બારી બારણા તૂટી ગયા છે, બાથરૂમના બધી પાઈપો તૂટી ગઈ ક્યારે કોઈ સરખું કરવા અહીં આવ્યાં નથી. 'ખાલી ક્લીનિંગ કરી ફોટો શૂટ કરીને જતા રહે છે'
સનલાઇટ કોમ્પ્લેક્સમાં રહેતા મિતા શાહે જણાવ્યું હતું કે, પાછળ અહીંયા SMC આવાસ છે, અમને કોણ રહે છે એની સાથે કોઈ તકલીફ નથી. પણ જે મેઈન પ્રોબ્લેમ ગંદકીની છે. નોર્મલી બધાના ઘરમાં ડસ્ટબીન હોય તો એ લોકોના ઘરમાં નહીં હોય. એટલી બધી ગંદકી કચરું, પાણી, ગટર બધી સ્મેલ અમારે ત્યાં ઉપર આવે છે. અને સૌથી વધારે તકલીફ ચોમાસામાં પણ એટલી હાલત ખરાબ હોય છે. જેની કોઈ હદ નથી સાહેબ લોકો આવે છે, ખાલી ક્લીનિંગ કરી ફોટો શૂટ કરીને જાય છે. 'પરમેનેન્ટ સોલ્યુશન આટલા વર્ષથી થયું જ નથી'
મિતા શાહે કહ્યું કે, ઓનલાઇન કમ્પ્લેન કરવાની કહીએ તો એક દિવસની સફાઈ થાય છે પછી પાછું જ્યાં સુધી કમ્પ્લેન નહીં જાય ત્યાં સુધી એઝ ઈટ ઈઝ. એટલે અહીંયા સફાઈની, કોઈપણ ડિસિઝન લેવાની બહુ જ સખત જરૂર છે. અને રાતના એટલા ડોગ્સ હેરાન કરે છે, ઉપર કોઈ રહે છે જે ડોગ્સ અને કબૂતર પાળે છે એનો પણ એટલો જ ત્રાસ છે. 'વારે વારે કમ્પ્લેન કરવા છતાં કોઈ આવ્યું નથી'
સનલાઈટ કોમ્પ્લેક્સમાં રહેતા ગાયત્રી ધર્મેશકુમાર અધ્વર્યુએ જણાવ્યું હતું કે, SMC ક્વાટર્સમા બહુ જ ગંદકી છે. વારે વારે કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ જ આવ્યું નથી. SMCના ક્વાટર્સમાં શું છે કે એ લોકો રહેતા નથી જે પોતે માલિક, પણ ભાડે આપેલા એ લોકો રહે છે. અને એટલી બધી ગંદકી અને ચોમાસામાં તો એટલા બધા મચ્છર, અત્યારે આટલી ગરમીમાં પણ આટલા બધા મચ્છર છે. સનલાઈટના લોકો SMC ક્વોટર્સની પાછળ રહે છે, એ લોકાને એટલો બધો ત્રાસ છે ને કે ગંદકીથી એ લોકો સહન જ નહીં કરી શકતા. અને વારે વારે કમ્પ્લેન કરવા છતાં પણ એ લોકો કોઈ આવ્યું નથી. ગંદકીની સમસ્યાનો કોઈ ઉકેલ થયો જ નથી. અને એ સમસ્યાથી સનલાઈટમાં જે લોકો રહે છે ને એને બહુ તકલીફ થાય છે. મચ્છરનો તો બહુ ત્રાસ ગંદકી પણ ખૂબ જ છે. SMC ના જે ઓફિસર છે તે આવીને જોઈએ તો ખબર પડે જે માણસ સનલાઈટમા રહે છે તે લોકો કઈ રીતે રહી શકે છે. 'મત આપવાનો કોઈ મતલબ જ નથી'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી આવેને એ પ્રમાણે જો આ લોકો કામ કરો તો પછી અમને બધાને મત પણ આપવાની ખબર પડે કે ભાઈ અમારા કામો થાય છે. કામો જ નહી થાય તો પછી અમને એમ થાય કે મત આપવાનો કોઈ મતલબ જ નથી. SMC વાળા આવું કઈ કામ જ નથી કરતા તો પછી વોટિંગ પણ ઓછું થઈ જાય. જો કામ કરીને તમે બતાવોને તો પછી પબ્લિકને પણ એવું થાય કે ના ના કંઈ કામ થાય છે અને અમને પણ સુવિધા મળે છે. 'ગંદકી સાફ થાય ને તો જ અમે વોટિંગ કરીશું'
ગાયત્રીબેને કહ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ. સુરતમાં તો હાઇએસ્ટ ટેક્સ હોય છે. આખા ઓલ ઇન્ડિયામાં સુરત ટેક્સમાં ફર્સ્ટ નંબર છે. પણ છતાં પણ આ ટેક્સ ભરવા છતાં પણ આવો ગંદકી સહન કરવી પડે છે. તો જો હવે મતદાન કરવાનું હોય ને બધા પબ્લિક મત આપે તો અમારા સનલાઈટના લોકો તો એવું જ કહે છે કે ભાઈ જો આ ગંદકી સાફ થાય ને તો જ અમે વોટિંગ કરીશું. કોર્પોરેટર આવે તો પણ એ તો ખાલી મત વખતે જ આવતા હોય છે, બાકી તો અત્યારે તો કોઈ આવતું જ નથી.
Read Original Article →