35 દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ:સુરતમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ, અડાજણની પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત
રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે શૈક્ષણિક વર્ષ 2026-27નો આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોના દ્વાર ખૂલી ગયા છે. સવારથી જ રંગબેરંગી યુનિફોર્મ, ખભે દફતર અને ચહેરા પર અનોખા ઉત્સાહ સાથે બાળકો શાળા તરફ જતા નજરે પડ્યા હતા. છેલ્લા બે મહિનાથી સુમસામ બનેલા શાળાના પરિસરો અને વર્ગખંડો ફરી એકવાર માસૂમ બાળકોના કિલ્લોલ, હાસ્ય અને ગુંજનથી જીવંત બની ઉઠ્યા છે. સુરત શહેરમાં પણ તમામ શાળાઓ ધમધમતી થઈ ગઈ છે. હાલમાં સમગ્ર રાજ્ય સહિત સુરતમાં પણ ગરમીનો પારો ઊંચો છે અને કાળઝાળ ગરમીનો માહોલ છે. વેકેશન લંબાવવા અંગે અગાઉ ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ શિક્ષણ વિભાગ તરફથી કોઈ અન્ય નવી સૂચના ન મળતા પૂર્વનિર્ધારિત કેલેન્ડર મુજબ આજથી જ નવું સત્ર શરૂ કરી દેવાયું છે. વિદ્યાર્થીઓને પ્રવેશમાં કોઈ મુશ્કેલી ન પડે એવી વ્યવસ્થા ગોઠવાઈ
સુરતની શાળાઓમાં ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતી વખતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવી અને જૂની એડમિશન પ્રક્રિયામાં વેઈટિંગ કરાવ્યા વિના બાળકોને સીધા જ જે-તે ક્લાસરૂમમાં મોકલવામાં આવ્યા હતા. શાળાઓમાં પીવાના ઠંડા પાણી અને પંખાઓની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંચાલકો અગાઉથી જ સજ્જ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને તિલક કરીને અને અક્ષત લગાવીને પરંપરાગત સ્વાગત
નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસને યાદગાર બનાવવા માટે શાળાઓ દ્વારા અનોખી વેલકમ સેરેમનીનું આયોજન કરાયું હતું. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત પ્રેસિડેન્સી શાળામાં સવારથી જ ઉત્સવ જેવો માહોલ હતો. શાળાના મુખ્ય દ્વાર પર શિક્ષકો અને સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક કરીને અને અક્ષત લગાવીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારના હૂંફાળા સ્વાગતથી નાના બાળકો, જેઓ કદાચ પ્રથમવાર શાળાએ આવી રહ્યા હતા, તેમનો ડર દૂર થયો હતો અને તેઓ ખુશખુશાલ મુદ્રામાં વર્ગખંડ તરફ વળ્યા હતા. વેકેશન પછી આજે શાળાઓ ધમધમતી થઈ ગઈ
કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલે જણાવ્યું હતું કે, વિધિવત શાળાનો પ્રારંભ થઈ ગયો. ખૂબ લાંબા વેકેશન પછી આજે શાળાઓ ધમધમતી થઈ ગઈ છે. વેકેશન ખૂબ લાંબુ રહ્યું. કેટલીક અવઢવ હતી ગરમીને કારણે કે શાળાઓ ખૂલશે કે નહીં? ક્યારથી ખૂલશે? પણ એ બધી જ અવઢવનો અંત આવ્યો છે અને આજે શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થઈ ગયો. વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ખુશ હતા, ખૂબ આતુર હતા અને વેકેશનમાં એક સરખી પ્રવૃત્તિ પછી કંટાળ્યા હતા, કારણ કે મિત્રો શાળામાં મળે, શિક્ષકો સાથે વાત કરવા આતુર હોય, એટલે બાળકો તો આજે ખુશખુશાલ ખૂબ હાજરીમાં અહીં આવી ગયા છે. વેકેશનમાં પણ શાળાની યાદ આવતી હતી
વિદ્યાર્થીની દીક્ષી દર્શીએ જણાવ્યું હતું કે વેકેશનમાં તો ખૂબ જ મજા આવી અને હવે રેગ્યુલર સ્કૂલ ઓન થઈ ગઈ છે તો કમ્પ્લીટ ફોકસ એના પર જ રાખવાનો છે. બહુ મજા કરી લીધી, બધું કરી દીધું પણ હવે છે તો મેઈન ફોકસ સ્ટડીઝ પર જ, પછી આગળ બીજું પછી વિચારવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેકેશનમાં પણ શાળાની યાદ આવતી હતી રોજ સવારે ઉઠીએ એટલે એ જ યાદ આવે કે હમણાં આ ટાઈમે આ કરતા હતા, આ કરતા હતા. ખૂબ યાદ આવી. અને હવે જે ક્લાસમાં આપશે એ ક્લાસમાં અને ઘરે બંને વાર રીપીટ કરશું અને ફોકસ એક્ઝામ પર, શું આવી શકે? શું નહીં? કેવી રીતે સારું સ્કોર કરવું? એ બધા પર મેઈન ફોકસ રાખશું. રાહી ભંડારીએ જણાવ્યું હતું કે, આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે, તો અમે પાછું અમારા મેડમ જેવું કહે છે કે અ.. રૂટીનમાં લાગી જઈશું, સ્ટડી કરવાનું, રિવાઇઝ કરવાનું, રિકેપ કરવાનું વેકેશનમાં અમે ખૂબ એન્જોય કર્યું છે અને મેડમે અમને સ્કૂલ બોલાવ્યા હતા એટલે સ્ટડી પણ કર્યું છે, એટલે બધું એકદમ સારું જ થયું છે હવે અમે રૂટીનમાં વન વીકની અંદર મેનેજ કરી લઈશું, અમને ખબર છે, અમને અમારા મેડમ પર વિશ્વાસ છે
Read Original Article →