નાના વરાછામાં 181 અભયમની સફળતા:181 અભયમની એન્ટ્રીથી 11 વર્ષ જૂના લગ્નજીવનમાં ફરીથી પ્રેમની જ્યોત પ્રજ્વલિત થઈ
સુરતના નાના વરાછા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર મધ્યસ્થી કરીને એક હસતો-ખેલતો પરિવાર વિખેરાતા બચાવ્યો છે. 11 વર્ષથી સુખી લગ્નજીવન જીવતા આ દંપતીના સંબંધોમાં છેલ્લા 2 વર્ષથી તિરાડ પડી હતી. પતિના અન્ય સ્ત્રી સાથેના ગેરકાયદેસર સંબંધોના કારણે ઘરમાં રોજબરોજ કંકાસ થતો હતો, જેનાથી કંટાળીને પરિણીતાએ હેલ્પલાઇનનો સહારો લીધો હતો. કાઉન્સિલિંગથી બદલાયું પતિનું હૃદય ઘટનાની જાણ થતા જ સુરત-ઉમરા 181 અભયમની ટીમ તત્કાલ પરિણીતાના ઘરે પહોંચી હતી. ટીમે પતિને એક પતિ અને પિતા તરીકેની તેની સામાજિક અને કાયદાકીય જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું. અસરકારક કાઉન્સિલિંગના અંતે પતિને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે અન્ય સ્ત્રી સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અને ભવિષ્યમાં પત્નીને હેરાન ન કરવાની ખાતરી આપી હતી. બાળકોના ભવિષ્ય માટે પત્નીનો ઉમદા નિર્ણય પતિએ પત્નીની લેખિતમાં માફી માંગી હતી. બીજી તરફ, પત્નીએ પણ પોતાના 2 સંતાનોના ભવિષ્ય અને 11 વર્ષના લાંબા સાથને માન આપીને પતિને સુધરવાની એક તક આપવાનું સ્વીકાર્યું હતું. 181 અભયમ ટીમના હસ્તક્ષેપથી એક તૂટતું લગ્નજીવન ફરી પાટે ચડ્યું છે, જે સમાજ માટે એક હકારાત્મક ઉદાહરણ પૂરું પાડે છે.
Read Original Article →