AAPના મહિલા મોરચાનું સામૂહિક રાજીનામું:પાયાના કાર્યકરોની અવગણના અને ટિકિટોનું પૈસાથી વેચાણના આક્ષેપ, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો

Gujarat4/13/2026, 2:30:27 PM
AAPના મહિલા મોરચાનું સામૂહિક રાજીનામું:પાયાના કાર્યકરોની અવગણના અને ટિકિટોનું પૈસાથી વેચાણના આક્ષેપ, વીડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો
વિધાનસભા અને મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે દબદબો બનાવવાનો પ્રયાસ કરતી આમ આદમી પાર્ટીમાં સુરતમાં મોટું ગાબડું પડ્યું હતું. શહેર મહિલા પ્રમુખ સહિત 8 ટોચના હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી રાજીનામાં ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મહિલા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં વર્ષોથી લોહી-પરસેવો એક કરનારા પાયાના કાર્યકરોની કિંમત રહી નથી અને પૈસાના જોરે નિષ્ક્રિય લોકોને પદ અપાઈ રહ્યા છે. પ્રમુખ સહિત 8 મહિલા હોદ્દેદારો મેદાન છોડ્યું સુરત મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલની આગેવાનીમાં સંગઠનના પાયાના સ્તંભ ગણાતી મહિલાઓએ એકસાથે રાજીનામું આપી પક્ષની આંતરિક શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છે. જેમાં ઉપપ્રમુખ જાસ્મિકા ડાવરા, ગીતાબેન લીંબાચીયા, સોનલબેન પાંડોલ અને પુનમબેન તિવારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગઠન મંત્રી અલકાબેન પાંડે, ઈન્દિરાબેન અને નિતુંબેન ગુપ્તાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. પૈસા આપો અને હોદ્દો મેળવોનો આક્ષેપ રાજીનામું આપનાર મહિલા નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પક્ષમાં હવે સિદ્ધાંતોની જગ્યાએ પૈસાનો વ્યવહાર ચાલી રહ્યો છે. જે લોકો ક્યારેય ગ્રાઉન્ડ પર દેખાયા નથી, તેમને રાતોરાત પૈસાના જોરે હોદ્દા અને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા હતા. પક્ષ માટે રાત-દિવસ દોડતી મહિલાઓની વારંવાર અવગણના થતી હોવાથી અંતે કંટાળીને આ નિર્ણય લેવો પડ્યો છે. વીડિયો જાહેર કરી રોષ વ્યક્ત કર્યો સામાન્ય રીતે રાજીનામાં પક્ષના કાર્યાલય પર અપાતા હોય છે. પરંતુ સુરતમાં આ મહિલા નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેઓની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓએ જણાવ્યું કે, અમે પાયાના કાર્યકરો છીએ, અમે પાર્ટીને ઉભી કરવા મહેનત કરી, પણ હવે પક્ષમાં કાર્યકરોની નહીં પણ વહાલા-દવલાની નીતિ ચાલે છે. ચૂંટણી પહેલા ‘આપ’ની મુશ્કેલી વધશે? મહાનગરપાલિકામાં ‘આપ’ના અનેક કોર્પોરેટરો અગાઉ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે હવે સંગઠન સ્તરે ખાસ કરીને મહિલા પાંખમાં પડેલું આ ગાબડું પક્ષ માટે ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં આ અસંતોષની જ્વાળા અન્ય વિસ્તારોમાં પણ ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. રાજીનામું આપનાર મુખ્ય ચહેરાઓ નીતાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખ જાસ્મિકા ડાવરા, શહેર ઉપપ્રમુખ ગીતાબેન લીંબાચીયા, શહેર ઉપપ્રમુખ સોનલબેન પાંડોલ, શહેર ઉપપ્રમુખ અલકાબેન પાંડે, સંગઠન મંત્રી(મહિલા વિંગ)
Read Original Article →