પાલિકા ચૂંટણી પહેલા 'AAP' મુશ્કેલીમાં:AAPના દાવેદાર શ્રવણ જોશી સામે ભાજપ નેતાએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી, ઉત્રાણમાં પોસ્ટર વોર મામલે એકની ધરપકડ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી માટે સંકટના વાદળો ઘેરાયા છે. વોર્ડ નંબર 26 ના મજબૂત દાવેદાર અને 'આપ' ના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોશી વિરુદ્ધ ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યો વીડિયો વાયરલ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરોધી વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવાના મામલે ઉત્રાણ પોલીસે કિરીટ ઉર્ફે કેપી પાનસુરીયા નામના 'આપ' કાર્યકરની ધરપકડ કરી છે. શ્રવણ જોશી સામે ત્રીજી ફરિયાદ
સુરત મહાનગરપાલિકાના પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે શ્રવણ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. અમિતસિંહે જણાવ્યું કે, તેમના નામે ફેસબુક પર 'Sravankumar Joshi' નામના એકાઉન્ટ પરથી 1 મિનિટ અને 58 સેકન્ડનો એક ડોક્યુમેન્ટ્રી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમિતસિંહના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી. વીડિયોમાં તેમને હાથકડી પહેરેલા, અપહરણ કરતા અને કોરોનાકાળ દરમિયાન ટિકિટોનું કાળાબજાર કરતા હોવાના ખોટા દ્રશ્યો બનાવવામાં આવ્યા હતા. આ કૃત્ય દ્વારા તેમની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીની બે ફરિયાદો અને પાસાની કાર્યવાહી થયેલી છે, ત્યારે આ ત્રીજી ફરિયાદથી રાજકીય ગરમાવો વધી ગયો છે. વીડિયોમાં મર્ડર અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપો
અમિતસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, શ્રવણ જોશીએ પોસ્ટ કરેલા વીડિયોમાં આશિષસિંગ મર્ડર કેસમાં તેમની સંડોવણી હોવાનું દર્શાવવા માટે માસ્ક પહેરેલા AI જનરેટેડ ચલચિત્રોનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, વીડિયોમાં મહિલા ઉત્પીડન, એસએમસી કર્મચારીઓને ગાળો આપવી અને એડવોકેટ અભિષેકસિંહ રાજપૂત પર હુમલો કરવા જેવી બાબતોને ખોટી રીતે વણી લેવામાં આવી હતી. લીંબાયત પોલીસ સ્ટેશનનો ઉલ્લેખ કરી જૂની ફરિયાદોને એડિટ કરીને અમિતસિંહને આરોપી તરીકે દર્શાવવાનો ગુનાહિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં "નેતા પ્રેમ વિવાદ મેં ફંસે" જેવા કન્ટેન્ટ સાથે ફેબ્રિકેટેડ ન્યૂઝ ક્લિપિંગ્સ પણ જોડવામાં આવી હતી. રાજકીય પ્રતિષ્ઠા ખરડવાનો પ્રયાસ: અમિતસિંહ રાજપૂત
ફરિયાદી અમિતસિંહ રાજપૂતે પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય છે અને ગોડાદરા વિસ્તારમાં પોતાની ઓફિસ ધરાવે છે. શ્રવણકુમાર જોશીએ કોઈપણ આધાર-પુરાવા વિના, માત્ર રાજકીય દ્વેષ રાખીને તેમની બદનામી કરવા માટે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. પોલીસે આ મામલે વીડિયોની પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરીને શ્રવણ જોશી વિરુદ્ધ આઈટી એક્ટ અને બદનક્ષીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અનાજના દુકાનદારો પાસે ખંડણી માંગવાના કેસમાં શ્રવણ જોશી અગાઉ જેલવાસ ભોગવી ચૂક્યા છે. ઉત્રાણમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવનાર 'આપ' કાર્યકર ઝડપાયો
એક બાજુ શ્રવણ જોશી વિવાદમાં છે, તો બીજી બાજુ સુરતના ઉત્રાણ વિસ્તારમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાવવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્રાણ પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ અમરોલી કોસાડ આવાસમાં રહેતા કિરીટ ઉર્ફે કેપી પરસોત્તમ પાનસુરીયાની ધરપકડ કરી છે. કિરીટ આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ વિવાદાસ્પદ પોસ્ટરો તે સરથાણા કિરણ ચોક ખાતે આવેલા 'આપ' ના કાર્યાલયથી લાવ્યો હતો. જોકે, આ પોસ્ટરો કાર્યાલય પર કોણે પહોંચાડ્યા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. શહેરના 16 સ્થળોએ પોસ્ટર વોરથી વાતાવરણ તંગ
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ, ડિંડોલી, પુણા, પાંડેસરા અને ઉત્રાણ જેવા વિસ્તારોમાં ભાજપ સરકાર વિરુદ્ધના પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, ડ્રગ્સ, દારૂબંધી અને મોંઘા શિક્ષણ જેવા મુદ્દે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. શહેરના મનીષા ગરનાળા, સુદામા ચોક, યમુના ચોક, પાટીદાર બ્રીજ અને મધુરમ સર્કલ સહિત કુલ 16 જેટલા મુખ્ય સ્થળોએ આ પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરોને કારણે ભાજપની છબી ખરડાતી હોવાનું માનીને વિવિધ વોર્ડ પ્રમુખો અને માજી કોર્પોરેટરોએ 6 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાવી હતી. કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન અને ગુનાહિત કાવતરું
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 28મી અને 29મી માર્ચની મધ્યરાત્રિએ આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે આ પોસ્ટરો પર નિયમ મુજબ પ્રિન્ટર કે પ્રકાશકનું નામ કે સરનામું છાપવામાં આવ્યું નહોતું. આ પોસ્ટરો દ્વારા જનતામાં ભ્રમ પેદા કરવાનો અને રાજકીય પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં કિરીટ પાનસુરીયા સહિત કુલ 18 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પાલિકા ચૂંટણી પૂર્વે 'આપ' મુશ્કેલમાં
સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માટે આ ઘટનાક્રમ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ પાર્ટીના યુવા નેતા શ્રવણ જોશી ગંભીર પોલીસ ફરિયાદોમાં ફસાયા છે, તો બીજી તરફ કાર્યકરોની ધરપકડથી સંગઠન પર દબાણ વધ્યું છે. ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે કરવામાં આવેલા પોસ્ટર વોર અને સોશિયલ મીડિયા કેમ્પેઈન હવે કાયદાકીય ગુંચવણમાં ફેરવાઈ ગયા છે. ભાજપ આ મુદ્દે આક્રમક મૂડમાં છે અને પોલીસની કાર્યવાહી પણ સતત ચાલુ હોવાથી આગામી દિવસોમાં 'આપ' ના વધુ નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પોલીસની આગામી તપાસ પર સૌની નજર
હાલમાં પોલીસે શ્રવણ જોશી વિરુદ્ધ અમિતસિંહ રાજપૂતે આપેલા ડિજિટલ પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. AI દ્વારા બનાવેલા ફેક વીડિયોના કેસમાં સાયબર ક્રાઈમ સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ, ઉત્રાણ પોલીસ પોસ્ટર વોરના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે પકડાયેલા કિરીટ પાનસુરીયાના કોન્ટેક્ટ લિસ્ટ અને CCTV ચકાસી રહી છે. સુરત શહેરના રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને પોલીસ ફરિયાદોના આ દોરથી પાલિકા ચૂંટણીનો જંગ વધુ ખરાખરીનો બનવાની શક્યતા છે.
Read Original Article →