AI વીડિયો કાંડમાં પૂછપરછ દરમિયાન ‘આપ’ના ઉમેદવારની તબિયત લથડી:કાર્યકરો શ્રવણ જોશીને ઊંચકીને પોલીસ સ્ટેશન બહાર લાવ્યા, ટિકિટ મળ્યાંની ઉજવણી પણ ન કરી શક્યા

Gujarat4/6/2026, 3:02:25 AM
AI વીડિયો કાંડમાં પૂછપરછ દરમિયાન ‘આપ’ના ઉમેદવારની તબિયત લથડી:કાર્યકરો શ્રવણ જોશીને ઊંચકીને પોલીસ સ્ટેશન બહાર લાવ્યા, ટિકિટ મળ્યાંની ઉજવણી પણ ન કરી શક્યા
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 26ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એકતરફ ઉમેદવારોના નામ જાહેર થતા પ્રચારની તૈયારીઓ ચાલતી હોય છે, ત્યાં શ્રવણ જોશી ગોડાદરા પોલીસ મથકમાં પૂછપરછ દરમિયાન બેભાન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ તેમની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. બે કાર્યકર્તાઓ દ્વારા ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવ્યા હતા, જેના દૃશ્યો પણ સામે આવ્યાં છે. પૂર્વ કોર્પોરેટરનો AI વીડિયો વાઇરલ કરવાનો મામલો પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ મામલે અમિતસિંહ રાજપૂતે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હવે જાહેર થયેલા ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરિયાદના આધારે નિવેદન નોંધાવવા માટે શ્રવણ જોશી પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્રણ કલાકની પૂછપરછ બાદ તબિયત લથડી ગોડાદરા પોલીસ મથકમાં શ્રવણ જોશીના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટેશનમાં અંદાજે ત્રણ કલાક સુધી સતત પૂછપરછ અને નિવેદન લેવાની કામગીરી ચાલી હતી. આ દરમિયાન શ્રવણ જોશીને અચાનક પરસેવો થવા લાગ્યો હતો અને તેઓ શારીરિક અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. નિવેદન આપતી વેળાએ જ તેઓ અચાનક ખુરશી પરથી ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા. પોલીસ મથકમાં જ ઉમેદવાર બેભાન થઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક મેડિકલ સહાય માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયું પણ ઉજવણીને બદલે હોસ્પિટલ ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે શ્રવણ જોશી પોલીસ મથકમાં પૂછપરછ હેઠળ હતા અને બેભાન થયા, બરાબર તે જ સમયે આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં વોર્ડ નંબર 26માંથી શ્રવણ જોશીને સત્તાવાર ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે ઉમેદવાર તરીકે નામ જાહેર થાય ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ હોય છે, પરંતુ શ્રવણ જોશીના કિસ્સામાં પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી હતી. તેઓ ઉજવણી કરી શકે તેવી સ્થિતિમાં નહોતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માનસિક ત્રાસને કારણે તબિયત બગડીઃ વકીલ શ્રવણ જોશીના વકીલ અભિષેકસિંહ રાજપૂતે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, આ સ્પષ્ટપણે માનસિક ત્રાસનો કેસ છે. શ્રવણ જોશીની તબિયત અગાઉથી જ નરમ હતી, તેમ છતાં તેમને ત્રણ કલાક સુધી બેસાડી રાખી પૂછપરછ કરવામાં આવી હતી. વકીલનો આરોપ છે કે, શ્રવણ જોશીએ ભૂખ લાગી હોવાથી જમવા માટે રજૂઆત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા તેમની વાત સાંભળવામાં આવી નહોતી અને સતત નિવેદન લેવાનું ચાલુ રખાયું હતું. યોગ્ય રીતે નિવેદન ન લેવાતા અને શારીરિક નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હોવાનું વકીલે ઉમેર્યું હતું. શ્રવણ જોશી ઉપર આ ત્રીજો કેસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રવણ જોશી સામે નોંધાયેલો આ પ્રથમ ગુનો નથી. આ તેમની ઉપરનો ત્રીજો કેસ છે. અગાઉ ખંડણી મામલે બે કેસ નોધાઇ ચૂક્યા છે પાસાના ઓર્ડર પણ થયા છે જોકે હાઇકોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી હતી.
Read Original Article →