ભાજપના કોર્પોરેટરની ફરિયાદ સામે આપનો આક્રમક મિજાજ:પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપ સાથે કમિશનરને રજૂઆત, પોસ્ટર વોરથી સુરતનું રાજકારણ ગરમાયું
ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરતમાં ફરી એકવાર ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. AAPના ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતે બદનક્ષીની ફરિયાદ નોંધાવતા સુરતનું રાજકારણ ગરમાયું છે. આ મામલે આજે આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને કાર્યકરોએ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી અને આ FIRને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી. શ્રવણ જોશી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતા
આ વિવાદની શરૂઆત સુરતના ગોડાદરા વિસ્તારથી થઈ હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રવણ જોશી છેલ્લા ચાર દિવસથી ગોડાદરા વિસ્તારમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા હતા. આ અભિયાન દરમિયાન તેઓ હાથમાં પોસ્ટરો લઈને સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જનતાને અવગત કરી રહ્યા હતા. અમિત રાજપૂતે આક્ષેપ કરીને બદનક્ષીની ફરિયાદ નોંધાવી
ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનો આક્ષેપ છે કે, શ્રવણ જોશીએ પ્રદર્શનમાં એવા પોસ્ટરોનો ઉપયોગ કર્યો હતો જેમાં કોર્પોરેટરનો ચહેરો દર્શાવવામાં આવ્યો હતો અને તેમની સામે ભ્રષ્ટાચારના પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ બાબતને પોતાની વ્યક્તિગત અને સામાજિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવી અમિત રાજપૂતે પોલીસમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. 'ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારથી ભાજપમાં ગભરાટ ફેલાયો'
પોલીસ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટી રક્ષણાત્મક મોડમાં આવવાને બદલે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જ્યારથી આમ આદમી પાર્ટીએ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સંભવિત ચૂંટણીઓ માટે 75 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારથી ભાજપના નેતાઓમાં ગભરાટ ફેલાયો છે. શ્રવણ જોશીની લોકપ્રિયતા અને તેઓ જે રીતે ભ્રષ્ટાચારના પુરાવા જનતા સમક્ષ મૂકી રહ્યા છે તેનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. 'ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ '
AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચૂંટણી જાહેર થઈ ગઈ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણીનું આયોજન થઈ ગયું. ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી, આચારસંહિતા લાગુ થઈ ગઈ. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા, થોડાક ઉમેદવારો બાકી છે જે બે દિવસમાં અમે જાહેર કરી દઈશું. તેને વધુમાં કહ્યું કે, ગઈકાલે સુરત મહાનગરપાલિકાના ચૂંટણી લડવા માટેના ઈચ્છુક ઉમેદવારો પૈકી અલગ-અલગ 75 સીટ ઉપર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી અમારા ઉમેદવારોના નામ સાંભળીને ડરી ગઈ છે. અમારા કેમ્પેનને એન-કેન પ્રકારે રોકવાના દુષ્પ્રયાસો કરી રહી છે અને એ કેમ્પેનો રોકવા માટે ભાજપ રીતસરનું પોલીસનો દુરુપયોગ કરી રહી છે, પોલીસ તંત્રને આગળ કરી રહી છે. 'ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે...'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની પ્રથમ પસંદગી બની રહી છે. ગુજરાતના લોકો એક જ સાદે કહી રહ્યા છે કે હા, અમે ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપના કુશાસનથી, ભાજપની મોંઘવારીથી, ડ્રગ્સ-દારૂના વેપારથી, મોંઘા શિક્ષણથી અમે થાકી ગયા છીએ અને અમે આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીને જંગી લીડથી જીતાડવાના છીએ. 'અમારા કેમ્પેનને રોકવાના એન-કેન પ્રકારે પ્રયાસ'
ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, આ ભાજપને ખબર પડી ગઈ છે એટલે અમારા કેમ્પેનને રોકવા માટે પોલીસ તંત્રનો સહારો લઈ, પોલીસનો દુરુપયોગ કરી અમારા કેમ્પેનને રોકવાના એન-કેન પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે, આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનના તમામ પદાધિકારી, સંગઠનના તમામ સાથીઓ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દરેક ઉમેદવારને આ લોકશાહીમાં પોતાનો પ્રચાર કરવાનો અબાધિત અધિકાર છે. 'ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે'
ભંડેરીએ વધુમાં કહ્યું કે, સરકારની ખોટી નીતિઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ એવું લોકતંત્ર માને છે અને દરેક વ્યક્તિનો આ અબાધિત અધિકાર છે અને એ અબાધિત અધિકારના કારણે અમે અમારો પ્રચાર કરી રહ્યા છીએ. પ્રચાર કરવા માટેના સાહિત્યમાં જે સ્લોગનો છાપવામાં આવ્યા છે આ તમામે તમામ સ્લોગન છે ઓફિશિયલ જાહેરાત કરી અને અમે આને જાહેરાતમાં મૂક્યા છે, લોકો સુધી અમે આ વાત પહોંચાડી રહ્યા છીએ પણ ભાજપના પેટમાં આ સ્લોગનો, આ વાત ખૂંચે છે એટલે એમણે પોલીસ તંત્રને આગળ કરી અમારા ઉમેદવારને ડરાવવાના, ધમકાવવાના અને ખોટી ફરિયાદો કરી, ખોટી FIR દાખલ કરી અમને હેરાન કરવાના અને ડરાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે લોકશાહી માટે ઘાતક છે. એટલે અમે કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે પોલીસ તંત્રનો દુરુપયોગ બંધ કરવામાં આવે.
Read Original Article →