સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં ચપ્પુની અણીએ 8 લાખની લૂંટ, CCTV:મોઢે માસ્ક બાંધી પેઢીના કર્મચારી પાછળ દોડ્યા, લોકો પકડવા જતા મોપેડ પર બેસી ફરાર; 3 શખ્સોની ધરપકડ
સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ગોડાદરા વિસ્તારમાં ગત 4 જૂનના રોજ 'રામદેવ ટ્રેડર્સ' નામના કોસ્મેટિક પ્રોડક્ટ્સની પેઢીના કર્મચારીને આંતરી, ચપ્પુની અણીએ થયેલી ₹8 લાખની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટના મુખ્ય સૂત્રધાર અને પેઢીના જ એક પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે પૂર્વ કર્મચારીએ જ પોતાના સાગરીતો સાથે મળીને આ ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે. પૂર્વ કર્મચારીએ જ ઘડ્યું હતું કાવતરું
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી જયદિપ કવાડ બે મહિના પહેલા જ આ પેઢીમાં નોકરી કરતો હતો, જેથી તે દુકાન ખુલવા-બંધ થવાના સમય અને કલેક્શનની મોટી રકમની હેરફેરની વિગતોથી સંપૂર્ણ માહિતગાર હતો. ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ ત્રણ દિવસ અગાઉથી જ રેકી શરૂ કરી દીધી હતી. યોજના મુજબ, જયદિપે તેના મિત્ર ગોપી સાટીયાને મોપેડ સાથે સામેલ કર્યો હતો. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ
ગુનાના દિવસે પોલીસથી બચવા માટે તેઓએ મોપેડની નંબર પ્લેટ કાઢી નાખી હતી અને કર્મચારી જેવો જ કલેક્શનની બેગ લઈને નીકળ્યો, કે તરત જ તેના પર લાકડાના દંડા અને ચપ્પુથી હુમલો કરી નાણાંની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, પેઢીનો કર્મચારી રૂપિયાથી ભરેલી બેગ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન મોપેડ પર સવાર ત્રણ શખ્સો તેનો પીછો કરે છે. આ દરમિયાન બે શખ્સો મોઢે માસ્ક બાંધી લાકડી અને ચપ્પુ પાછળ દોડી પેઢીના કર્મચારીને આંતરી લે છે. બંને શખ્સો પેઢીના કર્મચારીને લાકડીથી માર મારી રૂપિયા ભરેલી બેગ લઈને ભાગે છે. આ દરમિયાન સ્થાનિક લોકો બંને શખ્સોને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ મોપેડ પર સવાર અન્ય શખ્સ બંને આરોપીઓને લઈને ત્યાંથી ભાગી જાય છે. પોલીસે આરોપીઓને મોપેડ સાથે દબોચ્યા
ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આરોપીઓના આવવા-જવાના રૂટના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી જયદિપ કવાડની સંડોવણી શોધી કાઢી હતી. પોલીસે તાબડતોબ વોચ ગોઠવીને કોસમાડા વલથાણ રોડ પર આવેલ માલગાડી ટ્રેનના ગરનાળા નીચેથી આરોપીઓને મોપેડ સાથે દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પોલીસે 2.86 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹2,86,000 નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં ₹1,86,000ની રોકડ રકમ, ગુનામાં વપરાયેલી ₹50,000 ની સુઝુકી એક્સેસ મોપેડ અને ₹50,000 ની કિંમતના 3 નંગ મોબાઇલ ફોન સામેલ છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાના આધારે સુરત ક્રાઇમ બ્રાંચે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →