તળાવમાં માછલી પકડવા ગયેલી કિશોરીનું કરૂણ મોત:પગ લપસ્યા બાદ પાણીમાં ડૂબી જતા જીવ ગૂમાવ્યો, વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે કાળજું કંપાવતી ઘટના

Gujarat4/7/2026, 12:24:17 PM
તળાવમાં માછલી પકડવા ગયેલી કિશોરીનું કરૂણ મોત:પગ લપસ્યા બાદ પાણીમાં ડૂબી જતા જીવ ગૂમાવ્યો, વેસુમાં ભગવાન મહાવીર કોલેજ પાસે કાળજું કંપાવતી ઘટના
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આજે સવારના સમયે એક કરુણ ઘટના સામે આવી છે. ભગવાન મહાવીર કોલેજની પાછળ આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની કિશોરીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘરના પાસેના તળાવમાં માછલી પકડવા ગઈ હતી કિશોરી મળતી માહિતી મુજબ, અંજુમકુમારી ગોવિંદરા મહારા વેસુના ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી હતી. જે આજે 7 એપ્રિલના સવારે 11:15 વાગ્યે તળાવે માછલી પકડવા માટે ગઈ હતી. માછલી પકડતી વખતે અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.બાળકી પાણીમાં ડૂબતી હોવાનું જોઈ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ તરત જ ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે જાણ કરી હતી. હોસ્પિટલ ખસેડાઈ પરંતુ જીવ બચાવી ન શકાયો ઘટનાની જાણ થતાં જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીમાં લાપતા થયેલી અંજુમકુમારીને શોધી કાઢી બહાર કાઢી હતી. જોકે, બાળકી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હોવાથી તેની હાલત અત્યંત નાજુક હતી. સ્થાનિકો અને ફાયરના જવાનો દ્વારા વિલંબ કર્યા વગર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ કરી હતી. કમનસીબે, તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ બાળકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં પરિવારના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →