સુરત-તાપીના અઢી લાખ પશુપાલકો માટે દિવાળી!:સુમુલ ડેરી રૂ. 425 કરોડનું બોનસ અપાશે; હવે પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1020 રૂપિયા ચૂકવશે

Gujarat5/15/2026, 6:41:27 AM
સુરત-તાપીના અઢી લાખ પશુપાલકો માટે દિવાળી!:સુમુલ ડેરી રૂ. 425 કરોડનું બોનસ અપાશે; હવે પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1020 રૂપિયા ચૂકવશે
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ પશુપાલકો માટે બોનસની મોટી જાહેરાત કરી છે. સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ 120 રૂપિયા બોનસ આપવાનું નક્કી કરાયું છે. આ નિર્ણયથી બંને જિલ્લાના અંદાજે અઢી લાખ જેટલા પશુપાલકોને મોટી આર્થિક રાહત મળશે અને તેમના જીવનધોરણમાં સુધારો આવશે. કુલ 1020 રૂપિયા ચૂકવી સુમુલ મોખરે ગયા નાણાકીય વર્ષ દરમિયાન સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીસીયુ (BCU) ફેટફેર પેટે અંદાજિત 30 રૂપિયા પ્રતિ કિલો ફેટ આપવામાં આવ્યા હતા. હવે તેમાં 120 રૂપિયા બોનસ ઉમેરાતા પશુપાલકોને પ્રતિ કિલો ફેટ દીઠ કુલ 1020 રૂપિયા મળશે. સુમુલ ડેરી તંત્રનો દાવો છે કે આ ભાવ સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ છે, જે પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપશે. જૂન મહિનામાં પશુપાલકોના ખાતા છલકાશે સુમુલ ડેરીના આ ઐતિહાસિક નિર્ણયને કારણે કુલ 425 કરોડ રૂપિયા જેટલો ભાવફેર (બોનસ) પશુપાલકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ રકમ આગામી જૂન મહિનામાં સીધી પશુપાલકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ જાહેરાતને પગલે ગ્રામ્ય સ્તરે પશુપાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મજબૂત નેતૃત્વ અને પારદર્શક વહીવટને કારણે આટલું મોટું બોનસ શક્ય બન્યું હોવાનું માનવામાં આવે છે. પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાનોનો પ્રતિસાદ સુમુલના આ નિર્ણયને પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન જયેશ દેલાડએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી કાળથી વડીલોના આશીર્વાદથી શરૂ થયેલી આ સંસ્થા આજે વટવૃક્ષ બની છે. ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ આપીને સુમુલે સાબિત કર્યું છે કે તે પશુપાલકોના હિત માટે કટિબદ્ધ છે. 1000 રૂપિયાથી વધુનો ભાવ મળવો એ પશુપાલકો માટે ગૌરવની વાત છે. સહકારથી સમૃદ્ધિનું સૂત્ર સાર્થક થયું ખેડૂત આગેવાન જયેશ દેલાડએ જણાવ્યું કે, ભારત સરકારના 'સહકારથી સમૃદ્ધિ'ના સૂત્રને સુમુલ ડેરી સાર્થક કરી રહી છે. અમૂલની સ્થાપના બાદ દક્ષિણ ગુજરાતમાં સુમુલનો જે વિકાસ થયો છે તે અભૂતપૂર્વ છે. પશુપાલકોએ પૂરા પાડેલા મજબૂત નેતૃત્વને કારણે જ આજે અઢી લાખથી વધુ પરિવારોનું ગુજરાન ચલાવતી આ સંસ્થા પ્રગતિના પંથે છે. આ ભાવફેર બોનસ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
Read Original Article →