નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત કાપોદ્રા પોલીસનો સપાટો:સોમનાથ સોસાયટીના મકાનમાં દરોડો પાડી 1.3 કિલો ગાંજો ઝડપાયો, રીઢા ગુનેગાર રોનક બેલડીયાની ધરપકડ
સુરત શહેરમાં નશાના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ કમિશનર દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા પેડલરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ કડક ચેકિંગ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરીને એક રીઢા આરોપીને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પ્રતિબંધિત માદક પદાર્થનું ચોરીછુપે વેચાણ કરવામાં આવતું હતું
પોલીસની ટીમને પાકી બાતમી મળી હતી કે, રોનક બેલડીયા નામનો એક શખસ કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાઇનાથ સોસાયટીની બાજુમાં સોમનાથ સોસાયટીના મકાન નંબર 55/56ના પહેલા માળે આવેલા રૂમ નંબર-5માં આ પ્રતિબંધિત માદક પદાર્થ સંતાડવામાં આવ્યો છે અને ત્યાંથી જ તેનું ચોરીછૂપીથી છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ચોક્કસ માહિતી મળતા જ પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને કાયદાકીય જોગવાઈઓ મુજબ તાત્કાલિક ધોરણે ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે 67 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
આ દરોડા દરમિયાન સોમનાથ સોસાયટીના એ રૂમમાં બાતમી મુજબનો જ એક શખસ હાજર મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર જ તેની અટકાયત કરીને રૂમની તેમજ તેની અંગઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યાંથી મોટા પ્રમાણમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો તેમજ નશાના કારોબારમાં વપરાતી અન્ય સામગ્રીઓ મળી આવી હતી. પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી કુલ 1,341 ગ્રામ (1 કિલો અને 341 ગ્રામ) વનસ્પતિજન્ય ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 67,050 રૂપિયા જેટલી થાય છે. આ સિવાય ગ્રાહકોને ગાંજો ભરીને આપવા માટે રાખવામાં આવેલી નાની-મોટી પ્લાસ્ટિકની ખાલી થેલીઓ નંગ-77, નાની પ્લાસ્ટિકની ઝીપ બેગના બે સીલબંધ બોક્સ, બે નંગ સ્ટેપ્લર, સ્ટેપ્લર પિનના બે બોક્સ અને રોકડા રૂપિયા 110 મળી આવ્યા હતા. પોલીસે કુલ 67,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી પકડવા માટે ચક્રો ગતિમાન
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં બહાર આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી રોનક નરેશભાઇ બેલડીયા, જેની ઉંમર 28 વર્ષ છે અને તે હાલ બેકાર છે, તે કોઈ અજાણ્યા મોટા ડ્રગ સપ્લાયર પાસેથી આ ગાંજાનો જથ્થો જથ્થાબંધ ભાવે ખરીદીને લાવતો હતો. ત્યારબાદ તે પોતાના રૂમ પર આ ગાંજાને નાની-મોટી પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરીને નશેડીઓને છૂટક ભાવે વેચીને આર્થિક નફો કમાતો હતો. આ મામલે કાપોદ્રા પોલીસે પકડાયેલા આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ ગુનામાં જે અજાણ્યા શખસે તેને ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હતો, તેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપી રોનક બેલડીયાનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો અને ચોંકાવનારો છે. તે અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને અલગ-અલગ પોલીસ મથકોમાં તેના વિરૂદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2021માં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેની સામે મારામારી અને ધાકધમકીનો ગુનો નોંધાયો હતો. એ જ વર્ષે પુણા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે મારામારીની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. ડ્રગ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો
ત્યારબાદ વર્ષ 2022માં ફરી એકવાર કાપોદ્રા પોલીસ મથકમાં જાહેરનામા ભંગ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. એટલું જ નહીં, છેલ્લે વર્ષ 2025માં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તેની સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો જેવી કે હત્યાનો પ્રયાસ, ગંભીર ઈજા પહોંચાડવી અને રાયોટિંગ જેવા ગુનાઓ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આમ, આ ગુનેગાર લાંબા સમયથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય હતો અને હવે તે નશાના કાળા કારોબાર તરફ વળ્યો હતો. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે કાપોદ્રા પોલીસ સતત પ્રયત્નશીલ છે અને આ સફળ કામગીરીથી વિસ્તારના ડ્રગ પેડલરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આ કેસના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી સુરત શહેરમાં આ ગાંજો ક્યાંથી ઘુસાડવામાં આવ્યો હતો અને તેની પાછળ કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તેનો પર્દાફાશ થઈ શકે.
Read Original Article →