પાલિકાના મુખ્ય ગેટ પર સ્પીકર ગુંજ્યા, 'સાહેબો, પેટ્રોલ બચાવો':રોજનું 7110 લિટર ઈંધણ વાપરતી SMC હવે કરકસરના મોડમાં, મિટિંગો માટે ધક્કા ખાવાને બદલે ઓનલાઈન થવા આદેશ
સુરત મહાનગરપાલિકાના મુખ્ય મથકના પ્રવેશદ્વાર પર આજે કંઈક અલગ માહોલ જોવા મળ્યો હતો. પાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા સ્પીકર્સ પરથી ખાસ એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જે શહેરીજનો માટે નહીં પરંતુ ખુદ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા જારી કરાયેલા કડક આદેશ બાદ હવે ઈંધણ બચત માટે પાલિકા તંત્ર સજ્જ બન્યું છે. સુરત પાલિકામાં દર વર્ષે પેટ્રોલ અને ડીઝલ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જેમાં ઘટાડો કરવાના હેતુથી આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓને હવે બિનજરૂરી ઈંધણ વપરાશ ટાળવા માટે સૂચના આપવામાં આવી છે. સ્પીકર્સ પરથી ખાસ એનાઉન્સમેન્ટ શું છે?
તાત્કાલિક અસરથી અમલ કરવા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને અપીલ કરવામાં આવેલ છે. તે પૈકી: તદુપરાંત ઉપરોક્ત સૂચનાઓનો તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અનુસરણ કરી ઇંધણ બચત અને ઊર્જા સંરક્ષણ દ્વારા પર્યાવરણ સુરક્ષા તેમજ રાષ્ટ્રહિતમાં યોગદાન આપવા સૌએ સક્રિય સહભાગી બનવા આથી આદેશ અનુસાર જણાવવામાં આવે છે. વડાપ્રધાનની અપીલ બાદ સુરત પાલિકાનું મોટું કદમ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને ઈંધણ બચત માટે સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે. આ વૈશ્વિક અને રાષ્ટ્રીય હિતની અપીલને ધ્યાને રાખીને સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને પાલિકાના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી છે. પાલિકામાં ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળે અને સરકારી સંસાધનોનો દુરુપયોગ અટકે તે માટે તાત્કાલિક અસરથી નવી માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. આ આદેશો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે સ્પીકર દ્વારા સતત જાહેરાત કરીને કર્મચારીઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની કામગીરી અને તેના વ્યાપને જોતા વાહનોનો કાફલો પણ વિશાળ છે. હાલમાં પાલિકા તંત્ર પાસે કુલ 1069 ગાડીઓ વિવિધ સેવાઓમાં કાર્યરત છે. જેમાંથી 184 ગાડીઓ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી છે. આ ગાડીઓમાં રોજનું આશરે 7110 લિટર ઈંધણ વપરાય છે, જેનો વાર્ષિક આંકડો 20.50 લાખ લિટર પર પહોંચે છે. આ આંકડો નાણાકીય રીતે જોવામાં આવે તો વર્ષે 18.90 કરોડ રૂપિયા જેટલો જંગી થાય છે. પ્રજાના ટેક્સના આ નાણાંનો ધુમાડો થતો અટકાવવા માટે કમિશનરે હવે કરકસરની દિશામાં મથામણ શરૂ કરી છે. વ્હીલ પુલિંગ અને સંયુક્ત વાહન વ્યવસ્થા પર ભાર
કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓમાં સૌથી મહત્વનો મુદ્દો 'વ્હીલ પુલિંગ' છે. ઘણીવાર એક જ સ્થળે જવા માટે અલગ-અલગ અધિકારીઓ પોતાની અલગ સરકારી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે. હવે આદેશ આપવામાં આવ્યો છે કે એક જ રૂટ પર કે એક જ મિટિંગમાં જનારા અધિકારીઓએ સંયુક્ત વાહન વ્યવસ્થા અપનાવવી પડશે. આ ઉપરાંત, સરકારી વાહનોનો ઉપયોગ માત્ર અધિકૃત અને કાર્યલક્ષી કામગીરી માટે જ કરવા તાકીદ કરાઈ છે. જો વાહન લાંબા સમય સુધી ઉભું રહેવાનું હોય, તો એન્જિન ચાલુ ન રાખવા પણ સૂચના અપાઈ છે જેથી ઈંધણનો વેડફાટ અટકે. ટૂંકા અંતર માટે સાયકલ અને ઓનલાઈન મિટિંગનો વિકલ્પ
પર્યાવરણની સુરક્ષા અને ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને ટૂંકા અંતરના પ્રવાસ માટે પગપાળા અથવા સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જાહેર પરિવહન એટલે કે સીટી બસ કે બીઆરટીએસનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. કમિશનરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે શક્ય હોય ત્યાં સુધી વિવિધ વિભાગોની સમીક્ષા બેઠકો કે મિટિંગો માટે રૂબરૂ મળવાને બદલે વીડિયો કોન્ફરન્સ અથવા ઓનલાઈન માધ્યમનો જ ઉપયોગ કરવો. આનાથી સમય અને ઈંધણ બંનેની મોટી બચત થઈ શકે તેમ છે. ઓફિસોમાં વીજળીની બચત માટે પણ કડક સૂચના
માત્ર ઈંધણ જ નહીં, પરંતુ કચેરીઓમાં થતા વીજળીના વપરાશ પર પણ હવે વોચ રાખવામાં આવશે. તમામ કર્મચારીઓને સૂચના અપાઈ છે કે એસી, લાઈટ, કમ્પ્યુટર અને અન્ય સાધનોનો ઉપયોગ જ્યારે જરૂર હોય ત્યારે જ કરવો. કામ પૂરું થયા બાદ તુરંત જ વીજ ઉપકરણો બંધ કરવાની કાળજી રાખવાની રહેશે. જો કોઈ વિભાગમાં બિનજરૂરી વીજ વપરાશ જણાશે તો તે બાબતને ગંભીરતાથી લેવામાં આવશે. આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉર્જા સંરક્ષણ દ્વારા રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાનો છે. ઓઈલ કંપનીઓ અને વર્કશોપ સાથે ખાસ બેઠક
ઈંધણ બચતના આ અભિયાનને સફળ બનાવવા માટે કમિશનર એમ. નાગરાજનના અધ્યક્ષસ્થાને વર્કશોપ અને ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં ઈંધણનો સપ્લાય ખોરવાય નહીં અને કાર્યક્ષમતા જળવાય તે અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, બીઆરટીએસ બસોના રૂટ અંગે પણ મંથન થયું હતું. ઘણીવાર બસો છેલ્લા સ્ટોપેજ સુધી ખાલી દોડતી હોય છે, આવી બસો બિનજરૂરી ન દોડે અને મુસાફરોની સંખ્યા મુજબ જ સંચાલન થાય તે જોવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. ICCCના આંટાફેરા ઘટશે તો આપોઆપ બચત થશે
પાલિકાના અધિકારીઓમાં આ નવા આદેશોને લઈને અંદરોઅંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, જો ઉધના-મગદલ્લા રોડ સ્થિત આઈસીસીસી (ICCC) ખાતે થતી બેઠકોની સંખ્યા ઓછી થાય તો ઈંધણનો મોટો ખર્ચ આપોઆપ ઘટી જશે. સચિન કે સરથાણા જેવા દૂરના ઝોનમાંથી અધિકારીઓને મિટિંગ માટે છેક આઈસીસીસી સુધી ધક્કા ખાવા પડે છે, જેમાં ઘણું ઈંધણ વપરાય છે. જો આ બેઠકો ઓનલાઈન કરવામાં આવે અથવા ઝોન કક્ષાએ જ નિરાકરણ લાવવામાં આવે તો પાલિકાના લાખો રૂપિયા બચી શકે છે. વહીવટી તંત્રમાં પરિવર્તનની લહેર
સુરત મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ પગલાંથી આગામી દિવસોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હાલમાં પાલિકા પાસે 1049 ડીઝલ ગાડીઓ અને માત્ર 20 પેટ્રોલ ગાડીઓ છે. આ કાફલાને વધુ કાર્યક્ષમ બનાવવા અને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળવા માટે પણ વિચારણા ચાલી રહી છે. કમિશનરના આ કડક વલણને પગલે હવે પાલિકાના અધિકારીઓએ ગાડીઓના વપરાશમાં સંયમ રાખવો પડશે. આ ઝુંબેશ જો સફળ રહેશે તો અન્ય સરકારી કચેરીઓ માટે પણ સુરત પાલિકા એક રોલ મોડેલ બની રહેશે.
Read Original Article →