7 મનપાને ચૂંટણીના એક મહિના બાદ મળશે મેયર:સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા, રાજકોટમાં પાટીદાર ચહેરા રેસમાં સૌથી આગળ

Gujarat5/28/2026, 12:30:00 AM
7 મનપાને ચૂંટણીના એક મહિના બાદ મળશે મેયર:સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા, રાજકોટમાં પાટીદાર ચહેરા રેસમાં સૌથી આગળ
ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મનપાના પદાધિકારીઓની વરણી શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી. જ્યારે આજે સુરત, વડોદરા, રાજકોટ, વલસાડ-વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 115 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને જંગી બહુમતી સાથે ફરી એકવાર સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે. હવે સમગ્ર શહેર અને રાજકીય વર્તુળોની નજર આજે જાહેર થનારા નવા પદાધિકારીઓના નામો પર ટકેલી છે. આ વખતે મેયર પદ માટે જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો ખૂબ જ મહત્વપૂર્ણ અને જટિલ બની રહ્યા છે. મૂળ સુરતી અને સૌરાષ્ટ્રવાસી મહિલા વચ્ચે ખેંચતાણ 'મૂળ સુરતી મહિલા' અને 'સૌરાષ્ટ્રવાસી મહિલા' કોર્પોરેટર વચ્ચે કેન્દ્રિત થઈ ગઈ છે. પક્ષના મોવડી મંડળ માટે આ બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવું એ એક મોટો પડકાર છે, કારણ કે સુરતના વિકાસ અને રાજકારણમાં બંને સમુદાયોનો સિંહફાળો રહ્યો છે. 'મેયર' પદ માટે. આ વખતે મેયર પદ 'સામાન્ય મહિલા' માટે અનામત હોવાથી અનેક નામો ચર્ચામાં છે. ખાસ કરીને વરાછા અને કતારગામ જેવા પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના શાનદાર પ્રદર્શનને જોતા પાટીદાર મહિલાને મેયર બનાવવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. જોકે, દક્ષિણ ગુજરાતના સ્થાનિક 'સુરતી' અને 'પરપ્રાંતીય' મતોને સાચવવા ભાજપ હાઈકમાન્ડ માટે આ નિર્ણય લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થશે. હવે કવર સંસ્કૃતિ નાબૂદ, મેન્ડેટ ઈ-મેઈલ કે વોટ્સએપ દ્વારા મોકલાશે આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ તેની પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયામાં એક ઐતિહાસિક અને મોટો બદલાવ કર્યો છે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ સંગઠનના નેતાઓ બંધ કવરમાં મેન્ડેટ લઈને આવતા હતા અને સામાન્ય સભા શરૂ થવાના થોડા સમય પહેલાં જ તે ખોલવામાં આવતો હતો. જોકે, આ વખતે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત કવર પ્રથા નાબૂદ કરવામાં આવી છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ વચ્ચે પાવર બેલેન્સિંગ સુરતના રાજકારણમાં સત્તાનું સંતુલન જાળવવા માટે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ આ વખતે ખૂબ જ ઝીણવટભર્યું આયોજન કરી રહ્યું છે. જો મેયર પદ માટે કોઈ 'મૂળ સુરતી મહિલા' ઉમેદવારની પસંદગી કરવામાં આવે, તો તેના વળતર રૂપે અને સૌરાષ્ટ્રવાસી મતદારોને સાચવી લેવા માટે મહાનગરપાલિકાની સૌથી પાવરફુલ ગણાતી 'સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન'નું પદ કોઈ પ્રભાવશાળી 'સૌરાષ્ટ્રવાસી' કોર્પોરેટરને સોંપવામાં આવશે. તેનાથી વિપરીત, જો મોવડી મંડળ દ્વારા 'સૌરાષ્ટ્રવાસી મહિલા'ને સુરતના મેયર બનાવવાનો નિર્ણય લેવામાં આવશે, તો પાવર બેલેન્સ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર અચૂકપણે કોઈ 'મૂળ સુરતી' નેતાની વરણી કરવામાં આવશે. આ સમીકરણ પક્ષમાં કોઈ આંતરિક અસંતોષ ન ઊભો થાય તે માટે અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે. પરપ્રાંતીય સમુદાયોને સાચવવાની ચોક્કસ વ્યૂહરચના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ઉપરાંત ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો પર પણ જ્ઞાતિ અને ભાષાકીય સમીકરણો લાગુ કરવામાં આવ્યા છે. સુરતમાં વસતા બિન-ગુજરાતી અર્થાત પરપ્રાંતીય સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે આ બંને પદો અનામત જેવા જ રાખવામાં આવ્યા છે. રાજકીય ગણિત મુજબ, જો ડેપ્યુટી મેયર તરીકે મરાઠી સમાજના કોઈ કોર્પોરેટરની પસંદગી થશે, તો શાસક પક્ષના નેતા તરીકે ઉત્તર ભારતીય અથવા રાજસ્થાની સમાજના ચહેરાને સ્થાન આપવામાં આવશે. વડોદરામાં મેયર કોણ બનશે તેના કરતા વધારે ચેરમેન કોણ બનશે તેની ચર્ચા વડોદરા મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેના કરતા પણ વધુ હોટ ચર્ચા સ્થાયી સમિતિના ચેરમેન કોણ બનશે તેના વિશે થઇ રહી છે કારણ કે, ચેરમેન પદને મેયર કરતા પણ વધુ પાવરફુલ માનવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના તિજોરીની અસલી ચાવી ચેરમેન પાસે જ હોય છે કારણ કે, કરોડો રૂપિયાના વિકાસના કામોની મંજૂરી તેઓના હાથમાં હોય છે. ત્યારે આ પદ મેળવવા માટે ભારે હુંસાતુંસી અને ખેંચતાણ જોવા મળી રહી છે. ચેરમેન પદ મેળવવા માટે ગાંધીનગર ખાતે ગોડફાધરની શરણ મેળવી લોબિંગ ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં પ્રથમ ટર્મમાં SC પુરુષ મેયર વડોદરા મહાનગરપાલિકાના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. 76 પૈકી 69 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, ત્યારે હવે આગામી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન પદે કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રથમ ટર્મમાં મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે. જો કે, વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન માટે વધુ પડાપડી જોવા મળી રહી છે. SC પુરુષ અનામતમાં ત્રણના નામો ચર્ચામાં મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે, જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે એસસી પુરુષ મેયર બનશે. હાલમાં જીતેલા સભ્યોમાં આ પદ માટે 3 ઉમેદવારો બંધ બેસે છે, જેમાં સૌથી પહેલું નામ વોર્ડ 12માંથી જીતેલા સમીર વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. મોરબી જામનગર કે પોરબંદરમાં પટેલને સ્થાન ન મળતા રાજકોટમાં પાટીદાર નિશ્ચિત રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણીમાં આજે પ્રથમ વખત જાહેર રજાના દિવસે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવનાર છે. આ અગાઉ અમદાવાદ સહીત 8 મહાનગરપાલિકાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી તેમાં સૌરાષ્ટ્રમાં એક પણ જગ્યાએ પાટીદારને મેયર તરીકે નિયુક્તિ કરવામાં ન આવતા રાજકોટ મનપાના મેયર પદ પર પાટીદારની નિમણુંક નિશ્ચિત માનવામાં આવી રહી છે જેમાં લેઉવા પાટીદાર સમાજને સ્થાન મળે તો કેતન પટેલ, દિલીપ લુણાગરિયા અને પરેશ પીપળીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે જયારે કડવા પટીદારને સ્થાન આપવામાં આવે તો અશ્વિન ભોરણીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. આજે બકરી ઈદની જાહેર રજા હોવા છતાં આજે રાજકોટ મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહીત પદાધિકારીઓની નિમણુંક થનાર છે. જેમાં સવારે 10 વાગ્યે મહાનગર પાલિકા ખાતે પાર્ટી સંકલનની બેઠક મળશે ત્યારબાદ 11 વાગ્યે સામાન્ય સભા બોલાવવામાં આવશે અને વિધિવત રીતર મેયર સહિતના હોદેદારો પોતાનો ચાર્જ સંભાળશે. સ્ટે.કમિટીના ચેરમેન બનવા નેહલ શુકલાનું લોબિંગ બીજી તરફ મહત્વનો હોદ્દો કહી શકાય તેવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પહેલા દિવસથી બ્રાહ્મણ સમાજમાંથી નેહલ શુકલા લોબિંગ કરી રહ્યા છે. સ્વચ્છ અને અનુભવી તરીકે નેહલ શુકલાનું નામ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત OBC સમાજ દ્વારા પણ સ્ટેન્ડિંગ ચેરમેન માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે જો OBCને સ્થાન આપવામાં આવે તો તેમાં પણ અનુભવું તરીકે ડો.પ્રદિપ ડવ અને ઘનશ્યામ હેરભાનું નામ ચર્ચાઈ રહ્યું છે. અને જો ક્ષત્રિયને સ્થાન આપવામાં આવે તો મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી શકે છે. ડેપ્યુટી મેયર પદ માટે લોહાણા સમાજના મહિલાને સ્થાન મળે તેવી શક્યતા સેવાઈ રહી છે જેમાં દક્ષાબેન વસાણીનું નામ મોખરે ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપના અનેક યુવા અને શિક્ષિત ચહેરા ચૂંટાઈને કોર્પોરેટર પદે નિમણુંક થતા અલગ અલગ સમિતિમાં યુવા અને શિક્ષિત ઉમેદવારોનર ચેરમેન પદ પણ આપવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તેને લઈને અટકળો તેજ બની છે, છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના ગઢ ગણાતા ભાવનગરમાં આ વખતે મેયર પદ સામાન્ય સ્ત્રી અનામત ફાળવવામાં આવ્યું હોવાથી મહિલા કોર્પોરેટરોમાં આંતરિક સ્પર્ધાએ જોર પકડ્યું છે. ભાવનગરમાં ​મેયર પદ માટે મહિલા નેતાઓ વચ્ચે રસાકસી ​ આ વર્ષે મેયર પદ મહિલા અનામત હોવાથી જ્ઞાતિગત સમીકરણો પણ મહત્વના બન્યા છે. ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામ હાલ ચર્ચાના ચગડોળે ચડ્યા છે, જેમાં ​વર્ષાબા વિક્રમસિંહ પરમાર જે કાળીયાબીડ વોર્ડના ક્ષત્રિય મહિલા ઉમેદવાર વર્ષાબાનું નામ હાલ મેયર પદની રેસમાં સૌથી પ્રબળ માનવામાં આવી રહ્યું છે. તેમજ હીરાબેન વિનોદભાઈ કુકડીયા જે ચિત્રા-નારી વોર્ડના પટેલ સમાજના અગ્રણી મહિલા નેતા પણ મજબૂત દાવેદાર ગણાય છે જે સતત બે ટર્મથી જીત મેળવતા આવે છે, ​અન્ય દાવેદારોમાં દક્ષાબેન નિલેશભાઈ ભટ્ટ બ્રાહ્મણ સમાજના નામો પણ પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. ​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે ખેંચતાણ ​ માત્ર મેયર પદ જ નહીં, પણ મહાનગરપાલિકાની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ સિનિયર નેતાઓએ લોબિંગ શરૂ કર્યું છે. આ રેસમાં મુખ્ય ચાર નામો મોખરે છે જેમાં ઉપેન્દ્રસિંહ ચુડાસમા, ​રાજુભાઇ રાબડીયા, ​અશોક બારૈયા તથા ​સંજયભાઈ વેગડના નામો ચર્ચામાં છે.
Read Original Article →