સચિન GIDC નાકા પાસે સર્જાયો ગંભીર અકસ્માત:સ્ટિયરિંગથી કાબૂ ગુમાવતા 100ની સ્પીડે ચલાવી રહેલા ઉન વેપારીની BMW ગટરના ઢાંકણા સાથે ભટકાઇ, પત્નીનું મોત
સચિન GIDC નાકા પાસે ગટરના ઢાંકણ સાથે પુરપાટ ઝડપે BMW કાર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગટરના ઢાંકણ સાથે ફુલ સ્પીડમાં કાર ભટકાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે એરબેગ ખુલવા છતા કારમાં સવાર વેપારી અને તેમના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં વેપારીની પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે વેપારીની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઉન રાહત સોસાયટી ખાતે રહેતા 65 વર્ષીય મસુદ્દીન શેખ બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા હતા. શનિવારે તેઓ તેમના 63 વર્ષીય પત્ની સાયરાબાનુંના નવસારી ખાતે રહેતા બીમાર બહેનને જોવા માટે ગયા હતા. ત્યાંથી મસુદ્દીન શેખ અને તેમન પત્ની સાયરાબાનું તેમની બીએમડબલ્યુ કારમાં ઘરે પરત જતા હતા. પુરપાટ કાર હંકારી રહેલા મસુદ્દીન શેખે સચિન જીઆડીસી નાકા નજીક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ગટરના ઢાંકણા સાથે અંદાજે 100 કિમીની સ્પીડે ભટકાતા કારના ફુરચા ઉડી ગયા હતા. વૃદ્ધ વેપારીની હજુ પણ ગંભીર હાલત
સચિન જીઆઇડીસી નાકા નજીક બનેલી ગટરના ઢાંકણા સાથે કાર અથડાવવાની આ દુર્ઘટનામાં વૃદ્ધ વેપારીની બીએમડબલ્યુ કારની એરબેગ ખુલી જવા છતા વેપારી અને તેમના પત્ની ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધ દંપતીને તાત્કાલિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાયરાબાનુંનું મોત નીપજ્યું હતું. જ્યારે મસુદ્દીનભાઈની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે સચીન જીઆડીસી પોલીસે મસુદ્દીનભાઈના પુત્રની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મસુદ્દીનભાઈને પરિવારમાં બે પુત્ર અને બે પુત્રીઓ છે.
Read Original Article →