65 વર્ષીય આરોપીએ શૌચાલયમાં એસિડ ગટગટાવ્યું:સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના, ત્રણ હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યો

Gujarat4/13/2026, 11:00:26 AM
65 વર્ષીય આરોપીએ શૌચાલયમાં એસિડ ગટગટાવ્યું:સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના, ત્રણ હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યો
સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવેલા એક વૃદ્ધ આરોપીએ શૌચાલયમાં રહેલું એસિડ પી લેતા, ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. આ કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહી ગત 11 ફેબ્રુઆરી, 2026ના રોજ નોંધાયેલા ફોર વ્હીલ વાહન ચોરીના ગુનામાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરાના 65 વર્ષીય સૈયદ બદરૂદ્દીન મયુદ્દીનની સંડોવણી સામે આવી હતી. સચિન પોલીસની ટીમ તેને ગોધરાથી સુરત લાવી હતી અને ડી-સ્ટાફની ઓફિસમાં તેની પૂછપરછ ચાલી રહી હતી. ACP નિરવ ગોહિલના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલય જવાનું બહાનું કાઢ્યું હતું. પોલીસ કર્મચારીની હાજરીમાં જ તે અંદર ગયો હતો અને ત્યાં સફાઈ માટે રાખેલું એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ તુરંત તેને ઉલટીઓ અને અસહ્ય દુખાવો થતા તેણે પોતે જ પોલીસને જાણ કરી હતી. ત્રણ હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યો ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને સમર્પણ અને અંતે સીડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની સઘન સારવાર છતાં ઝેરી અસરને કારણે તેનું મોત નીપજ્યું હતું. આરોપીનો ગુનાહિત ઈતિહાસ પોલીસ રેકોર્ડ અનુસાર, મૃતક સૈયદ બદરૂદ્દીન વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. તેની અગાઉ બાયપાસ સર્જરી પણ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે, તેની વય અને નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને તેની સાથે કોઈ પણ પ્રકારની મારઝૂડ કે શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું નહોતું. કસ્ટોડિયલ ડેથ હોવાને કારણે નિયમ મુજબ આ કેસમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની પ્રક્રિયા તેજ કરી છે. મોતના ચોક્કસ કારણો જાણવા માટે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે.
Read Original Article →